અમદાવાદથી મંજુરી વગર રાજકોટ આવેલો પત્ની અને સસરાનો રિપોર્ટ નેગેટિવ: આરોગ્ય વિભાગ દ્વારા ફાર્મ હાઉસમાં સેનેટાઈઝીંગ કરી મજુર સહિત ૪ને ક્વોરન્ટાઈન કર્યા
હોટસ્પોટ જંગલેશ્ર્વરમાં વધુ એક કોરોના સંક્રમણમાં: કુલ ૬૩ પોઝિટિવ કેસ
રાજયભરમાં કોરોના કોવિડ-૧૯ની મહામારી ચાલી રહી છે ત્યારે એપી સેન્ટર બનેલા અમદાવાદમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો વિસ્ફોટ સર્જાયો છે ત્યારે ગત ૪થી એપ્રિલે રાજકોટનો પરીવાર મંજુરી વગર ખાનગી વાહન મારફતે અત્રે મનહર પ્લોટ શેરી નં.૭માં આવી પહોંચ્યો હતો. લતાવાસીઓના વિરોધનાં કારણે પોઝીટીવ યુવાન સહિતનાં લોકો મહિકા પાસે આવેલા ફાર્મ હાઉસમાં રોકાયા હતા. આરોગ્ય વિભાગને જાણ થતા યુવાન, તેની પત્ની અને સસરાને કોરોન્ટાઈન કરી ગઈકાલે સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા જેમાં યુવાનનો રીપોર્ટ પોઝીટીવ અને પત્ની અને સસરાનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. આ ત્રણેય અમદાવાદથી આવ્યા બાદ ફાર્મ હાઉસે જ રોકાયા હોવાથી આરોગ્ય વિભાગમાં હાશકારો થયો હતો.
રાજકોટમાં ગોંડલનાં એસઆરપી જ વાનનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ બે દિવસ સુધી કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો ન હતો ત્યારે એક માસથી અમદાવાદથી વગર મંજુરીએ આવેલા પરીવારની જાણ આરોગ્ય વિભાગને થતા અધિકારીઓ દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો હતો ત્યારબાદ ત્રણેય લોકોના સેમ્પલ મેળવી લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા જેમાં મનહર પ્લોટ શેરી નં.૭માં રહેતા સ્નેહલ મહેતા નામના ૩૮ વર્ષનાં યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેની પત્ની અને સસરાને રીપોર્ટ નેગેટીવ આવતા તેમને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે રાજકોટમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૬૩ પર પહોંચી છે.
અમદાવાદમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે ત્યારે રાજકોટમાં મનહર પ્લોટ શેરી નં.૭માં જગજીત એપાર્ટમેન્ટમાં રહેતો પરીવાર એકાદ માસ પહેલા અમદાવાદ આંટો મારવા ગયો હતો. ત્યારબાદ લોકડાઉનની જાહેરાત થતા તે અમદાવાદમાં ફસાઈ ગયા હતા. ઘણીવાર મંજુરી લીધા બાદ પણ પરમિશન ન મળતા પરીવાર ખાનગી વાહન મારફતે વગર મંજુરીએ રાજકોટ પોતાના નિવાસ સ્થાને આવી ગયો હતો પરંતુ લતાવાસીઓએ વિરોધ કરતા યુવાન તેની પત્ની અને સસરા ત્રણેય મહિકા પાસે આવેલા ફાર્મ હાઉસ ખાતે રોકાયા હતા. એક માસ બાદ રાજકોટ આરોગ્ય વિભાગને બાતમી મળતા અધિકારીઓએ સ્નેહલ મહેતાનો સંપર્ક કરી સેમ્પલ માટે સમરસ હોસ્ટેલમાં કોરોન્ટાઈન કર્યા હતા. આ સાથે ફાર્મ હાઉસમાં કામ કરતા એક વૃદ્ધા અને મજુરને પણ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા.
સ્નેહલ મહેતા સહિત તેના પત્ની અને સસરાનાં ગઈકાલે જ સેમ્પલ મેળવી માઈક્રો બાયોલોજી લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જેના પરીણામરપે આજરોજ સ્નેહલ મહેતાનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો અને તેના પત્ની અને સસરાને રીપોર્ટ નેગેટીવ આવતા તેમને કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ યુવાન મહિકામાં જે ફાર્મ હાઉસ ખાતે રોકાયો હતો ત્યાં પહોંચી જિલ્લાનાં આરોગ્ય અધિકારી ડો.મિતેશ ભંડેરી અને તેમની ટીમ દ્વારા પુરા ફાર્મ હાઉસને સેનેટાઈઝીંગ કરવામાં આવ્યું હતું.
અમદાવાદથી આવેલા સ્નેહલ મહેતાનો સેમ્પલ રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ મહિકા ખાતે આવેલા તેમના ફાર્મ હાઉસમાં કામગીરી કરતા ત્રણ મજુરોને આરોગ્ય વિભાગની ટીમે કોરોન્ટાઈન કર્યા હતા સાથે વહેલી સવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર હાર્દિક પટેલ, એમપીડબલ્યુ પ્રેમપૂર્ણવેરાગી, પ્રદિપ દાવડા, ભાવેશ દેસાણી અને એફએચડબલ્યુ કાજલબેન અને આશાબેન તથા સુપર વાઈઝર સોલંકીભાઈ સાથે મળી આ તમામ મજુરોને તાત્કાલિક કાર્યવાહી હાથધરી કોરોન્ટાઈન ફેસેલીટીમાં ખસેડવામાં આવ્યા હતા. આ સાથે આજરોજ શહેરનાં હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્ર્વરની અંકુર સોસાયટીમાંથી પણ ૧૯ વર્ષની યુવતીને કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવતા સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે.