સુજલામ સુફલામ જળસંચય અભિયાન : ૨૦૧૮
જળસંચય અભિયાન પાણીનો સંગ્રહ વધારીને ગુજરાતને જળસમૃધ્ધ બનાવશે :ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહજી
વડોદરા જિલ્લાના અભિયાન પ્રભારી અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહજી જાડેજાએ આજે ડભોઇ તાલુકાના વઢવાણા અને કુકડ ગામોમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-૨૦૧૮ હેઠળ ચાલતા ગામતળાવોની સુધારણા અને ઉંડા કરવાની કામગીરીનુ નિરીક્ષણ કર્યું હતું.
તેમણે વડોદરા જિલ્લામાં અભિયાન હેઠળ તળાવો ઉંડા કરવા,કેનાલો-કાંસની સફાઇ,ડિસીલ્ટીંગ સહિતના કામોની પ્રગતિ અંગે સંતોષની લાગણી વ્યકત કરવાની સાથે, જિલ્લામાં જળ સંચય – જળ સંગ્રહના તમામ કામો ઝડપભેર પૂર્ણ કરવા પ્રશાસનિક અધિકારીઓને સુચનાઓ આપી હતી. તેમણે ખેડૂતો અને ખેતીની ખુશહાલી વધારનારા આ અભિયાનમાં સહયોગી બનવા માટે વડોદરા જિલ્લાના લોકો,ધાર્મિક, સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો તેમજ નાગરિક સંગઠનોને અભિનંદન આપ્યા હતા.
જળસંચય અભિયાન પાણીનો સંગ્રહ વધારીને ગુજરાતને જળ સમૃધ્ધ બનાવશે અને ખેડૂતો તથા ખેતી માટે ખુશહાલીના નવા ધ્વાર ખોલશે એવી લાગણી વ્યકત કરતાં ગૃહ રાજય મંત્રીએ જણાવ્યું હતું કે આ અભિયાન અભૂતપૂર્વ છે કારણ કે આટલા મોટા પાયે જળસંગ્રહનું રાજય વ્યાપી કામ ઇતિહાસમાં પહેલીવાર થઇ રહયું છે અને મુખ્યમંત્રીશ્રીની દૂરંદેશીથી આ અભિયાન સાથે અભૂતપૂર્વ જન ભાગીદારી જોડાઇ છે.
રાજયમાં આ અભિયાન દર ચોમાસા પહેલા સતત ત્રણ વર્ષ સુધી ચલાવવામાં આવશે એવી જાણકારી આપતાં તેમણે ઉમેર્યુ હતું કે અભિયાન હેઠળ ૧૩ હજાર થી વધુ તળાવોની ઉંડાઇ વધારવાની સાથે નદીઓની સફાઇ ,ચેક ડેમોની સફાઇ અને સુધારણા કાંપ નિવારણ,કેનાલો કાંસોની સફાઇ સહિતના અનેકવિધ કામો ચાલી રહયા છે. જેના પગલે વરસાદનું પાણી જમીનમાં ઉતરશે અને તળાવો ઇત્યાદિની જળસંગ્રહ ક્ષમતા વધશે. ખોદાયેલી માટી ખેતરોમાં પથરાવાને લીધે ફળદ્રપતા વધતા પાકની ઉપજ અને ખેડૂતોની આવક વધશે.જળસંચય અભિયાન એ કોઇ વ્યકિત કે પક્ષનું નહી પણ સમગ્ર રાજયના કલ્યાણનું કામ છે,જળ દેવતાને પુનઃપ્રતિષ્ઠિત કરવાનું અભિયાન છે. એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. રાજયની નદીઓના કાંઠા અને પવિત્ર તીર્થોના ઘાટોને અભિયાનથી નવુ રૂપ મળશે.
પાણીની ચિંતા સહુએ કરવી પડે અને પાણી બચાવવાની કાળજી બધાએ લેવી પડે એવી લાગણી વ્યકત કરતાં ધારાસભ્યશ્રી શૈલેષભાઇ સોટ્ટાએ જણાવ્યું કે જળસંચય અભિયાનની દૂરદેંશી માટે મુખ્યમંત્રીશ્રી અભિનંદનને પાત્ર છે અને આ અભિયાનથી જળની અછત ઘટતા ઘણી રાહત મળશે. જળસંચયમાં આખુ રાજય જોડાતા આ અભિયાન જળ શકિત માટે જન શકિતના સંચારનું પ્રતિક બની ગયું છે. વડોદરા જિલ્લામાં અભિયાનના પ્રભારી શ્રી પ્રદિપસિંહ જાડેજાની જિલ્લાના વિવિધ ગામોમાં ચાલતા તળાવ ઉંડા કરવાના કામોની મુલાકાતથી અભિયાન વધુ વેગવંતું બન્યુ છે. જળ અભિયાન થકી વઢવાણા તથા કુકડ સહિતના ગામોમાં તળાવો ઉંડા થતા જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થશે. આ વિસ્તારમાં સિંચાઇનું પાણી મળતા ખેડૂતોએ ઉનાળુ ડાંગરનુ મબલખ ઉત્પાદન કર્યુ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ પ્રસંગે અગ્રણીશ્રી દિલુભા ચુડાસમા, પૂર્વ ધારાસભ્યશ્રી બાલકૃષ્ણ પટેલ, શ્રી સતીષભાઇ પટેલ (ખેરવાડી), સરપંચો,જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો, પક્ષના પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરી, જિલ્લા પોલીસવડા શ્રી સૌરભ તોલંબીયા, અન્ય અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com