- હર્ષ સંઘવી દ્વારા સભાસ્થળ પ્રદર્શન મેદાનની મુલાકાત લેવામાં આવી
- બેઠકમાં વડાપ્રધાનની સભાને લઈ ચર્ચા કરવામાં આવી
જામનગર ન્યૂઝ : આગામી બીજી મેના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે આવ્યા હતા. જામનગરની મુલાકાતે આવેલા હર્ષ સંઘવી દ્વારા સભાસ્થળ પ્રદર્શન મેદાનની મુલાકાત લેવામાં આવી હતી. આ તકે તેમના દ્વારા રાજ્યના કેબિનેટ મંત્રી મુળુ બેરા, રાઘવજી પટેલ, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડિલુ સહિતના સાથે બેઠક કરવામાં આવી હતી.
સુરક્ષા અંગે બેઠક કરી
બેઠકમાં વડાપ્રધાનની સભાને લઈ ચર્ચા કરવામાં આવી હતી તો સાથોસાથ સુરક્ષા ને લઈને પણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. જામનગર પહોંચેલા હર્ષ સંઘવી દ્વારા સ્થાનિક ક્ષત્રિય સમાજના લોકો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. તેમજ જામનગર લોકસભા બેઠક ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમ માડમના નિવાસ્થાને પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં રાહુલ ગાંધી દ્વારા રાજા રજવાડાઓ અંગે જે નિવેદન આપવામાં આવ્યું છે તેને ખૂબ જ દુઃખદ ગણાવ્યું છે. તો સાથે જ કહ્યું હતું કે ચૂંટણી વખતે આ પ્રકારના નિવેદન માટે કોંગ્રેસના યુવરાજ ફેમસ છે.
ડ્રગ્સ મામલે તમામ એજન્સીઓને તેમજ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા
ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ તેમજ એનસીબી દ્વારા જે પ્રકારે બે દિવસમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ત્યારે જામનગર આવી પહોંચેલા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ એજન્સીઓને તેમજ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ડ્રગસના મોટા જથ્થાને પકડી શ્રીલંકા ભારત કે અન્ય દેશમાં જતું અટકાવવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે. ગુજરાતના દરિયાઈ માર્ગેથી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે ગુજરાત પોલીસ તેમજ કેન્દ્રની એજન્સી સાથે મળીને સંયુક્ત ઓપરેશન કરી રહી છે.
સાગર સંઘાણી