બનાસકાંઠાના કલેકટર ના હસ્તે ધ્વજારોહણ:૨૦ લાખથી વધુ ભાવિકોએ માણ્યો ભાદરવી મેળો
અંબાજીમાં માં અંબાના સાનિધ્યમાં ભવ્ય મેળો ભરાયો છે. જેનો ૧૬ લાખથી વધુ ભકતોએ લ્હાવો લઈ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. ભાદરવી પુનમના આ મહામેળામાં રાજયના ખૂણે ખૂણેથી ભાવિક ભકતો ઉમટી પડયા છે. માં અંબાના દર્શનાર્થે ભકિત અને શ્રધ્ધાનું ઘોડાપુર ઉમટયું છે.
મેળાનો આજે અંતિમ દિવસ છે. ભાવિકોમાંથી બોલ માડી અંબે, જય જય અંબેનો નાદ ગુંજી રહ્યો છે. અંબાના ધામમાં વિવિધ સંઘો ધજા ચડાવવા ઉમટયા છે. આજે બનાસકાંઠાના કલેકટર ધજા ચડાવશે. તેમજ રાજયનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ પરિવાર સાથે માં અંબાને શિશ ઝુકાવ્યું હતુ. અંબાજીના ભાદરવી પુનમના મેળામાં લાખો લોકો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
મહામેળા પ્રસંગે ૧૧૫ ગ્રામ સોનું ભક્તો દ્વારા માતાજીને ધરાવાયું
અંબાજી ભાદરવી મહામેળા પ્રસંગે માઇભક્તો દ્વારા ૧૧૫.૧૫ ગ્રામ સોનું દાગીના અને વિવિધ સ્વરૂપે માતાજીને ધરાવાયું છે. મુંબઇના મધુકુમાર ભરતકુમારે ૬૦ ગ્રામ શુધ્ધ સોનાનો હાર તથા બાજુબંધ માતાજીને ધરાવ્યા છે. જેની કિંમત રૂપિયા બે લાખ થાય છે. ચોકારી તા.પાદરા જિ.વડોદરાના અર્જુનસિંહ ગણપતસિંહ પઢીયારે માતાજીને ૩૦.૩૦ ગ્રામ શુધ્ધ સોનાની ચરણ પાદુકા ધરાવી છે. જેની કિંમત રૂ.૧,૦૪,૫૦૧.૦૦ થાય છે.
પટેલ શૈલેષકુમાર મહેન્દ્રભાઇ સણાદરા તા. ગલતેશ્વર જિ.ખેડા તરફથી ૧.૨૫ ગ્રામ સોનાની નથ માતાજીને ધરાવી છે. જેની કિંમત રૂ.૩,૮૫૦ છે. ઉપરાંત અન્ય માઇભક્તો દ્વારા ૨૩ ગ્રામ શુધ્ધ સોનાની લગડીઓ ધરાવવામાં આવી છે.