- મીઠી મીઠી વાતોમાં ફસાવી આધેડને મળવા બોલાવી માનુની સહીત 5ની ટોળકીએ કારસ્તાનને અંજામ આપ્યું
મોરબીના સીરામીકના ધંધાર્થી સાથે ટેલિફોનિક વાતચીત કેળવી ખોડલધામ મંદિર પાસે બોલાવી એક યુવતી સહીત કુલ 5 શખ્સોએ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 23.50 લાખ પડાવી લીધાની ફરિયાદ સુલતાનપૂર પોલીસ મથકમાં નોંધાઈ છે.
ભરત ભીખાભાઇ કારોલીયા (ઉ. વ. 50) નામના ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદ મુજબ પોતે મોરબીમાં રે સીરામીક ટાઈલ્સ કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકેનો વ્યવસાય કરે છે અને કંપનીમાં 1%ની ભાગીદારી પણ ધરાવે છે. ઉપરાંત વધુ એક સીરામીક કંપનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે પણ ફરજ બજાવે છે.
ભોગ બનનાર આધેડને એકાદ માસ પૂર્વે એક ફોન આવેલો જેમાં સામા પક્ષેથી એક મહિલાએ ‘શારદાબેન છે?’ તેવું પૂછતાં આધેડે રોંગ નંબર કહી ફોન કાપી નાખેલ હતો. થોડીવાર બાદ ફરીવાર તે નંબરમાંથી ફોન આવેલ હતો પણ રોંગ નંબર કહીને ફરીવાર આધેડે ફોન કાપી નાખેલ હતો. જે બાદ બીજા દિવસે બપોરના અરસામાં ફરીવાર ફોન આવેલ હતો અને સામાપક્ષેથી એક મહિલાએ ફોન કાપતા નહિ તેવું કહી વાતચીત શરૂ કરેલ હતી. આધેડ પાસેથી તેમની વિગત લઈને પોતાની ઓળખ પટેલ તરીકે આપી હતી અને સુલતાનપૂર રહેતી હોવાનું જણાવેલ હતું.
પાંચ-છ દિવસ સુધી આ નંબર પરથી દરરોજ બપોરે આધેડને ફોન કોલ આવતો હતો અને સરેરાશ 10-15 મિનિટ વાતચીત ચાલતી હતી. જે બાદ એક દિવસ અન્ય એક મોબાઈલ નંબરમાંથી ફોન આવેલ હતો. સામાપક્ષની મહિલાએ આધેડને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા અને મળવા આવવાનું કહ્યું હતું. માનુનીની મીઠી મીઠી વાતોમાં આવી ફસાઈ ગયેલ આધેડે મળવાની હા પાડી દીધી હતી.
ગત તા. 4 માર્ચના રોજ આધેડ ક્રિષ્નાને મળવા મોરબીથી સવારના આઠેક વાગ્યે નીકળ્યા હતા અને સવારના સાડા દશેક વાગ્યે ખોડલધામ મંદિરે પહોંચ્યા હતા. જ્યાંથી માનુનીને ફોન કરતા મંદિરના ગેઇટની સામે આવેલી દુકાનો પાસેથી બંનેનો ભેટો થયો હતો અને માનુની આધેડની આઈ ટવેન્ટી કારમાં બેસી મોટરકાર આગળ હંકારવા જણાવ્યું હતું.
માનુનીએ થોડે દૂર જલારામ બાપાની વાડીના ગેઇટથી ડાબી બાજુના રસ્તે લઇ જઈ ગાડી ઉભી રખાવી હતી. પોતે પાછળની સીટમાં જઈ પોતાના કપડાં કાઢવા લાગેલ હતી. દરમિયાન પાછળથી બે અલગ અલગ મોટરસાયકલમાં ચાર જેટલાં અજાણ્યા ઈસમો ધસી આવ્યા હતા. અજાણ્યા ઈસમો પૈકી એક શખ્સ માનુનીને મોટરસાયકલમાં બેસાડી જતો રહ્યો હતો અને અન્ય ત્રણ ઈસમો આધેડની કારમાં બેસી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતી.
ક્રિષ્ના અમારી ભાણેજ છે અને બે ત્રણ દિવસ પૂર્વે ઘર છોડીને જતી રહેલ હતી તેવું કહી આધેડને પાછળની સીટમાં બેસાડી એક અજાણ્યો ઈસમો મોટર કાર ચલાવવા લાગેલ અને લીલાખા ગામના રસ્તે લઇ જઈ રૂ. 35 લાખની માંગણી કરી હતી. જો પૈસા નહિ આપે તો બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપતાં ડરી ગયેલા આધેડે પોતાના ભાઈઓને ફોન કરીને દવાખાનાનું બહાનું કરીને પ્રથમ રૂ. 10-10 લાખનું બે આંગડિયું અને રૂ. 3.5 લાખનું ત્રીજું આંગડિયું મંગાવી કુલ રૂ. 23.50 લાખ અજાણ્યા ઈસમોને આપ્યા હતા. જે બાદ ત્રણેય શખ્સો પૈસા લઈને જતાં રહ્યા હતા.
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આવેલ વી.એમ. પટેલ અને પી.એમ. આંગડિયા પેઢીના સીસીટીવી તપાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે
આધેડે પોતાના બંને ભાઈઓ પાસેથી અલગ અલગ ત્રણ કટકે રૂ. 23.50 લાખ રૂપિયા મંગાવી હનીટ્રેપની ટોળકીને આપ્યા હતા. આ રૂપિયા ગોંડલ માર્કેટીંગ યાર્ડ સ્થિત વી.એમ. પટેલ અને પી.એમ. આંગડિયા પેઢી મારફત મોકલવામાં આવ્યા હતા. ત્યારે આ બંને આંગડિયા પેઢીના સીસીટીવી તપાસવામાં આવે તો આરોપીઓની ઓળખ થઇ શકે છે પરંતુ ઘટના બન્યાને 15 દિવસથી વધુ સમય થઇ ગયો હોય સીસીટીવીનું બેકઅપ જતું રહેલું હોય તો પોલીસને પડકારનો સામનો કરવો પડી શકે છે.
રાજકોટ જિલ્લામાં હનીટ્રેપ આચરતી ટોળકીઓની કુંડળી કાઢી આરોપીઓની ઓળખ મેળવવા તજવીજ
હાલ આ મામલે પોલીસે આરોપીઓની ઓળખ મેળવવા માટે રાજકોટ જિલ્લામાં છેલ્લા એકાદ વર્ષમાં હનીટ્રેપ આચારનારી ટોળકીઓની કુંડળી કાઢવા પોલીસે તજવીજ હાથ ધરી છે. આ શખ્સોની કુંડળી કાઢી બનાવની કડી શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઉપરાંત મોબાઈલ નંબરની પણ તપાસ ચાલુ કરવામાં આવી છે.