સર્જરી સફળ બાદ તબિયત સુધારા પર હોવાનું તબીબોનું નિવેદન

ગુજરાત સરકારના ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા ગળાના કેન્સરની બિમારીથી પિડાય રહ્યા હોય ગઈકાલે સાંજે તેઓને અમદાવાદની એચસીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સોમવારે સાંજે તેઓના ગળાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ સફળ સર્જરી બાદ ગૃહમંત્રીની તબિયત સુધારા પર હોવાનું મેડિકલ બુલેટીનમાં જણાવવામાં આવ્યું છે.

રાજય સરકારનાં ગૃહમંત્રી તરીકે જવાબદારી નિભાવતા પ્રદિપસિંહ જાડેજાની તબિયત થોડા સમયથી ખરાબ રહેતી હોય અલગ અલગ રિપોર્ટ કરાવ્યા બાદ તેઓ ગળાના કેન્સરની બિમારીથીપીડાતા હોવાનું માલુમ પડયુ હતુ. દરમિયાન ગઈકાલે સોમવારે તેઓનો અમદાવાદની એચસીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં નિષ્ણાંત તબીબો દ્વારા તેઓનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. કલાકો સુધી ચાલેલુ આ ઓપરેશન સફળ રહ્યું હતુ સફળ સર્જરી બાદ પ્રદિપસિંહ જાડેજાની તબિયત સુધારાપર હોવાનું અને તબિયતમાં સતત સુધારો થઈ રહ્યાનું તબીબોએ જણાવ્યું હતુ.

પ્રદિપસિંહ જાડેજાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની વાત વાયુવેગે ફેલાતા એચસીજી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ કાર્યકરો તથા જાડેજાના સમર્થકો ઉમટી પડયા હતા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેબીનેટ મંત્રી તથા રાજય કક્ષાના મંત્રીઓએ ગૃહમંત્રીની તબીયતની પૂછપરછ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.