લોકડાઉન-૪ની અમલવારી દરમિયાન દુકાનો, હોટલો અને વાહન વ્યવહાર ચાલુ રાખવા માટે મહદઅંશે છુટછાટો આપવામાં આવી છે. બપોરના ૪ વાગ્યા સુધી  લગભગ તમામ ઉદ્યોગ ધંધા ચાલુ હોય છે. અલબત કેટલાક ઉદ્યોગ-ધંધા એવા છે જેમાં રાત્રે જ ગ્રાહકોનો ધસારો હોય છે. હાલ સરકારે હોટલ-રેસ્ટોરન્ટમાંથી ૪ વાગ્યા સુધી ફૂડ પાર્સલની ડિલીવરી ચાલુ રાખવાની મંજૂરી તો આપી છે પરંતુ હોટલ-રેસ્ટોરન્ટમાં ધંધો રાત્રે જ જામતો હોય છે. બીજી તરફ પરમીટેડ દારૂની દુકાનો પણ બંધ છે. જેના કારણે પરવાનો ધરાવતા લોકોની ‘તબીયત’ બગડતી હોવાની દલીલ થાય છે. આવા સંજોગોમાં પરમીટેડ દારૂ અને રાત્રીના ૧૧ વાગ્યા સુધી ફૂડ પાર્લર ખુલ્લુ રાખવામાં આવે તેવી માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી છે.

વર્તમાન સમયે દારૂના ઉંચા ભાવના કારણે વેંચાણ અને આવકમાં મોટુ ગાબડુ પડ્યું છે તેવું દુકાનદારોનું કહેવું છે. ઉપરાંત રેગ્યુલર દારૂની ખરીદી કરતા હોય તેવા પરવાનેદારો દ્વારા ક્યારથી દુકાનો ખુલશે તેની પુછપરછ થતી હોય છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા લીકર શોપ અને રેસ્ટોરન્ટ મુદ્દે છુટછાટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોશીએશન દ્વારા મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ છુટછાટ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં રેસ્ટોરન્ટને રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલુ રાખવા દેવાની માંગણી પણ સામેલ છે. ૧લી જૂનથી પરમીટેડ દારૂની દુકાનને ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત પણ થઈ છે. વર્તમાન સમયે રેસ્ટોરન્ટમાંથી ફૂડ લઈ જવા માટે ૪ વાગ્યા સુધીની સમય મર્યાદા આપવામાં આવી છે. આ સમય મર્યાદા વધારી ૧૧ વાગ્યા સુધીની કરવામાં આવે તેવી માંગણી થઈ છે. જો રાત્રે ૧૧ વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ચાલુ જ ન રહે તો ડિનર પહોંચાડી શકાય નહીં. સામાન્ય રીતે હોટલ ઈન્ડસ્ટ્રી રાત્રીના સમયે જ વધુ ધમધમે છે. હોટલ-રેસ્ટોરન્ટનો ધંધો રાત્રે ડિનર કરવા આવતા ગ્રાહકો પર નભેલો છે. સરકારે ૪ વાગ્યા સુધીની સમય મર્યાદા તો આપી છે પરંતુ રેસ્ટોરન્ટ ઉદ્યોગને અસ્તિત્વ ટકાવી રાખવા માટે વધુ સમયની જરૂર છે.

લોકડાઉન-૪ પૂરું થવા જઈ રહ્યું છે. હવે નજીકના ભવિષ્યમાં સરકાર ઉદ્યોગ-ધંધા અંગે કેટલીક વધુ છુટછાટ આપે તેવી અપેક્ષાઓ સેવવામાં આવી રહી છે. લાંબા લોકડાઉનના કારણે લીકર શોપ, રેસ્ટોરન્ટ-હોટલોની કમર ભાંગી ચૂકી છે. ધંધામાં ટકવું મુશ્કેલ બન્યું છે. ત્યારે રાજ્ય સરકાર હોટલ ઈન્ડસ્ટ્રી તરફ સંવેદનશીલતા રાખી સમય મર્યાદામાં વધારો કરે તેવી આશા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસો. દ્વારા રાખવામાં આવી રહી છે.

હોટલ બિઝનેસ ઉપર લોકડાઉનની માઠી અસર પડી છે. આવા સંજોગોમાં સરકારે ૪ વાગ્યા સુધી ફૂડ પાર્સલની છૂટ આપી છે. અલબત લોકોની ફૂડ પ્રત્યેની શૈલીના કારણે છુટ ૧૧ વાગ્યા સુધી લંબાવવામાં આવે તેવી લાગણી અને માંગણી હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ એસો.ની છે.

લોકડાઉનના કારણે લીકર શોપ પણ લાંબા સમયથી બંધ છે. આગામી સોમવારથી નવા નિયમોની અમલવારી થશે તેવી અપેક્ષા સેવવામાં આવે છે ત્યારે લીકર શોપને પણ મંજૂરી આપવામાં આવે તે જરૂરી છે. પરવાનો ધરાવતા હોય તેઓ ખૂબ મોટો વર્ગ લીકર શોપ આધારીત છે. હેલ્થના કારણોસર આપવામાં આવેલા પરવાનો ધરાવનાર વ્યક્તિઓનું આરોગ્ય મુશ્કેલીમાં ન મુકાય તે પણ આવશ્યક છે.

૮૫% ‘૫રમીટેડ’ અનહેલ્ધી!!!

સોમવારથી લીકર શોપ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પરવાના ધારકોને તકલીફ પડતી હોવાની દલીલ થઈ છે. જો કે, ગુજરાતમાં દારૂબંધી હોવાથી પરવાના માટે મોટાભાગે ‘નાદુરસ્તી’નું કારણ આગળ ધરાતું હોવાનું સામે આવે છે. વર્તમાન સમયે દારૂની પરમીટ ધરાવનાર ૮૫% લોકો અનહેલ્ધી હોવાનું જણાય છે. તબીયતને લઈ દારૂની પરમીટ ધરાવનાર લોકોની સંખ્યા ખુબ વધુ છે. જો લોકો પાસે હેલ્થ પરમીટ હોય તો તેમને તબીયતના કારણોસર દારૂની જરૂર હોવાની દલીલ ઈન્ડસ્ટ્રી દ્વારા થઈ છે. જેથી જેમ બને તેમ વહેલી તકે લીકરશોપ ખોલવામાં આવે તેવી માંગણી કરાઈ છે.

લોકોની ફૂડ પસંદગીને લઇ રાત્રીના પાર્સલની છૂટ જરૂરી

લોકોની ફૂડ પસંદગીને લઇ રાત્રીના પાર્સલની છૂટ જરૂરી  છે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરો તેમજ રાજ્યના અન્ય નાના નગરોમાં હોટલ ઈન્ડસ્ટ્રીનો ધંધો રાત્રીના ગ્રાહકો પર નિર્ભર હોય છે. હોટલ-રેસ્ટોરન્ટમાં રાત્રે જ ગ્રાહકોનો જમાવડો લાગે છે. ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીના સમયગાળામાં ગ્રાહકોનો ધસારો રહે છે. હાલ માત્ર ૪ વાગ્યા સુધી જ હોટલ ખુલ્લી રાખી શકાય છે. તેમાં પણ પાર્સલ સુવિધા આપવી પડે છે. આવા સંજોગોમાં હોટલને ટકી રહેવા માટે સમય મર્યાદા વધારવામાં આવે તે જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.