તાજેતરમાં જુનાગઢમાં થયેલ ૧૮ કિલો સોનાની લુંટનો ભેદ ઉકેલી આરોપી ઝડપી પાડનાર પોલીસકર્મીની ટીમનું સન્માન કરાયું
જુનાગઢ ગત તારીખ ૧૪નાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનાં હસ્તે જુનાગઢ શહેરની મધ્યમાં દાતાર રોડ પર આવેલ પોલીસ લાઈન કોલોનીમાં ૧૪.૭૫ કરોડના ખર્ચે નિર્મિત ૧૨૦ મકાનોનું લોકાર્પણ અને પોલીસ કર્મચારીઓના પરીવારને ચાવી અર્પણ કરવામાં આવી હતી.
મંત્રીશ્રીએ તકતી અનાવરણ કરી બાદમાં રીબીન કાપીને આવાસનું લોકાર્પણ કરી આવાસ નિર્માણકાર્યની મુલાકાત લીધી હતી. બાદમાં પોલીસ પરીવારનાં બાળકો માટે નિર્મિત આંગણવાડી ભવનની મુલાકાત લઈ બાંધકામ અને વ્યવસ્થા સંબંધે માહિતી મેળવી હતી. બાદમાં મંત્રીશ્રી જુનાગઢ કૃષિ યુનિ.ઓડિટોરીયમ ખાતે જુનાગઢનાં પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓનું સન્માન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જુનાગઢમાં પ્રતિષ્ઠીત પેઢી ચોકસી વચ્છરાજ મકનજી એન્ડ કાૃંના રૂ.૫.૭૫ કરોડની કિંમતના ૧૮ કિલો સોનાની લુંટનો ભેદ ૨૪ કલાકમાં ઉકેલનાર પોલીસ અધિ/કર્મચારીને મંત્રીશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જુનાગઢના મેયર સુશ્રી આદ્યાશકિતબેન મજમુદાર, નાયમ મેર ગીરીશભાઈ રેજન આઈ.જી.સુભાષ ત્રિવેદી, કલેકટર સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, આસી.કલેકટર ગંગાસિંહ, શહેર અગ્રણી શશીભાઈ ભીમાણી, કિરીટભાઈ પટેલ સહિત ગણમાન્ય અધિકારી અને પદાધિકારીની ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત જુનાગઢનાં નગરજનો અને પોલીસ બેડાના જવાનોને સંબોધતા મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે, કર્તવ્યનિષ્ઠ અને કાર્યદક્ષ અધિકારીઓને સન્માનિત કરવાના આ પ્રસંગે ઉપસ્થિત રહેવાની તકથી હું ખુશી અનુભવું છું જે કાયદાનું રક્ષણ કરશે તેનું કાયદો રક્ષણ કરશે. ગુજરાતમાં શાંતી અને સલામતીના કારણે જ ઉધોગો અને વ્યવસાયોનો વિકાસ થયો છે અને મુડી રોકાણો કરવા ઉધોગગૃહો પ્રેરાયા છે.
આ તકે લુંટનો ભોગ બનનાર ચોકસી વચ્છરાજ મકનજી એન્ડ કા.ના નટુભાઈ ચોકસીએ પ્રાસંગિક આભાર પ્રવચનમાં પોલીસ વિભાગની સરાહનીય કામગીરીનાં ભારોભાર વખાણ કરી અભિનંદન પાઠવી પોલીસ વેલફેર ફંડમાં રૂ.૨.૫૧ લાખની ધનરાશીનો ચેક મંત્રીને અર્પણ કર્યો હતો. આ તકે નટુભાઈએ મહિલાઓના ચેઈન સ્કેચિંગની ઘટના નિવારવા મહિલા પોલીસને ફરજના ઉપયોગી થાય તે માટે નવ જેટલા સ્કુટરો આપવાની જાહેરાત કરી હતી.
તત્કાલીન પોલીસ અધિક્ષક નિલેષ જાજડીયા, નાયબ પોલીસ અધિક્ષક રાણા, ઈન્સ્પેકટર ગોહિલ અને લકકડ તથા પોલીસ જવાનોનું નટુભાઈ ચોકસીએ બહુમાન કર્યા બાદ મંત્રીના હસ્તે મોમેન્ટો પ્રશરતી પત્ર એનાયત કરી પોલીસ બેડાની શાન વધારનાર સૌ જવામર્દોનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ જુનાગઢ શહેરમાં સુજલામ-સુફલામ યોજનામાં સારું કાર્ય કરનાર વોર્ડ નં.૧ના નગરસેવક ભુપતભાઈ શેઠીયા, વોર્ડ નં.૧૫ના રાકેશભાઈ ઘુલેશીયા, વોર્ડ નં.૬ના હિમાંશુભાઈ પંડયાનું બહુમાન કર્યું હતું. સન્માન પ્રતિભાવ વકતવ્યમાં મહેસાણાના પોલીસ અધિક્ષક નિલેષ જાજડીયાએ જુનાગઢની સેવા સમયને સુવર્ણ સમય ગણી સૌ સ્ટાફની
સહકારી ભાવનાને બિરદાવી લુંટના સમયની ઘટનાઓ અને પોલીસ જવાનોની સરાહનીય કામગીરીનાં અનુભવને વર્ણવી સન્માન બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.