ઘરનો આંબો દરેકનું સ્વપ્ન હોય પણ આંબો વાવવો અને કેરી ખાવી અઘરી વાત છે હવે સોરઠમાં ઘરે ઘરે આંબા ઉગે તે દિવસો દૂર નથી
અબતક, દર્શન જોશી, જૂનાગઢ
ફળોની મહારારી કેરી અને તેમા પણ કેસર કેરીની વાત કંઈક અલગ છે. આહારમાં ફળોનું મહત્વ છે. ફળો પોષણ, સ્વાદ અને શોખને ભરપૂર પોસે છે. તેમા પણ કેસર કેરીની વાત તો અલગ જ છે. તે ફળોની મહારાણી ગણાય. અમૃત ફળ કેરી અંગે દરેકના મનમાં ઘરના આંબાની તમન્ના જ હોય છે. પણ આંબો વાવવો ઉછેરવો અને કેરી ખાવી દુલ્મ છે…. પહેલા કહેવત હતી કે આંબો વાવનાર કયારેય કેરી ન ખાઈ શકે વાવે એના દિકરા જ કેરી ખાય પહેલા આંબો વાવેતો 20 વર્ષે કેરી થતી હવે જમાનો બદલાયો છે. કલ્મી આંબામાં 3જા વર્ષે જ કેરી આવે છે.
સારી જાતની કલમો ખુબ મોઘી હોય બજારમાં 500થી 1500ના ભાવે વહેચાતી કલ્મો હવે બધાને ન પરવડે ત્યારે હવે જૂનાગઢ બાગાયત વિભાગ દ્વારા માત્ર 45 રૂપીયામાં કલ્મોનું વિતરણ આગામી દિવસોમાં સોરઠમાં કેસરના બાગના બાગ લહેરાવી દેશે.ગિર પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હવે ફરી આંબાના વિસ્તાર અને વ્યાપ વધવાનો છે. આંબાની કલમની માગણી માટે સૌરાષ્ટ્રભરમાંથી 3600 અરજીઓ બાગાયત વિભાગને મળી હતી, જેને મંજૂરી આપી દેવામાં આવી છે, અને 60 થી 70 હજાર આંબાની કલમનું વિતરણ થવાનું છે. જૂનાગઢના મદદનીશ બાગાયત નિયામક વિશાલ હદવાણીના જણાવ્યા અનુસાર, ગત વર્ષે તાઉતે વાવાઝોડાના કારણે ફળાઉ પાક ખાસ કરીને કેરીના પાકને ખૂબ નુકશાન થયું હતું.
જૂનાગઢ જિલ્લામાં 8650 હેકટરમાં આંબાનું વાવેતર
જૂનાગઢ જિલ્લામાં ફળાઉ વાવેતર અંગે નાયબ બાગાયત નિયામક હેમાંશુ ઉસદડિયા એ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં આબાંનો 8650 હેકટર વાવેતર વિસ્તાર છે, નાળિયેરનો 6300, લીંબુનો 480, બોર 300, કેળા 550, જામફળ 180, દાળમ 110, ખારેક 13, પપૈયા 60, સિતાફળ 600, કેળા પ0, તેમજ અન્ય ફળ 250 હેકટર વિસ્તારમાં વાવેતરનો છે. આમ જૂનાગઢ જિલ્લામાં ફળોમાં સૌથી પ્રથમ કેરી અને પછી નાળિયેરનો પાક મળે છે.નાયબ બાગાયત નિયામક હેમાંશુ ઉસદડિયાના વિશેષમાં જણાવ્યા પ્રમાણે જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં કુલ 4 બાગાયત વિભાગના રોપ ઉછેર કેન્દ્રો આવેલા છે. જેમાંથી જૂનાગઢ જિલ્લામાં માંગરોળમાં નાળિયેરી પાક માટેના રોપાઓ તૈયાર કરવામાં આવે છે. અને ગિર સોમનાથ જિલ્લાના તાલાલા, કોડિનાર અને ઉનાની ત્રણેય નર્સરીઓમાં આંબાની કલમો તૈયાર કરવામાં આવે છે. અને ખેડૂતોને જે કોઇ પણ ફળાઉ પાકના રોપા જોતા હોય તો તેઓએ આઈ-ખેડૂત પોર્ટલ (www.ikhedut. gujarat.gov.in) ઉપર જોઇતા રોપાની સંખ્યા સાથે ઓનલાઇન અરજી કરવાની રહે છે.