- એલસીબી ઝોન-1ની ટીમે રીક્ષા ગેંગના ચારેય હુમલાખોરોની કરી ગણતરીની કલાકોમાં ધરપકડ
Rajkot News
રાજકોટ શહેરમાં હવે તસ્કરો દિન પ્રતિદિન બેફામ બનતા હોય તેવા અહેવાલો તો છાસવારે સામે આવતા જ હોય છે તેની વચ્ચે રીક્ષા ગેંગ કે જે અગાઉ નજર ચૂકવીને પાકીટ-મોબાઈલ સહીતની ચોરી આચરતી હતી જે ગેંગ હવે ખૂની હુમલા કરતી અચકાતી નથી. ગત સપ્તાહના અંતમાં રીક્ષા ગેંગે બે હોટેલ મેનેજર પર જીવલેણ હુમલો કર્યો હતો. જે હુમલાનો બનાવ હવે હત્યામાં પલટાઈ ગયો છે.
શહેરમાં પાકિટ સેરવી લીધા બાદ જાણ થતા રિક્ષા ગેંગે બોલાચાલી કરી પેસેન્જરના માથે રિક્ષા ચડાવી પાઈપથી માર માર્યો હતો. મોરબી રોડ પર બનેલી ઘટનામાં ઇજાગ્રસ્ત હોટલ કર્મીઓ જયપાલસિંહ જાટ અને મનોજકુમાર જાટને સારવારમાં ખસેડાયા હતા. દરમિયાન મનોજ જાટ નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. રાજકોટ એલસીબી ઝોન-1ની ટીમે ગણતરીની કલાકોમાં રિક્ષા ગેંગના 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેની સામે હવે બી ડિવિઝન પોલીસમાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.
ફરિયાદીની ફરિયાદ મુજબ બેડી ચોકડી જવા બંને હોટેલ કર્મચારીઓ રિક્ષાની પાછળની સીટમાં બેસી ગયા હતા. આ રિક્ષા આશરે 500 મીટર જેટલી ચાલતાં રિક્ષાચાલક આગળ જઈ રિક્ષા ઉભી રાખી હતી અને અમને કહ્યું કે, રિક્ષાની સીટ તુટેલી છે. તમે બંને અહીંયા ઉતરી જાવ. અમને બંનેને ત્યાં રોડ ઉપર નીચે ઉતારી દીધા હતા અને રિક્ષા ત્યાંથી જતી રહ્યા બાદ તુરંત જ મનોજકુમારે મને કહ્યું કે, મારું પાકિટ રિક્ષામાં પડી ગયું છે. જેથી ત્યાં નજીકમાં એક રિક્ષા આવતી હોય અમે ઉભી રખાવી હતી અને તે રિક્ષાવાળાને કહ્યું કે, આગળ જતી રિક્ષામાં મારૂ પર્સ પડી ગયું છે, તમે જલ્દી તે રિક્ષાની પાછળ લ્યો. જેથી તુરંત જ આ રિક્ષાવાળાએ પીછો કર્યો હતો.
પહેલી રિક્ષાને થોડે આગળ જઈને ઉભી રખાવી હતી અને અમે રિક્ષા પાસે જતા મનોજકુમારે કહ્યું કે, મારૂ પર્સ રિક્ષામાં પડી ગયું છે. જેથી રિક્ષાની પાછળની સીટમાં એક શખસ જેણે કાળા કલરનું જેકેટ પહેર્યું હતું તેણે મનોજકુમારનું પર્સ પાછું આપી દીધું હતું. આ રિક્ષાચાલક સહિત ચારેય શખસો રિક્ષા નીચે ઉતરી જઈ કહેવા લાગ્યા કે, અમે કોઈ તમારું પર્સ ચોર્યું નથી, તમારૂ પર્સ રિક્ષામાં પડી ગયું હતુ. આ ચારેય શખસોએ અમારી સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા અને મનોજકુમારને ઢીકાપાટુનો મૂંઢ માર માર્યો હતો. જેથી હું અને મનોજકુમાર આ લોકોથી છૂટીને મોરબી રોડ તરફ ભાગવા લાગ્યા હતા. મારી આગળ મનોજકુમાર દોડતા હતા અને તેઓની પાછળ હું દોડતો હતો.
દરમિયાન આ ચારેય શખસો રિક્ષા લઈને અમારી પાછળ આવ્યા અને પ્રથમ મારી ઉપર રિક્ષા ચડાવી મને મારવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં હું રોડથી ખસી જતાં આ રિક્ષાચાલકે મારા જમણા પગ ઉપર રિક્ષા ચડાવી દીધી હતી અને મને જમણા પગના અંગુંઠામાં ઈજા થઈ હતી. હું રોડ ઉપર ફંગોળાય ગયો હતો. બાદમાં આ રિક્ષાવાળાઓએ મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કરી રિક્ષાથી ટક્કર મારી મનોજકુમારને રોડ ઉપર પછાડી દીધા હતા.
આ લોકોએ તેઓ પાસેની રિક્ષા ત્યાં ઉભી રાખીને આ લોકો ચારેય શખસો નીચે ઉતર્યા હતા. જેમાં એક કાળા કલરના ઝાકીટવાળા શખસની પાસે એક લોખંડની પાઈપ હતી. જેનાથી મનોજકુમારને માથાના ભાગે તથા શરીરે માર માર્યો હતો. ત્યારબાદ આ લોકો તેઓની રિક્ષા લઈને જતા રહ્યા હતા. મનોજકુમાર અર્ધબેભાન હોય, 108માં સારવાર માટે અમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મનોજકુમાર જાટનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે.
બનાવ અંગે જાણ થતા એલસીબી ઝોન 1 ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં રિક્ષા ગેંગના ચાર આરોપી ભાવેશ ઉર્ફે ડાન્સર મકવાણા, જિજ્ઞેશ સિંધવ, સાગર વાઘેલા અને ઈરફાન બેલીમની ધરપકડ કરી 75,000 કિંમતની ઓટો રિક્ષા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એલસીબીએ ઝડપેલા રીક્ષા ગેંગના સભ્યો રીઢા ગુનેગાર
પકડાયેલ આરોપીઓ પૈકી ભાવેશ ઉર્ફે ડાન્સર વિરૂદ્ધ અગાઉ રાજકોટ, અમદાવાદ અને જૂનાગઢમાં મળી કુલ 7 ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે સાગર વાઘેલા વિરૂદ્ધ રાજકોટ ગાંધીગ્રામ પોલીસમાં પ્રોહિબિશન જુગાર સહિત કુલ 7 અલગ અલગ ગુના નોંધાઈ ચૂક્યા છે અને જિજ્ઞેશ સિંધવ વિરુદ્ધ રાજકોટ ગાંધીગ્રામ પોલીસમાં એક ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મનોજકુમારનું સારવાર દરમિયાન મોત નિપજતા આરોપીઓ સામે હવે હત્યાની કલમનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.