ઢેબર રોડ પર રાજુભાઇ મદ્રાસ કાફે અને ઇડલીવાળાને ત્યાંથી સાત કિલો વાસી ખાદ્ય સામગ્રી અને ચટણીનો નાશ કરાયો
શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં સાઉથ ઇન્ડિયનના હાટડા ખૂલી ગયા છે. મદ્રાસ કાફેમાં રિતસર બિમારી પીરસવામાં આવી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. નિયમિત ચેકીંગના અભાવે શહેરીજનોના આરોગ્ય સાથે લેભાગૂ વેપારી ચેડા કરી રહ્યા છે. કહેવાતી ચેકીંગ ઝુંબેશમાં થોડું ઘણું કામ કરવામાં આવે છે. બાકી હોતા હૈ, ચલતા હૈ જેવી નીતી અપનાવવામાં આવી રહી છે.
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના ત્રિકોણબાગ ચોકથી સિવિલ કોર્ટ સુધીના ઢેબર રોડ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જે અંતર્ગત 9 પેઢીઓને ફૂડ લાઇસન્સ મેળવી લેવા અને હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા માટે નોટિસ આપવામાં આવી હતી. નવ કિલો વાસી અને એક્સપાયરી થયેલો ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
રાજુ મદ્રાસ કાફેમાં ચેકીંગ દરમિયાન પાંચ કિલો વાસી ઢોસાનો મસાલા મળી આવ્યો હતો. જેનો નાશ કરાયો હતો. જ્યારે રાજુભાઇ ઇડલીવાળાને ત્યાંથી બે કિલો વાસી ચટણી મળી આવી હતી. જેનો પણ નાશ કરવામાં આવ્યો હતો. ભક્તિ ડ્રાયફ્રૂટ્સ એન્ડ ચોકલેટમાંથી બે કિલો એક્સપાયરી થયેલી ચોકલેટનો જથ્થો નાશ કરાયો હતો. જ્યારે રિયલ સેન્ડવીચ, યાદગાર સરબત, સમદ એન્ટરપ્રાઇઝ, પ્રતાપ પાન, શક્તિ ટી સ્ટોલ અને સુરેશભાઇ રગડાવાળાને ત્યાં ચેકીંગ હાથ ધરાતા તમામને ફૂડ લાઇસન્સ મેળવવા નોટિસ આપવામાં આવી હતી.
પાપડ, ચકરી, ગોલાનું સીરપ, દૂધ, શ્રીખંડ અને સોન પાપડીના નમૂના લેવાયા
અલગ-અલગ 6 સ્થળોએથી ફૂડ લાઇસન્સ દ્વારા આજે વિવિધ ખાદ્ય સામગ્રીના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં એમ.જી. રોડ પર પરાબજાર ચોકમાં ભક્તિ ડ્રાયફ્રૂટ્સ એન્ડ ચોકલેટમાંથી આમ પાવડર, સંતકબીર મેઇન રોડ પર શ્રી ગજાનંદ જોધપુર સ્વીટ્સ એન્ડ ફરસાણમાંથી લૂઝ ચકરી, મસ્ત આઇસ ગોલામાંથી કેટબરી ફ્લેવર ગોલાનું સીરપ, માટેલ ડેરી ફાર્મમાંથી ભેંસનું લૂઝ દૂધ, ગોકુલ કેરી રસ અને શ્રીખંડમાંથી લૂઝ કેસર શ્રીખંડ તથા ગજાનંદ સ્વીટ્સમાંથી સોનપાપડીનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયો છે.