હોટ પોસ્ટ વિસ્તારમાં અવિરત બે મહિના સેવા આપવા બદલ રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા કરાયું અભિવાદન
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જેમણે પાયાની સુદ્રઢ સેવા બજાવી છે તેવા કોરોના વોરિયરોનું પ્રાદેશિક માહિતી કચેરી ખાતે માહિતી પરિવારે અદકેરૂં સન્માન કર્યું હતું. આ પ્રસંગે આ આરોગ્ય કર્મીઓએ તેમના અનુભવો અને આ કઠિન પરિસ્થિતીમાં બજાવેલી ફરજોના પ્રતિભાવો શેર કર્યા હતા.
રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ફરજ પુરી કરીને પોતાના મુળ કાર્યક્ષેત્ર તરફ જઈ રહેલા ૧૪ મલ્ટી પર્પસ હેલ્થ વર્કર્સ ભાઈઓ સર્વેશ્રી જાવેદભાઈ પઠાણ, અલ્પેશભાઈ ગાબુ, સોહિલ ભટ્ટી, રસિક બગડા, મહમદ જુનેદ શેખ, તુષાર રૈયાણી, સચીન મકવાણા, સૂર્યકાંત પરમાર, મહમદ રિયાઝ બુખારી, વિજય શેખરવા, રાહિલ ભટ્ટી, રાકેશ ડાભી, ઘર્મેશ બાવળીયા, સંદિપ મકવાણાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
” ઈમારતની સુંદરતા તેના મજબુત પાયા પર નિર્ભર હોય છે. જો પાયા મજબુત નહીં હોય તો ઈમારતનું અસ્તિત્વ થોડા સમય પુરતું જ સિમિત રહેશે. તેમ આપ ૧૪ મલ્ટી પર્પસ હેલ્થ વર્કસ આરોગ્ય વિભાગની કામગીરીના પાયા સમા છો. તમારી ઉમદા કામગીરીને કારણે જ કોરોના પોઝીટીવ લોકો આપણી સમક્ષ આવ્યા છે અને તેમને સમયસર સારવાર આપીને કોરોના મુક્ત કરાયા અને તેના સંક્રમણને મર્યાદિત રાખી શકાયા છે તેનો શ્રેય આપ સૌને જાય છે.
સન્માન પ્રસંગે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક નિરાલા જોશી, સહાયક માહિતી નિયામક સોનલબેન જોશીપુરા અને જગદીશ સત્યદેવએ મલ્ટી પર્પસ હેલ્થ વર્કર્સનું તેમના બેઠક સ્થળ પર જઈને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. તેમજ માહિતી કચેરી તરફથી દરેક હેલ્થ વર્કર્સને માહિતી ખાતા દ્વારા પ્રકાશિત પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.