જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં નવનિયુક્ત પ્રમુખ જયદેવભાઈ શાહ અને મંત્રી હિમાંશુભાઈ શાહનું સન્માન કરવાનો સમારોહ મ્યુનિ. ટાઉનહોલમાં યોજાયો હતો.

બેન્ડવાજા, ઢોલ-નગારા સાથે જયદેવભાઈ શાહ, હિમાંશુભાઈ શાહ તેમજ સમારંભના મુખ્ય અતિથિ સંસદસભ્ય પૂનમબેન માડમનું ફૂલહાર, બૂકે આપીને ફૂલોની વર્ષા સાથે ટાઉનહોલના ગેઈટથી સ્ટેજ સુધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરના ક્રિકેટ બંગલામાં નિયમિત પ્રેક્ટીશ કરતા તમામ ખેલાડીઓ, મહિલા ખેલાડીઓ, વાલીઓએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.

સન્માન સમારોહના પ્રારંભે ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.ના સેક્રેટરી ચંદ્રશેખર બક્ષીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. એસો.ના પ્રમુખ અજયભાઈ સ્વાદિયા, ઉપપ્રમુખ વિનુભાઈ ધ્રુવના હસ્તે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં જામનગરના કનૈયા દાંડિયા ક્લાસીસવાળા જનક ત્રિવેદી અને તેમના ગ્રુપ દ્વારા સ્પેશ્યલ રાસની આઈટમ રજૂ કરવામાં આવી હતી. આ સમારોહમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના મંત્રી હિમાંશુભાઈ શાહે જામનગરમાં ચાલતી અવિરત ક્રિકેટ પ્રેક્ટીશ અને જામનગરના ખેલાડીઓની સિદ્ધિને બિરદાવી નિખાલસતા સાથે જણાવ્યું હતું કે જામનગરના ક્રિકેટ વગર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. અધુરૃ છે.

7537d2f3 5

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ જયદેવભાઈ શાહે જામનગરના ઐતિહાસિક ક્રિકેટ બંગલાના મેદાનનો ઉલ્લેખ કરી અજીતસિંહજી પેવેલિયન પરિસરમાં મ્યુઝિયમ બનાવવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. તેમણે સેવેલુ સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં ચેમ્પિયન થાય તેવું સ્થાન જલદીથી સાકાર થાય તેવી લાગણી તેમના ઉદ્બોધનમાં વ્યક્ત કરી હતી. સંસદસભ્ય પૂનમબેન માડમે તેમના ઉદ્બોધનમાં જામનગરના ખેલાડીઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવે તેવી અપેક્ષા વ્યક્ત કરી બન્ને પદાધિકારીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. જામનગરના એચ.જે. લાલ ટ્રસ્ટના જીતુભાઈ લાલ તેમજ પત્રકાર પી.ડી ત્રિવેદીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ સમારોહમાં ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો., ડિસ્ટ્રીક્ટ ટીમના ખેલાડીઓ, દેશદેવી આશાપુરા ટ્રસ્ટ, મહિલા સંસ્થાઓ, વાલીઓ તરફથી ફૂલહાર, મોમેન્ટો આપીને જયદેવભાઈ તથા હિમાંશુભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જામનગરના પ્લેયર ઓફ ધી યર (બોયસ) દિવ્યરાજ ચૌહાણ તથા ગર્લ્સ કેટેગરીમાં નેહા ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઈમર્જીંગ પ્લેયર્સ તરીકે ચાર બાળકો મહર્ષિ વાયડા, આર્યવીર જાડેજા, ઓમ જેઠવા, અધિરાજ નિર્વ્યાનને જયદેવ શાહની સીગ્નેચરવાળા બેટ તથા મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ સુભાષભાઈ જોષી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ ઉદાણી, વિપક્ષના નેતા અલ્તાફભાઈ ખફી, ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, મિતલબેન ફળદુ, મેઘનાબેન હરિયા, દેવશીભાઈ આહિર, આનંદભાઈ રાઠોડ, મનિષભાઈ કટારમલ, દિવ્યેશભાઈ અકબરી, સિનિયર ક્રિકેટરો, ક્રિકેટ પ્રેમીઓ, આમંત્રિતો, વાલીઓ ક્રિકેટપ્રેમીઓ, આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર સમારોહનું આયોજન ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના સિનિયર કોચ મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રીક્ટ એસો.ના તમામ હોદ્દેદારો, કોર કમિટી, સિનિયર-જુનિયર ખેલાડીઓએ સમારોહને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી. સમારોહનું સંચાલન લલિતભાઈ જોષીએ અને આભારદર્શન વિનુભાઈ ધ્રુવે કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.