દ્વારકા યાત્રાધામમાં ચાલુ વર્ષ જાણે ધર્મની ધ્વજાનો વિશેષ પ્રતિક બન્યો હોય તેમ પરસોત્તમ માસ અને શ્રાવણ માસના પવિત્ર તહેવારો બાદ હવે દિવાળીના તહેવારોમાં પણ ફરીથી દ્વારકાધીશના ધામમાં ફરીથી માનવ કિડીયારૂંનો માહોલ જોવા મળશે. પ્રાથમિક વિગતો મુજબ દ્વારકા ખાતે આવેલ રહેવા-ઉતારવાના 2 હજાર રૂમો દિવાળીના આ મિનિ વેકેશનમાં ટૂંકા પડશે. તેવો અણસાર હોટેલ ઉદ્યોગના સંચાલકો પાસેથી સાંપડી રહ્યો છે. તા.11 નવેમ્બરના ધનતેરસથી શરૂ થતાં તહેવારોમાં સતત 10 દિવસ સુધી જાહેર રજાઓ તથા સ્કૂલોમાં વેકેશન પડી રહ્યું છે ત્યારે દ્વારકાની હોટેલ ઉદ્યોગોમાં ધનતેરસના પ્રથમ ચરણથી રૂમોના બુકીંગ થયાં છે.
હોટલો, ધર્મશાળા, અતિથિ ગૃહો અને ગેસ્ટ હાઉસ બે હજારથી વધુ રૂમ ભરચક
ત્યારે દ્વારકાની બજારોમાં પણ વેપારી વર્ગ-એ દિવાળીના તહેવારોમાં આવનાર પ્રવાસી યાત્રીકોના વેંચાણલક્ષી જરૂરી હેન્ડલુમ ફટાકડા, ધાર્મિક સાહિત્ય, પ્રસાદ તથા ધાર્મિક ચીજવસ્તુઓની હોલસેલ ખરીદી કરીને વેપાર ઉદ્યોગનો લાભ લેવાની તૈયારીઓ પૂર્ણ કરી છે. ખાસ કરીને યાત્રીકો મંદિર આસપાસની દુકાનોથી શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપા તથા ઠાકોરજીના વાઘા વસ્ત્રોની ખરીદી દ્વારકામાંથી વધુ કરી રહ્યાં છે.
જ્યારે લાખોની સંખ્યામાં આવનાર પ્રવાસી યાત્રીકોએ આકર્ષણરૂપ પ્રવાસના આનંદ ઉત્સવનું કેન્દ્ર બિંદુ શિવરાજપુર બીચ ખાતે પણ ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી આવનાર પ્રવાસીઓ સ્કુબા અને પેરાગલાઇડીન જેવી કુદરતી પ્રકૃત્તિના આનંદ સમાનની મોજ માણવા ટુર ટ્રાવેર્લ્સ એજન્ટો મારફત એડવાન્સ બુકીંગ કરાવ્યા છે.
દિવાળીના મિનિ વેકેશનને લઇને જાહેર રજાઓમાં ધાર્મિક કાર્યક્રમ કરવા માટે પણ ભાવિક શ્રદ્વાળુઓ આતુર હોય તેમ 6 ધ્વજાજીના બુકીંગ તથા દ્વારકાધીશજીના ચરણમાં અન્નકૂટ ઉત્સવો વગેરેમાં પણ ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધનતેરસના તહેવારથી દ્વારકાધીશના સ્વરૂપને સુંદર વસ્ત્રો તથા ભારે સુવર્ણ જડિત આભૂષણો અને મહાપ્રસાદના ભોગ તથા વિશેષ તહેવારોની મહાઆરતીના શ્રધ્ધાભાવના દર્શન કરાવવા મંદિરના વહિવટદાર પુજારી પ્રવિણભાઇ, દિપકભાઇ, હેમલભાઇએ તૈયારીઓ કરી લીધી છે.
દેવસ્થાન સમિતિ દ્વારા જગત મંદિરને કરાશે સુશોભિત
દ્વારકાધીશજીના સાત મજલાને 125 ફૂટની ઉંચાઇ સુધી એટલે કે જ્યાં રોજના 6 ધ્વજાજીનું આરોહણ થાય ત્યાં શિખર સહિતના ભાગોમાં દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ સતત 10 દિવસ સુધી લાઇટીંગ, ડેકોરેશનથી સુશોભિત કરશે.