જનાના હોસ્પિટલ, ચર્ચ, રેલવે અને કોર્ટ સહિત ૧૭ આસામીઓને ફરી નોટિસ ફટકારાઈ: કપાતનાં બદલામાં વળતરનાં ૩ વિકલ્પો

શહેરમાં સતત વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે મહાપાલિકા દ્વારા હોસ્પિટલ ચોકમાં રૂા.૮૪.૭૧ કરોડનાં ખર્ચે ટ્રા-એન્ગલ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કામ ઝડપથી શરૂ થાય તે માટે બ્રિજનાં નિર્માણ દરમિયાન કપાતમાં આવતી મિલકતનાં અસરગ્રસ્તો સાથે આગામી બુધવારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હિયરીંગ બેઠક બોલાવવામાં આવી છે. કપાતનાં બદલામાં આસામીઓને વળતરનાં ૩ વિકલ્પો આપવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હોસ્પિટલ ચોકમાં ૮૪.૭૧ કરોડનાં ખર્ચે બ્રિજ બનાવવાનું કામ ઝડપથી શરૂ થાય તે માટે એજન્સીને પણ તાત્કાલિક સોઈલ ટેસ્ટીંગ રીપોર્ટ સહિતની કામગીરી તાત્કાલિક અસરથી શરૂ કરવા જરૂરી સુચના આપી દેવામાં આવી છે. બ્રિજનાં નિર્માણ માટે કુલ ૧૭ આસામીઓની મિલકત કપાતમાં આવે છે જેમાં સૌથી વધુ મિલકત જનાના હોસ્પિટલ, કોર્ટ કમ્પાઉન્ડ, ચર્ચ અને રેલવેની મિલકતનો સમાવેશ થાય છે. આ અંગે અગાઉ તમામ અસરગ્રસ્તોને નોટીસ ફટકાર્યા બાદ તાજેતરમાં ફરી નોટીસ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. કપાતનાં અસરગ્રસ્તોને નિયમ મુજબ ૩ વિકલ્પો આપવામાં આવ્યા છે. જેમાં કપાતમાં જતી મિલકતનાં બદલામાં અન્ય સ્થળે એટલી જ જમીનની ફાળવણી કરવામાં આવશે. મિલકતની સામે જંત્રી ભાવ મુજબ વળતર ચુકવવું અથવા માર્જીન પાર્કિંગની જગ્યામાં વધારાની એફએસઆઈ આપવામાં આવશે. આગામી બુધવારે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા અસરગ્રસ્તો સાથે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે હિયરીંગ બેઠક બોલાવવામાં આવી છે. તંત્ર અને અસરગ્રસ્તો વચ્ચે બેઠકમાં જે નિર્ણય લેવાશે ત્યારબાદ ડિમોલીશનની કામગીરી શરૂ કરવામાં આવશે. બીજી તરફ બ્રિજ કોન્ટ્રાકટરને ઝડપથી કામ શરૂ થાય તે માટે સોઈલ ટેસ્ટીંગ સહિતની કામગીરી પુરી કરવા સુચના આપી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.