મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં બનેલી એક ઘટના સમગ્ર દેશ માટે બોધપાઠ બની ગઈ છે. જિલ્લામાં થેલેસેમિયાગ્રસ્ત ત્રણ વર્ષના બાળકની સારવાર દરમિયાન હોસ્પિટલે તેના પિતાને લોહીની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
આ ઘટનાને ગંભીરતાથી લેતા નેશનલ કમિશન ફોર ચાઈલ્ડ પ્રોટેક્શન NCPCRએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપી છે. આયોગે આવા દર્દીઓને વિનામૂલ્યે લોહી ચઢાવવાનો આદેશ આપ્યો છે.
તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલ પત્ર
NCPCRના પ્રમુખ પ્રિયંકર કાનુન્ગોએ કહ્યું કે તેમને આવા જ એક મામલાની માહિતી મળી છે, જ્યાં મધ્યપ્રદેશમાં સારવાર દરમિયાન હોસ્પિટલે બાળકના પરિવારને લોહીની બોટલ આપવાનું કહ્યું હતું. તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવોને પત્ર લખીને આવા દર્દીઓને મફત રક્તદાન આપવા માટે હોસ્પિટલોને પરિપત્ર જારી કરવા અને આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવા જણાવ્યું છે.
ખાનગી રક્ત કેન્દ્ર પણ ફરજિયાત રહેશે
કાનુન્ગોએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે, “થેલેસેમિયા એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે, ખાસ કરીને બાળકો માટે. તેને ખાસ કાળજીની જરૂર છે.” તેમણે ગયા વર્ષે જૂનમાં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયના એક પત્રને ટાંક્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે “તમામ સરકારી અને ખાનગી રક્ત કેન્દ્રો માટે થેલેસેમિયાના દર્દીઓને મફતમાં રક્ત પૂરું પાડવું ફરજિયાત છે.”
પ્રમુખ પ્રિયંકર કાનુનગોએ જણાવ્યું હતું કે આ રોગમાં ખાસ કાળજીની જરૂર છે. આ સંદર્ભમાં, તેમણે રાજ્ય સરકારોને અપીલ કરી છે કે તેઓ ખાતરી કરે કે તેમની હોસ્પિટલોમાં આ નિયમોનું પાલન કરવામાં આવે. આ ઉપરાંત રાજ્યો પાસેથી આ મુદ્દે કરવામાં આવેલી કાર્યવાહીનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે.