ભારતે નિકાસ પર પ્રતિબંધ મુકતા રશિયા-યુક્રેન યુદ્ધનું નાક દબાયું: યુરોપમાં ભાવ 35 હજાર રૂપિયા પ્રતિ ટને પહોંચ્યો
ભારત સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધની અસર હવે વિશ્વ બજારોમાં જોવા મળી રહી છે. સોમવારે યુરોપિયન માર્કેટમાં ઘઉંના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, યુક્રેન દુનિયામાં ઘઉંનો મુખ્ય નિકાસકાર દેશ છે અને હાલ યુક્રેન પર રશિયાના હુમલાના કારણે પહેલાંથી જ ભાવ વધેલા હતા. ત્યારે હવે યુરોપિયન બજાર ખુલતાની સાથે ભાવ ઘઉંના ભાવ વધીને 435 યુરો એટલે કે રુપિયા 35,282.73 પ્રતિ ટન પર પહોંચી ગયો છે.
તમને જણાવી દઈએ કે, જી-7 દેશોએ ભારત સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધની ટીકા કરી છે. સાત ઔદ્યોગિક દેશોના કૃષિ મંત્રીઓએ શનિવારે (14 મે) ભારતના આ નિર્ણયની નિંદા કરી હતી. જર્મનીના કૃષિ પ્રધાન કેમ ઓઝડેમિરે સ્ટુટગાર્ટમાં જણાવ્યું હતું કે, “જો દરેક દેશ નિકાસ પ્રતિબંધો અથવા બજારો બંધ કરવાનું શરૂ કરશે, તો આ સંકટને વધુ વધારશે.” તેમણે કહ્યું, “અમે ભારતને જી-20 દેશોના સભ્ય દેશ તરીકે તેની જવાબદારી સ્વીકારવા માટે આહ્વાન કરીએ છીએ.”
G7 ઔદ્યોગિક રાષ્ટ્રોના પ્રધાનોએ વિશ્વભરના દેશોને ઉત્પાદન બજારો પર વધુ દબાણ આવે તેવા પ્રતિબંધિત પગલાં ન લેવા માટે વિનંતી કરી છે. કૃષિ મંત્રી જૂનમાં જર્મનીમાં યોજાનારી G7 સમિટમાં આ વિષય પર સંબોધિન કરવાનો પ્રસ્તાવ મુકશે. આ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જી-7માં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુએસનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે ભારતે સ્થાનિક સ્તરે વધતા ઘઉંના ભાવને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડિજીએફટી) એ 13 મેના રોજ બહાર પાડવામાં આવેલ એક અધિસૂચનામાં જણાવ્યું હતું કે, “આ નોટિફિકેશનની તારીખે અથવા તે પહેલાં જે સોદાઓ કરવામાં આવ્યા હતા અને એલઓસી જાહેર કરવામાં આવ્યા હોય તેવા માલની નિકાસની પરવાનગી આપવામાં આવશે.”
ડીજીએફટીએ એ પણ સ્પષ્ટ કર્યું કે ઘઉંની નિકાસને ભારત સરકાર દ્વારા અન્ય દેશોને તેમની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા અને તેમની સરકારોની વિનંતીના આધારે આપવામાં આવેલી પરવાનગીના આધારે મંજૂરી આપવામાં આવશે. નોંધપાત્ર રીતે, ભારત વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં બીજા ક્રમે છે.
રશિયા-યુક્રેન વચ્ચે ફેબ્રુઆરીના અંત ભાગમાં યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી કાળા સમુદ્ર વિસ્તારમાંથી ઘઉંના પુરવઠા પર ભારે પ્રતિકૂળ અસર થઈ છે, આ સંજોગોમાં વિશ્વમાં કુલ ઉત્પાદન પૈકી 13.53 ટકા હિસ્સા સાથે બીજા ક્રમના સૌથી મોટા ઘઉં ઉત્પાદક દેશ ભારત પર વૈશ્વિક ખરીદદારોનો આધાર ખૂબ જ વધી ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ વિશ્વને ખાદ્યાનની કારમી અછતનો સામનો કરવો પડે એવી શક્યતા દર્શાવી છે.
ભારતમાં ગત એપ્રિલ મહિનામાં ઘઉંની કિંમતો વર્ષ 2010 બાદ સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા હતા. સતત પાંચ વર્ષ સુધી બમ્પર ઉત્પાદન બાદ હીટવેવ તથા વરસાદની અભાવને લીધે ઉત્પાદન પર પણ અસર થઈ છે.
સતત વધી રહેલી કિંમતો વચ્ચે ઘઉંના વેપારીઓ દ્વારા મોટે પાયે સંગ્રહખોરી કરવામાં આવી એ પણ એક મોટું અસર કરતું પરિબળ છે. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ એ અગાઉ ભારત ઘઉંની વૈશ્વિક નિકસમાં માત્ર 1% હિસ્સેદારી ધરાવતું હતું.
ભારતના અનેક વિસ્તારો, ખાસ કરીને ઘઉં ઉત્પાદક વિસ્તારોમાં માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં છેલ્લાં 100 વર્ષમાં સૌથી વધારે ગરમી નોંધાઈ છે. એને લીધે ઉત્પાદનમાં 6 ટકા જેટલું નુકસાન થયું છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ તથા ઉત્તરપ્રદેશમાં તેની સૌથી વધારે માઠી અસર જોવા મળી છે.
ગત 4 મેના રોજ સરકારે દેશમાં ઘઉંના ઉત્પાદનનો અંદાજ ઘટાડી 105 મિલિયન ટન કર્યો હતો, જે અગાઉ નિર્ધારિત કરેલા 111.32 મિલિયન ટનના અંદાજ કરતાં 5.7% ઓછો હતો.
ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ છે. નાણાકીય વર્ષ 2021-22માં કુલ 70 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી.જ્યારે ગત એપ્રિલ મહિનાની વાત કરવામાં આવે તો ભારતે વિક્રમજનક 14 લાખ ટન નિકાસ કરી છે.
ઘઉંના નિકાસ પર પ્રતિબંધની અસર શું ?
ઘરઆંગણાનાં બજારોમાં સતત વધતી માગ અને ઊંચી કિંમતો વચ્ચે છેલ્લાં કેટલાંક સપ્તાહમાં ઘઉંના લોટની કિંમતમાં અસાધારણ વધારો થયો છે. એપ્રિલ મહિનામાં ઘઉંના લોટની કિલોદીઠ રૂપિયા 32.38 કિંમત હતી, જે જાન્યુઆરી,2010 બાદ સૌથી વધારે ભાવ હતો.સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતાં સ્થાનિક કિંમતમાં ઘટાડો થશે અને સરકાર દ્વારા નિર્ધારિત લઘુતમ ટેકાના ભાવ નજીક કિંમતને લાવી શકાશે. ભારતમાં બ્રેક, બિસ્કિટ સહિત અનેક ખાદ્યાન્નમાં વધી રહેલી કિંમતોને અંકુશમાં લઈ શકાશે અને આ રીતે ખાદ્ય ફુગાવાને ઘટાડી પ્રજાને રાહત આપી શકાશે.
બંદરો પર આશરે 1.8 મિલિયન ટન ઘઉંનો જથ્થો ફસાયો !!
ઘઉંની નિકાસ પર શરતોને અધીન રોક લગાવી દેવામાં આવી છે. બજારમાં ઘઉંની કિંમતમાં ઝીંકાયેલ ભાવ વધારાને પગલે અને માર્ચ મહિનાની મધ્યમાં વાતાવરણમાં એકાએક ગરમી વધી જતાં ઘઉંમાં સ્ટાર્ચ અને પ્રોટીન વિકસવાની પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. જેને પગલે એકરદીઠ ઘઉંની ઉપજમાં ઘટાડાની ભીતિ સર્જાઇ રહી છે. આ પ્રશ્નોને લઈને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેવામાં સરકારનાં આ એક નિર્ણયને પગલે કંડલામાં એકસામટા 5000 ટ્રકના થપ્પા લાગી ગયા છે. એક અહેવાલ અનુસાર દેશભરના બંદરો પર અંદાજે 1.8 મિલિયન ટન ઘઉંનો જથ્થો ફસાયો છે જેનું હવે શું થશે તે અંગે નિકાસકારોમાં પણ મુંજવણ ઉભી થઇ છે.