વર્તમાન પરિસ્થિતિમાં દર્દી હોસ્પિટલમાં દાખલ થયા એટલે સુરક્ષિત એવું માનવું ભૂલ ગણાશે
કોરોનાની ભયંકર પરિસ્થિતિમાં હોસ્પિટલો પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રહી હોવાનું ધ્યાને આવ્યું છે. હવે અનેક હોસ્પિટલો દર્દીઓને જો ઓક્સિજનની અછતથી કઈ તકલીફ પડે તો અમારી જવાબદારી નહિ. તેવા બાહેધરી પત્ર ભરાવી રહી હોવાનું ધ્યાને આવતા દર્દીઓના સગાઓમાં ભય ફેલાયો છે.
રાજકોટમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. સામે તંત્ર ઓક્સિજનની માંગ પૂર્ણ કરવા વામણું સાબિત થયું હોવાનું નોંધાયું છે. આ પરિસ્થિતિમાં તંત્ર, હોસ્પિટલ, તબીબો, દર્દીઓ અને દર્દીઓનાં સગાં-સંબંધી બધાં જ ખૂબ જ ચિંતામાં છે. વહીવટી તંત્ર દરેક હોસ્પિટલને એકસાથે જથ્થો આપવાને બદલે કટકે કટકે ઓક્સિજન પહોંચાડી સ્થિતિ પર કાબૂ મેળવવા એક એક કલાકનો જથ્થો પણ મળે એ માટે દોડી રહ્યું છે. તબીબોની ચિંતા પણ અસ્થાને નથી કારણ કે એક મિનિટ પણ ઓક્સિજન ન મળે તો દર્દી મોતને ભેટી જાય. આવા સમયે અમુક હોસ્પિટલે જવાબદારીમાંથી હાથ ખેંચવા બાંયધરીપત્રકો ભરવાના ચાલુ કર્યા છે.
હોસ્પિટલે બાંયધરીપત્રકમાં એવું લખ્યું છે કે રાત્રીના 11 વાગ્યા સુધી જ ચાલે તેટલો જથ્થો છે કારણ કે ઉપરથી જ ઓક્સિજનની અછત છે. તેના માટે હોસ્પિટલ પ્રયત્ન કરી રહી છે છતાં બીજે સુવિધા હોય ત્યાં ટ્રાન્સફર કરવાની સલાહ આપી છે. આ પછીના પેરેગ્રાફમાં લખે છે કે ઓક્સિજનની અછતને કારણે અમારા દર્દીને કોઇપણ જાતની તકલીફ થશે તો તેના માટે હોસ્પિટલ કે કર્મચારી જવાબદાર રહેશે નહિ, આ સ્થિતિ અમે સમજીએ છીએ અને સહી કરીએ છીએ આ કહીને સહી લેવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.
આ ભયંકર પરિસ્થિતિ વચ્ચે હોસ્પિટલો પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહી હોવાનું સામે આવ્યુ છે. તંત્ર અને હોસ્પિટલોએ મળીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જરૂરી છે. હોમ આઇસોલેટ થનાર દર્દીઓ ઉપર જીવનું જોખમ વધુ છે. પણ હવે તો હોસ્પિટલમાં દર્દીને દાખલ કર્યા બાદ પણ તેને તમામ સુવિધા મળશે અને તે સલામત રહેશે તેવું માનવું ભૂલ ગણાશે.
હોસ્પિટલ કોઇપણ દર્દીને દાખલ કરે ત્યારે અનેક પ્રકારના બાંયધરીપત્રકો ભરાવી લે છે. જોકે તેઓ કોઇ બાંયધરીપત્રક આપતા નથી કે દર્દી બચાવી જ લેશે. મહામારીને કારણે ઊભી થયેલી કટોકટીમાં સમસ્યા ઉદભવે પણ એનો ઉપાય કરવાને બદલે સીધું પરિણામ જોઈને જો મોત થાય તો તેમના પર જવાબદારી આવશે એ વિચારીને પહેલાંથી જ હાથ ખંખેરી લેવા માટે વિચારેલા આ પેતરા યોગ્ય નથી. હોસ્પિટલોના આ વલણથી હવે પરિસ્થિતિ અતિ ગંભીર બનતી જઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે.