ઓગષ્ટના પ્રારંભે ધો.6થી 8ના વર્ગો અને 15 ઓગષ્ટ બાદ ધો.1 થી 5ની સ્કૂલો શરૂ થાય તેવી પૂરી શકયતા: રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યા સ્પષ્ટ સંકેતો: છાત્રોની હાજરી ફરજિયાત નહીં,ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે

સમગ્ર ગુજરાતમાં ગઈકાલથી ધો.9 થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ઓછુ થયું છે જેથી તમામ અન્ય વર્ગો પણ શરૂ થાય તેવી વાલી-વિદ્યાર્થીની માંગ છે. ત્યારે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો શરૂ કરવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. અમદાવાદ એનસીસી હેડ કવાર્ટર ખાતે કારગીલ વિજય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ હળવું થતાં ધો.9 થી 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે હવે આગામી દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ થશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બીજા વર્ગો શરૂ કરવા મુદ્દે આવતા દિવસોમાં કોર કમીટીની બેઠક મળવાની છે. ત્યારબાદ વધુ વર્ગો ક્યારે શરૂ કરવા તેનો નિર્ણય લેવામાં આવશે. જો કે બાળકોએ શાળાએ આવવું ફરજિયાત નથી. બીજી તરફ શાળાઓએ ફરજિયાતપણે ઓનલાઈન કલાસ ચાલુ રાખવા પડશે તેમ શિક્ષણ મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું.

ધો.6 થી 8ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. પૂર્ણ વર્ગોની સાફ સફાઈ માટે પણ સુચના આપી દેવામાં આવી છે. ઓગષ્ટના માસની શરૂઆતથી ધો.6 થી 8ના વર્ગો શરૂ કરવાની સરકારની વિચારણા છે. 15 ઓગષ્ટ બાદ ધો.1 થી 5 શરૂ કરવા બાબત પણ સરકાર વિચારણા કરશે. 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરવાની સરકારની તૈયારી છે. જો કે તમને જણાવી દઈએ કે સ્કૂલોમાં વિદ્યાર્થીની હાજરી મરજિયાત જ  રહેશે અને ઓનલાઈન શિક્ષણ કાર્યો પણ શરૂ રાખવામાં આવશે. સ્કૂલો મોકલવા માટે વાલીઓની સંમતિ જરૂરી રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજ્યભરમાં ધો.9 થી 11ની સ્કૂલો શરૂ કરવામાં આવી છે ત્યારે વરસાદના કારણે અને કોરોનાની બીકના કારણે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી પરંતુ આવનાર દિવસોમાં ધીમે ધીમે વિદ્યાર્થીઓની સંખ્યા વધે તેવી શાળા સંચાલકોને આશા છે અને હવે ધો.6 થી 8ના વર્ગો ઓગષ્ટના પ્રારંભે તેમજ ધો.1 થી 5ના વર્ગો 15 ઓગષ્ટ બાદ શરૂ થાય તેવા ઉજળા સંકેતો શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી દીધા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.