સામા કાંઠેથી આવતા અને જતા વાહનો ચાલકોને મોટી રાહત: બ્રિજનું કામ જુલાઇ સુધીમાં પૂર્ણ થઇ જાય તેવી સંભાવના
ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના સિવિલ હોસ્પિટલ ચોકમાં કરોડો રૂપિયાના ખર્ચે ટ્રાએંગલ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજનું નિર્માણ કામ આગામી જુલાઇ માસમાં પૂર્ણ થઇ જાય તેવી સંભાવના જણાઇ રહી છે. દરમિયાન ખટારા સ્ટેન્ડથી કેસરી હિન્દ પુલ તરફના બંને સર્વિસ રોડ ખૂલ્લા મુકી દેવાયા બાદ હવે આ રોડ પર ડામર કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યુ છે. જેનાથી સામા કાંઠા વિસ્તારમાંથી આવતા અને જતા વાહન ચાલકોને મોટી રાહત મળશે.
હોસ્પિટલ ચોકમાં બ્રિજનું નિર્માણ કામ છેલ્લા બે વર્ષથી ચાલુ હોવાના કારણે વાહન ચાલકોને ખાસી સમસ્યાનો સામનો કરવો પડે છે. એસ.ટી. બસે પણ ફરી ફરીને શહેરમાં આવુ પડે છે. બ્રિજનું નિર્માણ કામ 95 ટકાથી વધુ પૂરું થઇ જવા પામ્યુ છે. થોડા સમય પહેલા ખટારા સ્ટેન્ડથી કેસરી હિન્દી પુલ તરફના બંને બાજુના સર્વિસ રોડ પર મેટલીંગ કામ કરી તેને ખૂલ્લા મૂકી દેવામાં આવ્યા હતા. હવે આ બંને સર્વિસ રોડ પર ડામર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે પૂર્ણ થતાની સાથે વાહન ચાલકોને મોટી રાહત મળશે. આ ઉપરાંત હોસ્પિટલ ચોકમાં બ્રિજના ગર્ડર મૂકવાની કામગીરી પણ ચાલી રહી છે. જો બધુ સમુસૂત્રુ ઉતરશે તો જુલાઇ માસમાં વાહન ચાલકો માટે સિવિલ હોસ્પિટલ બ્રિજ ખૂલ્લો મૂકી દેવામાં આવશે.