અબતક, રાજકોટ
લાલપરી-રાંદરડા તળાવના કાંઠે આવેલા પ્રદ્યુમન પાર્ક ઝુમાં સફેદ વાઘ માટે ખાસ બ્રિડીંગ સેન્ટર બનાવવામાં આવશે. હાલ ઝુમાં એક નર અને ત્રણ માદા સહિત કુલ 4 સફેદ વાઘ વસવાટ કરી રહ્યાં છે. છેલ્લા છ વર્ષના સમયગાળામાં સફેદ વાઘણે નવ બાળ વાઘને જન્મ આપ્યો હોય હવે રાજકોટ ઝુમા જે રીતે એશિયાટીક લાયન માટે બ્રિડીંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે તે રીતે સફેદ વાઘ માટે બ્રિડીંગ સેન્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે રૂા.12.31 લાખનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
આવતીકાલે મળનારી સ્ટે.કમીટીના બેઠકમાં અલગ અલગ 34 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, વન્ય પ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝુ દ્વારા મૈત્રીબાગ ઝુ ભિલાઈ (છત્તીસગઢ) સિંહ નીલ અને સિંહણ સોમ્યાની એક જોડી વર્ષ 2014-15 દરમિયાન આપવામાં આવી હતી. જેના બદલામાં ભિલાઈ ઝુ દ્વારા રાજકોટ ઝુને સફેદ વાઘ નર દિવાકર અને સફેદ વાઘણ યશોધરા તથા સફેદ વાઘણ ગાયત્રી આપવામાં આવી છે.
હાલ ઝુમાં એક નર અને ત્રણ માદા સહિત કુલ 4 સફેદ વાઘ વસવાટ કરી રહ્યાં છે:
સફેદ વાઘ માટે ખાસ બ્રિડીંગ સેન્ટર બનાવવાનો કોર્પોરેશનનો નિર્ણય
દિવાકર અને યશોધરાના સવનનથી તા.6-5-2015ના રોજ પ્રદ્યુમન પાર્ક ઝુમા પ્રથમવાર સફેદ બાળ વાઘનો જન્મ થયો હતો. ત્યારબાદ દિવાકર અને ગાયત્રીના સવનનથી 16 મે 2015ના રોજ ગાયત્રીએ 4 સફેદ વાઘ બાળને જન્મ આપ્યો હતો. બીજી એપ્રિલ 2019ના રોજ ગાયત્રીએ ફરી એકવાર ચાર વાઘ બાળને જન્મ આપ્યો હતો. રાજકોટ ઝુ દ્વારા અમદાવાદના કાકરીયા ઝુ, પંજાબન છતબીર ઝુ અને પુનાના રાજીવ ગાંધી ઝુલોઝિકલ પાર્કને સફેદ વાઘ માદા આપવામાં આવ્યા છે. જ્યારે ગાંધીનગરના હિન્દ્રોડા નેચરલ પાર્કને સફેદ વાઘની જોડી અને સુરતના ડો.શ્યામાપ્રસાદ મુખજી ઝુલોઝિકલ ગાર્ડનને સફેદ વાઘની જોડી આપવામાં આવી છે.
તેઓએ ઉમેર્યું હતું કે, પ્રદ્યુમન પાર્કમાં સફેદ વાઘ અને વાઘણનું બ્રિડીંગ સફળ રહ્યું છે હવે અહીં બ્રિડીંગ સેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 128.90 ચો.મી.નું બાંધકામ ધરાવતા આ સફેદ વાઘ માટેના બ્રિડીંગ સેન્ટર બનાવવાના કામનો કુલ એસ્ટીમેન્ટ રૂા.13.9 લાખ હતો. દરમિયાન આ કામ 5.94 ટકા ઓછા ભાવે કરી આપવાની શિવસાંઈ ક્ધટ્રકશન દ્વારા ઓફર આપવામાં આવી છે. પ્રદ્યુમન પાર્કમાં સફેદ વાઘ માટે બ્રિડીંગ સેલ બનાવવા રૂા.12.31 લાખનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આવતીકાલે મળનારી બેઠકમાં આ ઉપરાંત 33 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
ઝુ માટે નવી બે 11 સીટર બેટરીકાર ખરીદાશે
પ્રદ્યુમન પાર્ક ઝુમાં જાહેર રજાઓ અને તહેવારોના દિવસોમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના લોકો માટે આ એક હરવા-ફરવાનું સર્વોત્તમ સ્થળ બની ગયું છે. ઝુમાં આવતા સહેલાણીઓના ઉપયોગ માટે નવી બે બેટરી 11 સીટર બેટરી ઓપરેટર કાર ખરીદવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
હાલ ઝુમાં 6 સીટરની કુલ 3 બેટરી ઓપરેટર કાર છે જ્યારે 11 સીટરની 5 કાર અને 14 સીટરની 2 કાર છે જે પૈકી 6 સીટરની એક કાર અને 11 સીટરની 1 કાર હાલ બંધ હાલતમાં હોવાની કારણે તહેવારોના દિવસોમાં સહેલાણીઓએ થોડી હાલાકી વેઠવી પડે છે અને કારની સુવિધા માટે ખુબજ રાહ જોવી પડે છે જે સમસ્યા હલ કરવા માટે હવે નવી બે 11 સીટર બેટરી ઓપરેટર કાર ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાલે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં આ અંગે ખર્ચ મંજૂર કરવામાં આવશે.