- શરીરની દરેક ક્રિયાઓ-પ્રક્રિયાઓની દોરવણી સાથે શરીરના અનેક અવયવોના કાર્ય તથા વિકાસમાં અતિ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે: જીવનથી મૃત્યું સુધી જીવંત પ્રાણીના દરેક તબક્કામાં હોર્મોન્સ આવશ્યક છે
- હોર્મોન્સ વગર જીવ ઉત્પતિ શક્ય નથી: તેની અછત અને અતિરેક વિવિધ સમસ્યાઓ સર્જી શકે: શરીરના વિવિધ ભાગોમાં હોર્મોન્સ ઉત્પન કરતી ગ્રંથીઓ આવેલી છે: તેને પેટટાઇડ અને સ્ટીરોઇડ એમ બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય.
હોર્મોન્સ વગર જીવ ઉત્પતિ શક્ય જ નથી, જીવનો વિકાસ શક્ય નથી અને જીવન શક્ય નથી. તે આપણાં શરીરમાં ઓછું કે વધારે હોય તો પણ મુશ્કેલી સર્જી શકે છે. યોગ્ય માત્રામાં આપણાં શરીરમાં તેનું બેલેન્સ નોર્મલ જીવન જીવવા માટે અનિવાર્ય છે. હોર્મોન્સ એટલે શરીરની અંત:સ્ત્રાવ ગ્રંથીઓ દ્વારા ઉત્પન થતાં અતી સુક્ષ્મ તત્વો છે. શરીરની દરેક ક્રિયાઓ-પ્રક્રિયાઓની દોરવણી સાથે શરીરના અનેક અવયવોના કાર્યો તથા તેના વિકાસમાં અતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણા જીવનથી મૃત્યુ સુધીની સફરમાં દરેક તબક્કામાં હોર્મોન્સ આવશ્યક છે. શરીરના વિવિધ ભાગોમાં તેને ઉત્પન કરતી ગ્રંથીઓ આવેલી છે. હોર્મોન્સને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય જેમાં પેટટાઇડ હોર્મોન અને સ્ટીરોઇડ હોર્મોન્સ છે.
શરીરના વિવિધ ભાગોમાં હોર્મોન્સ ઉત્પન કરતી ગ્રંથીઓને અંત:સ્ત્રાવી અથવા એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ કહેવાય છે. આ ગ્રંથીઓ ખૂબ જ નાની હોય છે અને અતી સુક્ષ્મ પ્રમાણમાં અમુક તત્વો બનાવે છે. આ તત્વો લોહીમાં ભળીને શરીરના વિવિધ અવયવો સુધી પહોંચે છે અને તે અવયવોના વિકાસ અને કાર્યમાં મદદરૂપ થાય છે. આ તત્વો કે રસાયણોને ‘હોર્મોન્સ’ કહેવાય છે.
આપણાં શરીરમાં અગત્યની સાત અંત:સ્ત્રાવી ગ્રંથીઓ આવેલી છે જે વિવિધ પ્રકારના હોર્મોન્સ બનાવે છે અને આ દરેક હોર્મોન વિશિષ્ટ પ્રકારની અસર અને ઉપયોગીતા ધરાવે છે. શરીરનાં વિવિધ અવયવો ઉપર ‘રિસેટર’ આવેલા હોય છે. હોર્મોન્સ રીસેટર સાથે જોડાઇને તેને ઉત્તેજીત કરે છે અને તે અવયવોને કાર્યન્વિત કરે છે. પિચ્યુટરી ગ્રંથી, થાઇરોઇડ ગ્રંથી, પેરાથાયરોઇડ ગ્રંથી, એડ્રિનલ ગ્રંથી, શુક્રપિંડ, અંડપિંડ, પેન્ક્રિઆસ જેવી વિવિધ સાત ગ્રંથીઓ મહત્વની છે. આપણા શરીરમાં સ્થિત અંત:સ્ત્રાવી ગ્રંથીઓનું વજન 100 ગ્રામ જેટલું હોય છે અને તેઓ જે હોર્મોન્સ બનાવે તે મિલિ. અથવા નેનો ગ્રામમાં હોય છે. હોર્મોન્સનો દુર ઉપયોગ શરીરને નુકશાન પહોંચાડી શકે છે. તેનો યોગ્ય ઉપયોગ અનેક બિમારીઓને મટાડવામાં અને અમુકવાર નવજીવન આપવામાં મદદ કરે છે.
હોર્મોન્સ અંગે ઘણી પાયા વગરની ગેર માન્યતાઓ પણ પ્રવર્તે છે. ‘હોર્મોન્સ’નું નામ સાંભળતા ઘણા ડરી જતાં હોય છે. શરીરમાં કંઇ ખરાબ કે અણગમતું થાય તો તે હોર્મોન્સને લીધે થાય છે એવું સૌ માને છે. અમુક ગેરમાન્યતાઓ સાંભળીને હસવું આવે કે તેને કારણે શરીર ફૂલી જાય, લાંબા-ટૂંકા થઇ જવાય, પુરૂષ-સ્ત્રી બની જાય કે સ્ત્રી-પુરૂષ બની જાય જેવી અનેક સાચી-ખોટી માન્યતાઓ દિમાગમાં છવાઇ ગઇ છે. આ બધી માન્યતા પાછળ અધકચરૂ જ્ઞાન જવાબદાર છે. શરીરની દરેક અંત:સ્ત્રાવી ગ્રંથીઓનું ચોક્કસ કામ હોય છે, જગ્યા હોય છે.
પિચ્યુટરી ગ્રંથીમાંથી ઉત્પન થતો હોર્મોન્સ સૌથી અગત્યનો છે. જેનું નામ છે. ‘ગ્રોથ હોર્મોન્સ’. આ હોર્મોન્સ શરીરનાં હાડકામાં આવેલી ગ્રોથ પ્લેટ કે જ્યાંથી વ્યક્તિ ઉંચાઇ વધે છે ત્યાં અસર કરતો હોય છે. જો વ્યક્તિમાં આ હોર્મોન્સની ઉણપ હોય તો તેની હાઇટ વધતી નથી. આ ગ્રંથી બીજા અનેક હોર્મોન્સ જેમ કે TSH, LH, FSH, ACTH અને પ્રોસેકિટન બનાવે છે. આ હોર્મોન્સનું કામ થાયરોઇડ, અંડપિંડ, શુક્રપિંડ, એડ્રિનલ ગ્રંથી વિગેરેને કાર્યાન્વિત કરે છે.
કિડની ઉપર આવેલી ત્રિકોણ આકારમાં આવેલી એડ્રિનલ ગ્રંથી અનેક જાતના હોર્મોન્સ બનાવે છે. આ તમામ હોર્મોન્સ વ્યક્તિનું બ્લડપ્રેશર નોર્મલ રાખવા લોહીમાં સોડિયમ, પોટેશિયમનું પ્રમાણ જાળવી રાખવા અને ઇમર્જન્સી વખતે શરીરને જરૂરી ઉર્જા શક્તિ ઉત્પન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. શુક્રપિંડ પુરૂષના પ્રજનન તંત્રનું મહત્વનું અંગ છે. તે શુક્રાણું સિવાય ટેસ્ટોસ્ટેરોના નામના હોર્મોન્સ બનાવે છે, આ સ્નાયુઓનો વિકાસ, ઊંચાઇ વધવી, દાઢી-મૂંછ આવવી જેવી પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. પ્રજનન કાર્યમાં ટેસ્ટોસ્ટેરોન અતિ આવશ્યક હોર્મોન છે.
અંડપિંડ સ્ત્રીઓના પ્રજનન તંત્રનું મહત્વનું અંગ છે. અંડપિંડ, અંડકોષ સિવાય ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન બનાવે છે. જે સ્ત્રીઓના અંગોના વિકાસમાં અને પ્રજનન કાર્યમાં મહત્વનો ભાગ ભજવે છે. પેન્ક્રિઆસમાં આવેલી અંત:સ્ત્રાવી ગ્રંથી ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નામના હોર્મોન્સ બનાવે છે, જે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન તથા ચરબીના મેટાબોલિઝમમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઇન્સ્યુલિનની અછતને કારણે ડાયાબિટીસ જેવી બિમારીઓ થાય છે. સ્પોર્ટ્સમાં ઘણા રમતવીરો જીતવા માટે હોર્મોન્સનો દુર ઉપયોગ કરતાં હોય છે. 1988માં સિઓલ ઓલમ્પિકમાં દોડવીર બેનજોન્સને વર્લ્ડ રેકોર્ડ જીત્યો હતો બાદમાં ટેસ્ટમાં પોજીટીવ આવતા સુવર્ણચંદ્રક પાછો લઇ લીધો હતો. હોર્મોન્સના સંતુલનમાં થોડીક ખલેલ પહોંચે કે તેની અસર તુરંત આપણાં ભૂખ, ઊંઘ અને સ્ટ્રેસ લેવલ પર થવા લાગે છે. આ અસંતુલનનો અર્થ હોર્મોન્સ શરીરમાં વધારે છે અથવા ઓછા છે.
આપણાં શરીરમાં એક સ્ટ્રેસ હોર્મોન હોય
કાર્ટિસોલ નામથી ઓળખાતા આપણા શરીરમાં એક સ્ટ્રેસ હોર્મોન હોય છે, જે આપણાં શરીરને સંકટની પરિસ્થિતિમાંથી બચવાના સંકેત મગજ સુધી પહોંચાડે છે. આજ હોર્મોનને કારણે હાર્ટબીટ, બ્લડપ્રેશર અને બ્લડ શુગરનું પ્રમાણ વધે છે. એક સંશોધનમાં વૈજ્ઞાનિકોએ મોબાઇલ ફોનના ઉપયોગના કારણે કાર્ટિસોલના વધેલા સ્તર પર ચિંતા વ્યક્ત કરી હતી. આને કારણે મગજના પ્રિફેન્ટલ કોર્ટેક્સ પ્રભાવિત થતા અને અસર સ્વરૂપે વ્યક્તિની નિર્ણય લેવાની અને લોજીકલ ક્ષમતાને અસર થાય છે. આપણા માનવ શરીરમાં 230 હોર્મોન્સ હોય છે, જે પૈકી કેટલાક તો બીજા હોર્મોન્સની રચના અને સ્ત્રાવને પણ નિયંત્રિત કરે છે. તેનામાં વધતી ઊંમર, તાણ, સેવન, વધારે વજનને કારણે હોર્મોનના લેવલમાં ખલેલ પડે છે.