કુવાડવા રોડ પર હોસ્પિટલ ચોકથી આઈ.પી.મીશન સ્કુલની દિવાલ સુધી બંને બાજુ, જામનગર રોડ પર હોસ્પિટલ ચોકથી રેલવે હોસ્પિટલના ગેઈટ સુધી બંને બાજુ અને જવાહર રોડ પર હોસ્પિટલ ચોકથી જયુબિલી ગાર્ડનના ગેઈટ સુધી બંને બાજુ મિલકતો કપાશે: ૩૦ દિવસ સુધી સેક્રેટરી સમક્ષ વાંધા-સુચનો રજુ કરી શકાશે

સતત ટ્રાફિકથી ધમધમતા એવા હોસ્પિટલ ચોકમાં મહાપાલિકા દ્વારા ફલાય ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજની ડિઝાઈન તાજેતરમાં રાજય સરકાર દ્વારા ફાઈનલ કરાયા બાદ હવે બ્રિજના નિર્માણ માટે મિલકત કપાત માટેનું જાહેરનામું આજરોજ પ્રસિઘ્ધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મિલકત કપાત માટે જે લોકોને વાંધા-સુચનો હશે તેઓ ૩૦ દિવસ સુધી સેક્રેટરી સમક્ષ વાંધા સુચનો રજુ કરી શકશે.

આ અંગે મહાપાલિકાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.૨ તથા ૩માં આવેલા સિવિલ હોસ્પિટલ ચોકમાં જામનગર રોડ, જવાહર રોડ, કસ્તુરબા રોડ, કુવાડવા રોડ અને મોચી બજાર રોડના એપ્રોચ ભેગા થાય છે. આટલું જ નહીં આ ચોકની આસપાસ ઘણી સરકારી કચેરીઓ, શાળા, કોર્ટ તથા હોસ્પિટલ આવેલી હોવાના કારણે અહીં લોકોની અવર-જવર પુષ્કર પ્રમાણમાં રહે છે અને ટ્રાફિકની ડેન સિટીના કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે.

જાહેર જનતા તથા વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુકિત મળે અને ભવિષ્યની ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે સિવિલ હોસ્પિટલ ચોકમાં મહાપાલિકા દ્વારા ફલાય ઓવરબ્રીજ બનાવવાનો નિર્ણય લીધો છે. આ બ્રીજ બનાવવાના કામ માટે લાગુ રસ્તાઓ પહોળા કરવા ખુબ જ જરૂરી છે. જીપીએમસી એકટની કલમ ૨૧૦ હેઠળ કુવાડવા રોડ ઉપર હોસ્પિટલ ચોકથી આઈ.પી.મિશન સ્કુલની દિવાલ સુધી બંને બાજુ, જામનગર રોડ પર હોસ્પિટલ ચોકથી રેલવે હોસ્પિટલના ગેઈટ સુધી બંને બાજુ તથા જવાહર રોડ પર હોસ્પિટલ ચોકથી જયુબેલી ગાર્ડનના ગેઈટ સુધી બંને બાજુ ૨૯ મીટર મુજબની લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ નકકી કરવામાં આવી છે.

ઉકત ત્રણેય રસ્તાઓની પહોળાઈ ૨૯ મીટર કરવા રસ્તા પરની મિલકત જરૂરીયાત મુજબ કપાત લેવામાં આવશે. જેની સામે કોઈને વાંધો લેવાનો હોય અથવા સુચન કરવાના હોય તો આગામી ૩૦ દિવસ સુધી લેખિતમાં પોતાના વાંધા સુચનો રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના સેક્રેટરી, સેક્રેટરી શાખામાં ૫હોંચતા કરવાના રહેશે. લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટનો નકશો ઢેબર રોડ પર આવેલી મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના ત્રીજા માળે ટી.પી.શાખાના રૂમ નં.૮માં કચેરીના સમય દરમિયાન જોઈ શકાશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.