યે આગ કબ બુઝેગી ??: ‘
શિક્ષીત બેકારી; ભાવનગર મહાપાલિકામાં પશુ ડોકટર ચીફ ફાયર ઓફીસરની ભૂમિકા નિભાવી રહ્યા છે
ફાયર ઓફીસરની જગ્યા ભરવા ૨૦૧૯થી ઈન્ચાર્જ સીએફઓ પશુ તબીબ એમ.એમ.હીરપરાને બનાવી દેવાયા
આજના કોરોના મહામારીના સમયમાં બેરોજગારીનો પ્રશ્ર્ન ખૂબ જટીલ બન્યો છે. ગરીબી, બેકારી, ભૂખમરો જેવા પાયાના પ્રશ્ર્નો વૈશ્ર્વીક મહામારીથી વધુ ગંભીર બન્યા છે. તેમાં પણ ખાસ શિક્ષીત બેરોજગારીનો મુદો વધુ વ્યાપક બની જઈ રહ્યો છે. રોજગારી ઈચ્છુક યુવાનોને પોતાની લાયકાત મુજબ કામ નથી મળી રહ્યા પોતાના ભણતરની તદન વિરૂધ્ધ જ ક્ષેત્રમાં ઉમેદવારો કામ કરતા હોય તેવા કેસ વધ્યા છે. ધો.૧૦,૧૨ પાસ કરી જે ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો હોય તેમાં માસ્ટર કરી પણ યુવાનો અલગ જ સેકટરમાં કામ કરી રોજગારી મેળવતા હોય તેવું હાલના સમયમાં સામાન્ય બની ગયું છે. આવો જ એક આશ્ર્ચર્યજનક કરી મૂકે તેવો કેસ ભાવનગરમાં સામે આવ્યો છે. ‘ઘોડા ડોકટર’ ફાયર ઓફીસર બની ગયા છે. ભણી, ગણી, તનતોડ મહેનત કરી પશુઓનાં ડોકટરની ડીગ્રી મેળવી અને અંતે ભાવનગર મહાપકાલીકાનાં ચીફ ફાયર ઓફીસર બન્યા આ કેસ પરથી આ પ્રકારે બેકારી રૂપેની આ આગ કયારે બુઝાશે તેવા પણ પ્રશ્ર્નો ઉઠે છે.
તાજેતરમાં ફાયર સેફટીને લઈ ગુજરાત હાઈકોર્ટ તમામ મહાનગરપાલીકાઓને ચીફ ફાયર ઓફીસર-સીએફઓની ફરજીયાત નિમણુંક કરી તમામ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા આદેશ કર્યા હતા. જે અનુસંધાને ભાવનગર મહાપાલિકાનાએ ગત અઠવાડીયે શહેરી વિકાસ વિભાગની બેઠક બોલાવી હતી જેમાં ઘટસ્ફોટ થયો હતો કે, ભાવનગર મહાપાલીકામાં ઓકટોબર, ૨૦૧૯થી કોઈ સીએફઓ છે જ નહિ આથી કામ ચલાઉ ધોરણે આ જગ્યા પર પશુ વિભાગના ડોકટર એમ.એમ. હીરપરાની નિમણુંક કરવામાં આવી હતી. જે હાલ સુધી આ ચાર્જ સંભાળી રહ્યા છે. વાત કરીએ, સીએફઓની લાયકાતની તો આ જગ્યા માટે ડીપ્લોમાં અથવા ફાયર એન્જીનીયરીંગની ડીગ્રી જરૂરી છે. તેમજ ડેપ્યુટી સીએફઓ તરીકે ૧૫ વર્ષનું અનુભવ પણ આવશ્યક છે.
સીએફઓની આ લાયકાતની તદન વિરૂધ્ધ એમ.એમ. હીરપરા ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યા છે જોકે, આ પ્રશ્ર્ન માત્ર લાયકાત નહી પણ શિક્ષીત બેકારીનો પણ છે.