મારું સન્માન નહિ પરંતુ આખી પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું સન્માન છે : આચાર્ય લોકેશજી
શાંતિ સાદ્ભાવના યાત્રા પર નીકળેલા આચાર્ય લોકેશજી અમેરિકાથી કેનેડા પહોચતા સ્ટેટ એસેમ્બલીમાં આવવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવાયું. તેમજ કેનેડાના ગ્રેટર બ્રિટીશ કોલંબિયા સ્ટેટ એસેમ્બલીના સ્પીકર રાજ ચૌહાણ દ્વારા જૈન આચાર્ય લોકેશજીને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરવામાં આવ્યા.
અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશજીને વિશ્વમાં શાંતિ, અહિંસા અને સદભાવનાને સમગ્ર વિશ્વમાં ફેલાવા બદલ સન્માનિત કર્યા. વિશ્વમાં માનવતા, ભાઈચારો જળવાઈ રહે તેવો શુભસંદેશ પ્રસરાવી વિશ્વમાં આતંકવાદ, હિંસા અને મનભેદને વધતો અટકાવવાના પ્રયાસો કરવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું છે.
માનનીય સ્પીકરના જણાવ્યા અનુસાર ડૉ.આચાર્ય લોકેશજી બધા માટે એક પ્રેરણાનો સ્ત્રોત છે, તેમજ તેમની ઉર્જા અને ઉપલબ્ધિઓ આપણને હમેશા આશાનું કિરણ અને ભવિષ્યની ઝાંખી કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તેમની શાંતિ સદભાવના યાત્રા અને તેમનું સન્માન કરવું એ કેનેડા અને કેનેડાવાસીઓ માટે એક ગર્વની વાત છે. તેમની આ યાત્રા વિશ્વમાં શાંતિ સદ્ભાવનાને વધુ વેગીલી બનાવશે.
આ સમયે આચાર્ય લોકેશજી એ આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે આ સન્માન માત્ર મારું સન્માન નથી પરંતુ આખી પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું સન્માન છે, ભગવાન મહાવીર અને તેના વિચારોનું સન્માન છે. જો ભારત અને અમેરિકા એક સાથે પ્રયાસ કરે તો તે વિશ્વ માટે એક મહત્વપૂર્ણ યોગદાન રહેશે.
આ શુભ પ્રસંગ પર જૈન સેન્ટર ગ્રેટર બ્રિટીશ કોલંબિયાના અધ્યક્ષ વિજય જૈન દ્વારા આચાર્ય લોકેશજી અને વિધાનસભાના અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.