- 12 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે: કામ ચલાઉ નોંધણી કે રિન્યની અવધીમાં વધારો
- ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -2025 હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ એટલે કે તા. 12-09-2025 સુધી વધારવામાં આવ્યો
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -2025” રજુ કર્યું હતું.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં નાના ક્લિનીકથી લઇ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ, લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓ ,તેમજ આ સંસ્થાઓમાં કામ કરતા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની વિગતો , તેમાં ઉપલ્બધ બેડ, આસીયુ, ઇમરજન્સી સેવાઓ વિગેરેની સચોટ માહિતી મળી રહે તે ઉદ્દેશથી રાજય સરકારે તા.13/9/2022 ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરીને “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ-2021 સમગ્ર રાજયમાં અમલમાં મૂકેલ છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કંઇ હોસ્પિટલ કયા પ્રકારની સેવા આપી રહી છે, હોસ્પિટલમાં કે ક્લિનિકમાં કયા કયા પ્રકારની સુવિધાઓ , સાધનો , કઇ સ્પેશ્યાલિટીના તબીબો છે તેનું ડેટા મેનેજમેન્ટ અને નિયમન કરીને ડિજીટલી રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે.
આ તમામ ઉદ્દેશોને કેન્દ્રમાં રાખીને આ સુધારા વિધેયક દ્વારા, કાયદાની કલમ – 9 (4) માં કાયમી શબ્દ નહિ, પરંતુ કામચલાઉ શબ્દ ની જોગવાઇ કરાઇ છે.હાલ રાજ્યમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-2021 અંતર્ગત તમામ આરોગ્ય સંસ્થાઓએ તા. 12-03-2025 સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું.આજે આ સુધારા વિધેયક પસાર થતા નોટીફિકેશન દ્રારા રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવા માટેનો સમય છ માસ એટલે કે 12-09-2025 સુધી વધારવામાં આવશે.
વધુમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ નોંધણી આપવા કે રીન્યુ કરવા માટે સમય દોઢ વર્ષ એટલે કે 12-09-2026 સુધી વધારવામાં આવશે.આ સુધારા વિધેયકની અન્ય મહત્વની જોગવાઈઓ વિશેની વિગતો ગૃહ સમક્ષ રજુ કરતા મંત્રીશ્રી એ કહ્યું હતું કે, નિયમનકારી માળખાને ધ્યાનમાં રાખીને યોગ અને નેચરોપથી (નિસર્ગોપચાર પદ્ધતિ)ને માન્યતાપ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિની વ્યાખ્યામાંથી બાકાત કરાઇ છે.જિલ્લા રજિસ્ટ્રેશન સત્તામંડળના આદેશો સામેની અપીલ સાંભળવા માટે રાજ્ય કાઉન્સિલને તેના સભ્યો પૈકી કોઈ એક વ્યક્તિને નિયુક્ત કરવાની સત્તા આપવામાં આવી છે.ચિકિત્સા સંસ્થા માટેની રાજ્ય કાઉન્સિલમાં ડેન્ટલ, હોમિયોપથી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માટે જે તે ચિકિત્સા પદ્ધતિની કાઉન્સિલ કે બોર્ડના એક એક સભ્યની નિમણુંક માટે જોગવાઈ કરી તે ચિકિત્સા પદ્ધતિની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ પૂરું પાડવામાં આવ્યું છે.
રાજ્ય કાઉન્સિલમાં નામનિયુક્ત સભ્યના હોદ્દાની મુદ્દત ત્રણ વર્ષની અને વધુ એક મુદત માટે પુન: નામનિયુક્તિ માટે પાત્રતા નક્કી કરવામાં આવી છે.જિલ્લા રજીસ્ટ્રેશન સત્તામંડળના સભ્ય સચિવ અને નામાંકિત સભ્યોમાં સુધારો કરવામાં આવ્યો તેમજ નામનિયુક્ત સભ્યની હોદ્દાની મુદ્દત ત્રણ વર્ષની અને વધુ એક મુદત માટે પુન: નામનિયુક્તિ માટે પાત્રતા નક્કી કરવામાં આવી છે.આ સુધારા વિધેયક સંદર્ભે ગૃહના વિવિધ સભ્યોએ વિગતવાર ચર્ચા કરી હતી અને ચર્ચાના અંતે આ વિધેયકને સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-2021 તા.13/9/2022 થી રાજયમાં અમલમાં આવેલ છે. આ કાયદા હેઠળના નિયમો તા.26/9/2022 થી અમલમાં આવેલ છે.