- ક્રિમિનલ ઇન્ટેલીજન્સ એન્ડ મોનીટરીંગ સિસ્ટમ એપને પોલીસ એન્ડ સેફટી કેટેગરીમાં સિલ્વર એવોર્ડ એનાયત
રાજકોટ શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવેલી ક્રિમિનલ ઇન્ટેલીજન્સ એન્ડ મોનીટરીંગ સિસ્ટમ એપ્લિકેશનને ભારત સરકાર દ્વારા પોલીસ એન્ડ સેફટી કેટેગરીમાં સ્કોચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસની અત્યાધુનિક એવોર્ડને સિલ્વર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા નિર્મીત ક્રિમિનલ ઇન્ટેલીજન્સ એન્ડ મોનીટરીંગ સિસ્ટમ(સિમ્સ)ને સ્કોચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સ્કોચ પુરસ્કારને દેશના સર્વોચ્ચ સ્વતંત્ર રીતે સ્થાપી નાગરીક સન્માનો પૈકી ના એક તરીકે વખાણવામાં આવે છે. ગવર્નન્સ, ફાઇનાન્સ, બેંકીંગ, ટેકનોલોજી, કોર્પોરેટ નાગરીકતા, અર્થશાસ્ત્ર અને સમાવેશી વૃધ્ધીના ક્ષેત્રોમાં ભારતમાં શ્રેષ્ઠ પ્રથાઓ માટે સ્વતંત્ર બેંચ માર્ક તરીકે ગણવામાં આવે છે. આ એવોર્ડની સ્થાપના 2003માં કરવામાં આવી હતી.
સ્કોચ ગૃપ દ્વારા ભારત સરકારના અલગ-અલગ વિભાગોમાંથી સરકાર દ્વારા કરેલા સારા પ્રોજેકટો વિશે નોમીનેશન મંગાવવામાં આવે છે. સ્કોચ ગૃપ દ્વારા આ તમામ નોમીનેશન ઓનલાઇન એકત્રીત કરવામાં આવે છે. જે તે વિભાગ દ્વારા સ્કોચ પુરષ્કાર માટેની પોતાના પ્રોજેકટને અનુરૂપ કેટેગરીમાં એપ્લાય કરવામાં આવે છે. સ્કોચ ગૃપ દ્વારા આ તમામ માહીતી એકત્રીત કરી દરેક પ્રોજેકટનું પ્રેજેન્ટેશન રાખવામાં આવે છે. સ્કોચ ગૃપ દ્વારા નકકી કરવામાં આવેલ જયુરી દ્વારા તમામ પ્રોજેકટનું મુલ્યાંકન કરી તેનુ માર્કીંગ આપવામાં આવે છે. તેમાંથી માર્કીંગના આધારે શોર્ટલીસ્ટ થયેલા પ્રોજેકટનું મુલ્યાંકન કરી ફાઇનલ વિજેતા ગોલ્ડ, સીલ્વર તથા પ્લેટિનમ એમ ત્રણ કેટેગરીમાં પુરષ્કાર આપવામાં આવે છે.
જો રાજકોટ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી એપ્લિકેશનની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ કમિશનર બઝેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ડો. પાર્થરાજસિંહ ગોહીલના સુપરવિઝન હેઠળ મદદનીશ પોલીસ કમિશ્નર(ક્રાઇમ) ભરત બી.બસીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુન્હાઓ આચરનાર ઇસમોની માહીતી સરળતાથી મળી રહે અને આવા ગુન્હાઓ આચરનાર ઇસમોની રોજીંદી પ્રવૃતી ઉપર વોચ રાખી શહેર વિસ્તારમાં બનતી ગુન્હાખોરી અટકાવવા માટે આધુનીક અને ડીજીટલ યુગમાં એક ડેટાબેઝ એપ્લીકેશનની જરૂરીયાત જણાતા રાજકોટ શહેર પોલીસ દ્વારા ક્રિમિનલ ઇન્ટેલીજન્સ એન્ડ મોનીટરીંગ સિસ્ટમ એપ્લીકેશન કાર્યરત કરવામાં આવેલ હતી.
શરીર અને મિલકત સંબંધી ગુનાના આરોપીઓની એક-એક હરકત પર રાખવામાં આવે છે નજર
આ એપ્લીકેશન અંતર્ગત કડીબધ્ધ ડેટા બેઝનો સમાવેશ કરવામાં આવેલ છે. આ એપ્લીકેશનના ઉપયોગથી રાજકોટ શહેરમાં અવાર-નવાર શરીર સબંધી તથા મીલ્કત સબંધી ગુન્હાઓ આચરતા આરોપીઓ પૈકી એમસીઆર, એચએસ, એબસ્કોન્ડર, ગેમ્બ્લર, એનડીપીએસ, ટપોરી, હથિયાર ધારાના આરોપીની રોજિંદી પ્રવૃતિઓનુ મોનીટરીંગ કરવામાં આવે છે. તથા ડોજીયર્સ મેન્ટર પ્રોજેક્ટ ઉપર એપ્લીકેશન દ્વારા તેઓને ચેક કરી તેઓની હાલની પ્રવ્રુતી ઉપર વોચ રાખી તેમજ દૈનીક અહેવાલ અને ક્રાઇમ મેપીંગની કામગીરીની ફાળવણી, રિપોર્ટિંગ, તપાસ તેમજ જેલ રિલીઝ, જાહેરનામા, ચોરાયેલા વાહનો, ઔદ્યોગિક ક્ષેત્રના શ્રમિકો, શી ટીમ, ઈ-સંકલન અને ફિલ્ડ પર કરવામાં આવતા કામગીરીને એક જ વિન્ડોમાં સરળતાથી લઇ શકાય છે. આમ આ એપ્લીકેશન રાજકોટ શહેર પોલીસને ગુન્હેગારો પર મોનીટરીંગ રાખવામાં ખુબ જ મદદરૂપ થયેલ છે. જેથી રાજકોટ શહેર પોલીસને સ્કોચ ગૃપ દ્વારા અપાતા સ્કોચ એવોર્ડની પોલીસ સેફટી કેટેગરીમાં સિલ્વર એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે.