ગબ્બરને ફરીથી બોલાવવો પડશે!
૭૪ વર્ષીય વૃધ્ધ પિતા ગુમાવવાની સાથે પરિવારને ખાનગી હોસ્પિટલનું મસમોટુ બિલ ચૂકવવાની મુસિબત પણ આવી પડી!!!
એક સમયે સેવાનું માધ્યમ ગણાતું મેડીકલ ક્ષેત્રમાં કોર્પોરેટ કંપનીઓ આવવાના કારણે વ્યવસાયીકરણ થઈ જવા પામ્યું છે. આ વ્યવસાયીકરણના કારણે દર્દીઓનાં મૃત્યુ થઈ ગયા હોવા છતાં તેની સારવાર ચાલુ હોવાનું દર્શાવીને અમુક કોર્પોરેટ હોસ્પિટલો પોતાની આવક વધારવાના પ્રયાસો કરતી હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહી છે. આવી ફરિયાદોને અક્ષયકુમારની ફિલ્મ ‘ગબ્બર ઈઝ બેક’માં ઉઠાવવામાં આવી હતી. જેમાં મૃત દર્દીઓને જીવંત બતાવીને સારવાર હેઠળ દર્શાવીને મસમોટીફી વસુલતી હોસ્પિટલને સબક શીખવવાનું દર્શાવવામાં આવ્યું છે. આવો જ એક બનાવ તાજેતરમાં મુંબઈમાં બહાર આવવા પામ્યો છે. જેમાં હોમ કવોરન્ટાઈન થયેલા વ્યકિતને તેના પિતાની ૧૫ દિવસ સારવાર કરવા બદલ એક ખાનગી હોસ્પિટલે રૂા.૧૬ લાખનું બિલ ફટકાર્યું છે.
આ બનાવની વિગતો જોઈએ તો મુંબઈના સાંતાકુઝ વિસ્તારમાં રહેતા એક વ્યકિતના ૭૪ વર્ષિય વિસ્તારમાં રહેતા એક વ્યકિતના ૭૪ વર્ષિય પિતાને કોરોના જેવા લક્ષણો દેખાતા તેમને તુરંત જુહુમાં આવેલી જાણીતી નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ વૃધ્ધને કોરોનાની શંકાને લઈને તેના સમગ્ર પરિવારને શહેર આરોગ્ય તંત્ર દ્વારા હોમ કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. નાણાંવટી હોસ્પિટલમાં દાખલ થયેલા આ વૃધ્ધ વ્યકિતનું ૧૫ દિવસની સારવાર બાદ મૃત્યુ થવા પામ્યું હતુ. આ ડેડબોડી સાથે હોસ્પિટલે રૂા.૧૬ લાખનું બિલ પણ ફટકાર્યું હતુ આ મધ્યમવર્ગીય પરિવાર પર પિતા ગુમાવવાના દુ:ખ સાથે તેમની સારવારના રૂા.૧૬ લાખનું બિલ પણ ચિંતાનો વિષય બની જવા પામ્યું છે.
મૃતક વૃધ્ધાના પુત્રએ ખાનગી હોસ્પિટલ સામે આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતુ કે આ બિલમાં રૂા.૮.૬ લાખની દવાઓ અને અન્ય સુવિધાઓ જયારે રૂા.૨.૮ લાખ કોવિડ ચાર્જ દર્શાવવામાં આવ્યો છે. આ બિલને મનસ્વી રીતે બનાવવામાં આવ્યું છે. અમો ઘરે હોમ કવોરન્ટાઈન હતા જેથી હોસ્પિટલે જઈ શકયા ન હતા પરંતુ હોસ્પિટલે આ સતત વધતાજતા અસહ્ય બિલ અંગે અમોને કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવી ન હતી. વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે જયારે મારા પિતાને હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા ત્યારે મેં ૬૦ હજાર રૂા. ઓનલાઈન ચૂકવી આપ્યા હતા. જે બાદ, હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો જેમાં મારા પિતાને ડાયાલીસીસ અને વેન્ટીલેટર પર મૂકવાની જરૂર હોવાનું જણાવતા મેં ઈલેકટ્રોનિકલી સહમતી આપી હતી
મારા પિતાને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કર્યાના થોડા દિવસ પહેલા કરેલી કીડનીની કાર્યક્ષમતા અંગેનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. તેમ છતાં હોસ્પિટલ દ્વારા કીડની ફેલ થયાનું જણાવીને ડાયાલીસીસ ચાલુ હોવાનું દર્શાવીને બિલમાં સતત વધારોકરવામાં આવી રહ્યો હતો. હોસ્પિટલમાંથી રૂા.૩.૪ લાખનું બિલ ચૂકવવા ફોન આવતા તે રક્મ પણ ઓનલાઈન ચૂકવી આપી હતી. તેના થોડા દિવસો વધુ રકમ ચૂકવવા ફોન આવ્યો હતો. જો આ રકમ ચૂકવીશ નહી તો મારા પિતાની સારવાર બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી આપી હતી. હોસ્પિટલમાંથી મારા પિતાનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં આવ્યો તેનું ભાડુ આઠ હજાર રૂા. પણ મારે ચૂકવવું પડયું હતુ તેમ મૃતક વૃધ્ધાના પુત્રએ આક્રોશ વ્યકત કરતા અંતમાં ઉમેર્યુ હતું.
સારવાર બિલમાં વધારે ચાર્જ લગાવ્યાનો હોસ્પિટલનો ઈન્કાર
મૃતક વૃધ્ધાનાપુત્રએ કરેલા આક્ષેપો અંગે નાણાવટી હોસ્પિટલના ડીરેકટર મનપ્રિત સોહેલે નકારી કાઢયા હતા. તેમણે જણાવ્યું હતુ કે આ દર્દીને અતિગંભીર સ્થિતિમાં ૩૧ માર્ચે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને મલ્ટી કો.મોર્બીડીટીઝ અને મલ્ટીઓર્ગન ફેલીયરની સમસ્યા પણ હતી આ દર્દીની સારવાર દરમ્યાન તેમની રેસ્પીરેટરી સિસ્ટમ ફેઈલ થઈ જતા વેન્ટીલેટર પર રાખવા ઉપરાંત સાત દિવસ સુધી કીડની ફેઈલ જવામાં વપરાતી ટેનલ રીપ્લેસમેન્ટ થેરાપી આપવામાં આવી હતી. આ સારવાર મોંઘી હોય ગમે તે હોસ્પિટલમાં રોજનું ૧ લાખ રૂા.નુયં બીલ સામાન્ય રીતે આવે છે અમારા શ્રેષ્ઠ પ્રયત્નો છતા આ દર્દીનું મૃત્યુ થયું તે અમારા માટે દુ:ખદ બાબત છે.