રાજધાની એથેન્સ અને થેસાલોનિકી વચ્ચે પેસેન્જર ટ્રેન અને માલગાડી સામ-સામે અથડાઈ, અકસ્માત બાદ ત્રણ કોચમાં લાગી આગ, 85થી વધુ લોકો ઘાયલ
ગ્રીસમાં બે ટ્રેનો વચ્ચે ભયાનક અકસ્માત થયાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 32 લોકોના મોત થયા છે અને 85 લોકો ઘાયલ થયા છે.અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માત બાદ 3 બોગીમાં આગ લાગી હતી.
મળતી માહિતી અનુસાર રાજધાની એથેન્સ અને થેસાલોનિકી વચ્ચે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એથેન્સથી લગભગ 235 માઈલ ઉત્તરમાં ટેમ્પી પાસે એક પેસેન્જર ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતને કારણે ઘણી બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી જેમાંથી 3 બોગીઓમાં આગ લાગી હતી.
આ અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના અધિકારીઓનું કહેવું છે કે ઘાયલોમાં 25ની હાલત ખુબ જ ગંભીર છે. ઘાયલ મુસાફરોને હોસ્પિટલ લઈ જવા માટે નજીકના શહેરોમાંથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જ્યારે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. દુર્ઘટના બાદ બચાવકાર્યમાં મદદ માટે સેનાને બોલાવવામાં આવી છે અને હોસ્પિટલોમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેનમાં 350થી વધુ લોકો સવાર હતા. જેમાંથી 250થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. અકસ્માત બાદ આજુબાજુના વિસ્તારમાં અફરા તફરી મચી ગઇ હતી.