હાલ કોરોનાની બીજી ઘાતક લહેર ખુબ જ ઝડપથી આગળ વધી રહી છે. એક તરફ મેડિકલ સ્ટાફની ઘટ અને બીજી તરફ દર્દીઓની સારવાર કરતા તબીબો અને નર્સિંગ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. રાજકોટમાં કોરોના કંટ્રોલમાં લેવા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરી હોમિયોપેથી અને આયુર્વેદ સ્ટુડન્ટસને કોવિડમાં ફરજ માટે બોલાવવા નિર્ણય કર્યો છે. જેને વેતન આપવા માટેની પણ જાહેરાત કરવામાં આવી છે.
રાજ્ય સરકારે ખાનગી સંસ્થાઓમાંથી જરૂરી મેનપાવર જિલ્લાના તંત્રને હવાલે કરવાની સૂચના આપી છે. આથી કલેક્ટર રેમ્યા મોહન દ્વારા રાજકોટ શહેર-જિલ્લાની 10 જેટલી ખાનગી આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજના 190થી વધુ તબીબી વિદ્યાર્થીઓના ઓર્ડરો ક્ધવેશન સેન્ટર માટે કર્યા છે. આ માટે તમામ 10 કોલેજોને જાણ કરી નોડલ ઓફિસર ફાળવવા અને પીડીયુ હોસ્પિટલ ખાતેના ઓએસડી ડો. જતીન ભટ્ટને તાત્કાલિક રીપોર્ટ કરવા અને દરેક કોલેજમાંથી 5-5 ઇન્ટર્ની પણ ફાળવી તેના પણ મોબાઇલ નંબર આપી દેવા પણ કલેક્ટરે હુકમો કર્યા છે.
રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, એચ.એન.શુક્લા હોમિયોપેથિક કોલેજ,કામદાર હોમિયોપેથિક કોલેજ,મુરલીધર આયુર્વેદિક કોલેજ,આર.કે. યુનિ. આયુર્વેદ કોલેજ,ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ આયુર્વેદ,ગારડી આયુર્વેદિક કોલેજ,ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ,બી.એ.ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને બી.જે.ગરૈયા આયુર્વેદ કોલેજ સહિત 10 કોલેજના છાત્રો હવે હોસ્પિટલમાં ફરજ બજાવશે.
ગુજરાત સરકારના નિયમો મુજબ પગાર પણ ચૂકવવામાં આવશે
ફાળવેલા તબીબી વિદ્યાર્થી તથા ઇન્ટર્નનો કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે તબીબી અધિક્ષક, પીડીયુ હોસ્પિટલ, રાજકોટ દ્વારા આદેશ કરવામાં આવશે. જેમાં સિવિલ હોસ્પિટલ અંતર્ગત સિવિલ, સમરસ, અને કેન્સર કોવિડ હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવશે. જેમાં તમામ તબીબી વિદ્યાર્થીઓને સરકારના નિયમો અને શરતો મુજબ કામગીરી કરવાની રહેશે અને તેઓને ગુજરાત સરકારના નિયમો મુજબ પગાર પણ ચૂકવવામાં આવશે