‘
25થી વધુ ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે આવતીકાલે યોજાનારા મહા સંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી રઘુવંશીઓ રહેશે ઉપસ્થિત
અબતક,નિલેશ ચંદારાણા,વાંકાનેર
વાંકાનેર બાઉન્ટ્રીથી રાજકોટ તરફ જતા રોડ ઉપર જાલીડા ગામની સીમમાં સંપાદન થયેલ “રામધામ” ભૂમિ ઉપર મહામંડલેશ્ર્વર-1008 હરીચરણદાસજી મહારાજની આજ્ઞા અને આર્શિવાદ સાથે શરૂ થયેલા ત્રિ-દિવસીય શ્રીરામ મહાયજ્ઞનો ગઇકાલથી પ્રારંભ થયો છે. જે આવતીકાલ સુધી ચાલશે. ગઇકાલે સદ્ગુરૂ દેવ હરીચરણદાસજી મહારાજના શિષ્ય ગોંડલ રામજી મંદિરના મહંત જયરામદાસજી મહારાજ તથા કમીજલા-ભાણ સાહેબની જગ્યાના સંત જાનકીદાસજી મહારાજના વરદ હસ્તે ભગવાન શ્રીરામચંદ્રજીની તસ્વીર સમક્ષ દિપ પ્રાગટ્ય સાથે ભગવાનની જય જય કાર સાથે મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો.
બંને મહંતોએ રઘુવંશી સમાજ દ્વારા જીતુભાઇ સોમાણીના નેતૃત્વમાં ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ જરૂરથી સિધ્ધ થશે. તેવા આશિર્વાદ આપ્યા હતા.
દિપ પ્રાગટ્ય વેળાએ બંને મહંતો ઉપરાંત નીતીનભાઇ રાયચુરા, કિશોરભાઇ ઉનડકટ, કચ્છી રાજુભાઇ પુજારા, બાબાલાલ કક્કડ ઉપરાંત વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઇ ઘેલાણી સહિત વાંકાનેર, રાજકોટ, મોરબી, કુવાડવા, ચોટીલા, ટંકારા સહિતના ગામેથી લોહાણા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીરામ મહાયજ્ઞમાં યજ્ઞના આચાર્ય શાસ્ત્રીજી હીરેનભાઇ ત્રિવેદી સહિત 25થી વધુ ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સવારના 8:30 થી 12:30 અને બપોરે 3:30 થી 6:30 સુધી યજમાન પરિવાર દ્વારા આહુતી અપાય છે.
શ્રીરામધામની ભૂમિ ઉપર બહોળી સંખ્યામાં મળનાર રઘુવંશી સંમેલનમાં ભવ્યાતીભવ્ય રામ મંદિર નિર્માણ અને ભવિષ્યના આયોજનોની વિગતો જીતુભાઇ સોમાણી અને રામધામ કમિટી દ્વારા અપાશે.ગામે-ગામ વસતા લોહાણા સમાજને વધુમાં વધુ રામધામ ખાતે પધારવા રામધામ કમિટી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.