વિદ્યાર્થીની ધરપકડ કરતા પહેલા સાત દિવસની નોટિસ આપતી કોર્ટ.
શહેરના જામનગર રોડ પર આવેલી બી.એ.ડાંગર હોમિયોપેથીક કોલેજમાં બોગસ માર્કશીટનાં આધારે એડમીશન મેળવી ૪૧ વિદ્યાર્થીઓના કારકીર્દી સાથે છેતરપીંડી કરવાના ગુનામાં યુનિ.ના હોમીયોપેથીક વિભાગના ડીન અને તબીબ પિતા પુત્ર સહિત ત્રણ શખ્સોની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી નામંજૂર કરતો હુકમ કર્યો છે.
સૌ.યુનિ.ના હોમિયોપેથીક વિભાગના ડીન ડો.જોષી અને ડો. કાદરીની આગોતરા જામીન અરજીઓ રદ કરેલ છે. તેમજ ૪૧ વિદ્યાર્થીઓની સાથે થયેલ છેતરપીંડી અને વિશ્ર્વાસઘાતને ધ્યાનમાં લઈ તેઓની ધરપકડ કરવાની જરૂર જણાય તો ૭ દિવસની નોટીસ કરવા પણ હુકમ કરેલ છે.
આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, રાજકોટની બી.એ. ડાંગર હોમિયોપેથીક કોલેજમાં એડમીશન લઈ બીજા અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ૪૧ વિદ્યાર્થીઓની પ્રથમ વર્ષની માર્કશીટો બનાવટી ઉભી કર્યાની રજૂઆત સૌ.યુનિ. સમક્ષ આવતા યુનિ.એ તમામ વિદ્યાર્થીઓ તેમજ અમિતાભ જોષી અને ડો.
કાદરી વિરૂધ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરેલી હતી. અમિતાભ જોષી અને ડો. કાદરી બંને નાશી ગયેલ હતા અને ત્યારબાદ તેઓએ સેશન્સ અદાલતમાં આગોતરા જામીનની અરજીઓ રજૂ કરલ હતી. જે અરજીઓની સુનવણી દરમ્યાન તપાસનીશ અમલદારે ડો. અમિતાભ જોષી તેમજ ડો. વહાબમીયા કાદરી અને તેના પુત્ર ઝુનેદ કાદરી વિધ્ધ સોગંદનામા રજૂ કરી જણાવેલુ હતુ કે આ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપીઓ આ ત્રણ વ્યકિતઓ જ છે.
જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરાએ રજૂઆત કરેલી કે ડો.અમિતાભ જોષી અને ડો. કાદરીએ સૌરાષ્ટ્ર યુનિ.ની વિવિધ હોમિયોપેથીક કોલેજોમાં એડમીશન અપાવવા માટે વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમની ફી અને ડોનેશન મેળવેલી હતી.
તેઓના એડમીશન સૌ.યુનિ.ની કોલેજમાં મેળવી લેવામાં આવેલ છે. તેઓને ડાંગર કોલેજમાં લેકચરોમાં સામેલ કરવામાં આવતા રોલ નંબરો વિના પરીક્ષાઓ પણ અપાવવામાં આવતી હતી. વર્ષના અંતે બિહાર યુનિ.ના બનાવટી માર્કશીટો રજૂ કરી ડાંગર કોલેજ અને બીજી કોલેજોમાં બીજા વર્ષથી ટ્રાન્સફર સર્ટીફીકેટોનાં આધારે આ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવામાં આવતા આ સમગ્ર હકિકતોની જાણ વિદ્યાર્થીઓને કયારેય થવા દેવામાં આવેલ નહતી.
વર્ષ ૨૦૧૨થી ૨૦૧૮ સુધીના દરેક વર્ષોમાં બિહાર યુનિ.માંથી સૌ.યુનિ.માં ટ્રાન્સફર મેળવી જુદી જુદી કોલેજમાં એડમીશન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પ્રતિ વર્ષ વધતી જતી હતી.
સૌ.યુનિ.ની ઈન્કવાયરી કમિટી સમક્ષ જવાબ આપતી વખતે ડો. અમિતાભ જોષીએ આ સર્ટીફીકેટો અને માર્કશીટો વિદ્યાર્થીઓએ તેમની પાસે રજુ કરેલ હોવાનું કયારેય જણાવેલું નથી. વિદ્યાર્થીઓને ખોટી રીતે દોષી ઠરાવવા માટે પ્રયાસ કરે છે. ડીન તરીકે ડો. અમિતાભ જોષી અને એડમીશન એજન્ટ તરીકે ડો. કાદરી મુખ્ય ગુનેગાર છે. ડો. કાદરી પોતે હોમિયોપેથ હોવાથી પોતાના દિકરા ઝુનેદ કાદરીની બનાવટી માર્કશીટ રજૂ કરી હોમિયોપેથીક કોલેજમાં ગેરકાનુની રીતે એડમીશન મેળવેલ છે.
સરકાર તરફેની રજુઆતો માન્ય રાખી અધિક સેશન્સ જજ પી.પી.પૂરોહિતે ડો. અમિતાભ જોષી, ડો. વહાબમીયા કાદરી અને પુત્ર ઝુનેદ કાદરીની આગોતરા જામીનની અરજીઓ રદ કરી છે. વિદ્યાર્થીઓની જામીન અરજીઓ ઉપર તપાસનીશ અમલદાર અને સરકારની માનવીય રજૂઆતો માન્ય રાખી તેવો હુકમ કરેલો છે જો કોઈ વિદ્યાર્થી ગુનેગાર જણાય તો તેઓની ધરપકડ કરતા પહેલા ૭ દિવસની નોટીસ આપવી. આ કેસમા જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા રોકાયેલા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com