ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરજણ તાલુકાના કંડારી ગામે સ્વામિનારાયણ ગુરુકુળ પરિસરમાં ઔષધીય મહત્વ ધરાવતો બોરસલીનો રોપ વાવીને વડોદરા જિલ્લાના ૭૧માં વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
સામાજિક વનીકરણ વિભાગ, વડોદરા આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ અને ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ સહિત પદાધિકારીઓ અને વન વિભાગના એસ.કે. ચતુર્વેદી અને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યુ હતુ.
મંત્રીએ જિલ્લા વહીવટીતંત્ર વતી કરજણ તાલુકાના ગામો માટે અતિ વરસાદ અને પૂર પ્રસંગે બચાવ અને રાહતના ઉપયોગી બની રહેનારી ડિઝલ બોટ તાલુકા પંચાયતને અર્પણ કરી હતી. રૂ.૧૦ લાખના ખર્ચે બે બોટની વ્યવસ્થા જિલ્લા ખનીજ સંપદા ભંડોળમાંથી કરવામાં આવી છે.
રાજ્ય સરકારના ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં વન મહોત્સવોનું ખૂબ મોટું યોગદાન છે એવી લાગણી વ્યક્ત કરતા ગૃહમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે વન મહોત્સવની કાયાપલટ કરી અને એને વધુ વૃક્ષદાયક બનાવ્યો. રાજ્ય સરકારે પણ પર્યાવરણના જતનને ટોચ અગ્રતા આપી છે. પ્રધાનમંત્રીએ રામલલ્લાના મંદિરના શિલાન્યાસનો પ્રારંભ પારિજાતના પવિત્ર રોપને વાવીને કરાવ્યું એ દર્શાવે છે કે, વૃક્ષો ભારતના સમાજ જીવન, સંસ્કૃતિ અને ધર્મ પરંપરામાં ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. તેમણે સરકારી કર્મચારીઓ પોતાની કચેરી પરિસરમાં વૃક્ષો વાવે અને ઉછેરે એવો ખાસ અનુરોધ કર્યો અને કોરોના સામે લોક આરોગ્યના રક્ષણની રાજ્ય સરકારની કામગીરીની વિગતવાર જાણકારી આપવાની સાથે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર અને કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવી હતી.
તેમણે સુશાસનના યશસ્વી ચાર વર્ષ પૂરા કરવા માટે મુખ્યમંત્રીને હાર્દિક અભિનંદન આપ્યા હતા. મંત્રીએ રાજ્યના મુખ્યમંત્રીના અનુરોધને ઉપાડી લઈને વડોદરા જિલ્લાની નર્મદા, મહીસાગર, ઢાઢર, વિશ્વામિત્રી જેવી નદીઓના કાંઠે સીડબોલ વિખેરીને કુદરતી વૃક્ષ ઉછેરને પ્રોત્સાહિત કરવાના અભિગમ માટે સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાને અભિનંદન આપ્યા હતા. તેમણે વડોદરા જિલ્લામાં વન વિભાગ દ્વારા વન મહોત્સવ હેઠળ ૨૪ લાખથી વધુ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે ત્યારે લોકો અને સંસ્થાઓ પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષ ઉછેરમાં જોડાય એવો ખાસ અનુરોધ કર્યો હતો.
ગુજરાત એગ્રોના અધ્યક્ષ અને ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે કોરોના નિયંત્રણની દેશની અને રાજ્ય સરકારની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, તેમના નિગમ દ્વારા ખેડૂતોની મુશ્કેલીઓ નિવારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પ્રસંગે પોતાના ખેતરમાં વૃક્ષ ઉછેર એટલે કે વૃક્ષ ખેતીની ઉમદા કામગીરી કરનારા ખેડૂતોનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ,વડોદરાના નાયબ વન સંરક્ષક વિનોદ ડામોરે મહેમાનોને આવકાર્યા હતા અને કાર્યક્રમના અંતે પરિક્ષેત્ર વન અધિકારી નિધિ દવેએ આભાર માન્યો હતો.