માતા-પિતાનો અતો પતો ન લાગે ત્યાં સુધી ભાજપના
મહિલા નગર સેવક દ્વારા વાલી જેમ સારસંભાર
ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. સમગ્ર રાજ્યની પોલીસને બાળકના ફોટા મોકલી અને એના વિશે તપાસ માટેની જાણકારી આપી દેવામાં આવી છે. દોઢ વર્ષના બાળકનાં માતા-પિતાની અને મૂકી જનાર શખસની શોધખોળ માટે ગાંધીનગર LCB, SOG, મહિલા અને પેથાપુર પોલીસની ટીમો કામે લગાડવામાં આવી છે.
નવરાત્રિના બીજા દિવસે ગાંધીનગર પાસેના પેથાપુર નજીક ગૌશાળા પાસે શુક્રવારે રાતે સાડાનવ વાગ્યાના અરસામાં અંદાજે દોઢથી બે વર્ષનું બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું છે, પરંતુ હજી સુધી આ માસૂમનાં માતા-પિતાની ભાળ મળી નથી. આખરે આ બાળક કોણ છે એ સવાલ ઊઠી રહ્યો છે. બાળકનેને ત્યજી દેનારા શખસની ગાંધીનગર પોલીસ શોધખોળ કરી રહી છે. હાલ તો CCTVના આધારે તપાસ આદરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા બાળકની પ્રાથમિક તબક્કે પોલીસે સિવિલમાં મેડિકલ તપાસ શરૂ કરાવી છે.
ગૃહ મંત્રી હર્ષ સંઘવી બાળકની સાર સંભાળ લેવા પોહ્ચ્યા સિવિલ હોસ્પિટલ
ગૃહ મંત્રી પણ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં બાળકની સાર સંભાળની માહિતી મેળવવા પહોંચી ગયાં છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બાળક સ્વસ્થ છે તેના શરીરે કોઈ ઈજા નથી. ગાંધીનગરમાં તમામ CCTVથી તપાસ ચાલી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચને પણ તપાસ સોંપવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારે બાળકને તરછોડાયું છે ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે. જિલ્લામાં ટીમ બનાવી, સીસીટીવીના માધ્યમથી તપાસ કરવામાં આવી રહી છે.
બાળકને મૂકનાર શખસને જલદી જ પકડી લઈશું. હું ખાતરી આપું છું કે આરોપીને સજા કરવામાં આવશે. ગાંધીનગર શહેરના તમામ સીસીટીવી ફૂટેજો તપાસવામાં આવી રહ્યા છે. સ્થાનિક ભાજપનાં મહિલા કોર્પોરેટર તેમના પતિ અને મહિલા પોલીસ ગઈકાલ રાતથી જ બાળકની સંભાળ લઈ રહ્યાં છે. જિલ્લા પોલીસવડા મયૂર ચાવડાએ સિવિલ હોસ્પિટલમાં પહોંચી બાળકની સારસંભાળ અંગે માહિતી મેળવી હતી.ઉલ્લેખનીય છે કે બાળક મળ્યું હોવાની ઘટના મામલે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી મોડી રાતે ત્રણ વાગ્યા સુધી સતત પોલીસવડાના સંપર્કમાં રહી તેના વિશે અપડેટ મેળવતા રહ્યા હતા.