સારંગખેડા ખાતે ચેતક ફેસ્ટિવલમાં રાજકોટ રાજવી પરિવારના રામરાજા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં
એક માસ સુધી ચાલનાર અશ્વ શોમાં ૨ હજારથી વધુ અને અનેક ઓલાદોના ઘોડાઓએ જમાવ્યું આકર્ષણ
ગુજરાત રાજયના સરહદે આવેલા નંદુરબાર જિલ્લાના સારંગખેડા ખાતે ૩૫૦ વર્ષથી ચેતક ફેસ્ટિવલ ઉજવાય છે. મહારાષ્ટ્ર રાજય પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ૧૨-ડિસેમ્બરથી એક માસ સુધી ચાલનાર ફેસ્ટિવલમાં રાજકોટના રાજવી પરિવારના યુવરાજ જયદીપસિંહ જાડેજા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.
વધુમાં નંદુરબાર જિલ્લાના અને તાપી નદીના કિનારે વસેલું સારંગખેડા ઘોડા બજારનું ભારત દેશમાં બીજા ક્રમે ગણના થાય છે. મહારાષ્ટ્ર સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વર્ષોની પરંપરાને જાળવી રાખવા ચેતક ફેસ્ટિવલ દર વર્ષે યોજાય છે.ચેતક ફેસ્ટિવલમાં ભારતભરમાંથી અશ્વોના શોખીન અને નિષ્ણાંતો ભાગ લે છે. આ ફેસ્ટિવલમાં ૨૦૦થી વધુ અશ્વો સામેલ હતા તેમજ કાઠીયાવાડી અને મારવાડી સહિત અલગ અલગ પ્રકારની ઓલાદોએ આકર્ષણ જમાવ્યું છે.
મહારાષ્ટ્ર સરકારના પ્રવાસન મંત્રી અને ડોંડાઈયા રાજ પરિવારના જયકુમાર રાવલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા ફેસ્ટિવલમાં રાજકોટ રાજ પરિવારના યુવરાજ જયદીપસિંહજી જાડેજા અને યુવરાણી શિવાત્માદેવી મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે યુવરાજ જયદીપસિંહજી જાડેજાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું. હિન્દુસ્તાનના ઈતિહાસ સાથે અશ્વોનો ઈતિહાસ સમાયેલો છે. અશ્વો એ પ્રાણી નહીં એ પ્રતિક છે. રાજા અને મહારાજ દશેરાએ શસ્ત્રની સાથે અશ્વોની પૂજા કરે છે.વધુમાં જણાવ્યું કે, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ સહિત અનેક યૌદ્ધાઓ સારંગખેડાના અશ્વ શોમાં ઘોડાઓ લઈને આવતા હોવાનો ઈતિહાસ છે. લુપ્ત થતા અશ્વોની પ્રજાતિને જીવંત રાખવા સારંગખેડાના ચેતક ફેસ્ટિવલ મારફતે ભારતીય અશ્વોની વૈશ્વીક ઓળખ આપી છે તેમ અંતમાં જણાવ્યું હતું