અબતક, ચેતન વ્યાસ,રાજુલા
રાજુલા અને જાફરાબાદ પંથકમાં વાવાઝોડાથી મોટુ નુકશાન થયું છે. લોકો પણ હજુસુધી પ્રાથમિક સુવિધાઓ ન મળતા ખુબ હેરાન-પરેશાન થઈ રહ્યા છે. તઉતે વાવાઝોડાનાં 24 કલાક બાદ પણ જિલ્લાનાં લગભગ ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો છે. બે દિવસથી પાણી પણ મળ્યુંન થી. અનેક વૃક્ષો ધરાશાયી થતા ગ્રામ્ય રસ્તાઓ સંપૂર્ણ બ્લોક થયા છે.તેજ ગતિથી ફૂંકાયેલા પવનને કારણે ખેતરોમાં ઉભા પાકોનો સોથ વળી ગયો છે.
તાઉતે વાવાઝોડાની સૌથી વધુ અસર અમરેલી જિલ્લામાં વર્તાઈ છે. છેલ્લા 48 કલાકથી રાજુલા જાફરાબાદના શહેર-ગ્રામ્ય વિસ્તારમાં લાઈટ ગુલ થતા અંધારપટ છવાયો છે. તેમજ બે દિવસથી પાણી પણ મળ્યું નથી. વીજળી-પાણી જેવી પ્રાથમિક જરૂરીયાતો પુરી ન થતા લોકોને ખુબ મુશ્કેલી પડી રહી છે. આ પંથકના તમામ થાંભલા, વીજપોલ તુટી ગયા છે. ઈલેવન કેવીનાં મોટા થાંભલા પણ જમીનદોસ્ત થયા છે. શહેર-ગ્રામ્ય વિસ્તારના અંદાજે 20000 જેટલા વૃક્ષો ધરાશાયી થતા શહેર-ગ્રામ્ય વિસ્તારનાં અનેક રસ્તાઓ બ્લોક થયા છે.જેથી મોટાભાગના ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
જે ગામોમાં કાચા મકાનો, પતરા કે નળિયાવાળા હતા તે તમામ નળિયા પતરા ફંગોળાઈ ગયા છે. જેથી ગ્રામ્ય વિસ્તારના અનેક પરિવારો ઘર વિહોણા પણ થયા છે. ત્યારે હાલ તો સ્થાનિક ગ્રામજનો પ્રાથમિક વીજળી અને પાણીની માંગ કરી રહ્યા છે. આ અંગે તંત્ર દ્વારા 24 કલાકમાં વીજ પૂરવઠો ચાલુ થવાનું જણાવાય રહ્યું છે. શહેરી વિસ્તારમાં આવેલી અનેક હોટેલોમાં પણ નાનુ મોટુ નુકશાન થયું છે. બારી-બારણાના કાચ તૂટી ગયા ઉપરાંત છાપરા-પતરા પણઉડીને ફગોળાઈ ગયા હતા. એક એક હોટેલના માલિકને બબ્બે લાખ જેવું નુકશાન થયું છે. પેટ્રોલ પંપના છાપરા ઉડતા અને મોટી નુકશાની થતા હજુ સુધી પેટ્રોલ પંપ બંધ જોવા મળી રહ્યા છે.
રાજુલાનો હાઈવે તેમજ ગ્રામ્ય રસ્તાઓ પર વૃક્ષો પડી જતા માર્ગો બ્લોક થયા છે. જે હજુ સુધીપણ બ્લોક છે. જોકે હાઈવે પરથી વૃક્ષો હટાવી લઈ ચાલુ કરાયો છે.સૌથી મોટુ નુકશાન ખેડુતોને થયું છે. અતિ તેજ વાવાઝોડાથી ઉનાળુ પાક ફેલ ગયો છે. ધાન્યપાકો ઉપરાંત કેરીના પાકને ખૂબ મોટુ નુકશાન થયું છે. ખેતરો પણ થોડા થોડા પાણીથી ભરાયેલા છે.ગ્રામજનો સૌ પ્રથમ વીજપૂરવઠો શરૂ થાય તેવું ઈચ્છી રહ્યા છે. ભયાનક તબાહી મચી જતા હજુ કયારે ઘરોમાં પ્રકાશ ફેલાય તે કહી શકાય તેમ નથી.
પવનની ગતિ એટલી તેજ હતી કે વીજ ટાવર ભાંગી નાખ્યો
રાજુલા-જાફરાબાદ પંથકમાં તાઉતે વાવાઝોડાનો પવન એટલી તેજ ગતિથી ફૂંકાયો હતો કે ગગનચુંબી વીજટાવર તૂટી ગયો. આ ટાવર ઉપરથી જ અડધો બટકી ગયો હોય અર્ધો ડાવર હવામાં લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. જોકે સદનસીબે જાનહાની ટળી હતી. આ ઉપરાંત ઈલેવન કેવીના પણ મસમોટા થાંભલા ભાંગી ગયા છે.