- ગોધરાકાંડ પર આધારિત ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મના કલાકારો સાથે ગૃહમંત્રી અમિત શાહે કરી મુલાકાત
- સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ટીમને સત્ય ઉજાગર કરવા બદલ પાઠવ્યા અભિનંદન
ગુજરાતના ગોધરાકાંડ પર આધારિત ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ આ દિવસોમાં ચર્ચામાં છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે મુલાકાત કરી હતી. તેમાં લીડ એક્ટર વિક્રાંત મેસી, ડિરેક્ટર એકતા કપૂર અને રાશિ ખન્ના સામેલ હતા. આ સાથે અત્યાર સુધીમાં આ ફિલ્મ ગુજરાત, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી થઈ ચુકી છે.
આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લાગવાની ઘટના પર આધારિત છે. અયોધ્યાથી પરત ફરી રહેલા ઓછામાં ઓછા 59 હિંદુ શ્રદ્ધાળુઓ સળગીને મૃત્યું પામ્યા હતાં. આ ઘટના બાદમાં રાજ્યમાં હચમચ થઈ ગઈ હતી.
આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકતા કપૂર, વિક્રાંત મેસી અને અન્ય કલાકારો સાથે વાતચીત કરી હતી. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં ગૃહમંત્રીએ લખ્યું હતું કે તેઓ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની ટીમને મળ્યા અને સત્ય બહાર લાવવાની હિંમત બદલ અભિનંદન પાઠવ્યા. તેમજ તેમણે આગળ લખ્યું છે કે, “આ ફિલ્મ જૂઠાણા અને ભ્રામક તથ્યોને ઉજાગર કરે છે અને તે સત્યને બહાર લાવે છે, જે રાજકીય હિતોને પૂરા કરવા માટે લાંબા સમયથી દબાવી દેવામાં આવ્યું હતું.”
આ દરમિયાન મહત્વપૂર્ણ છે કે, આ પહેલાં ફિલ્મ એકતા કપૂરે તેમના પિતા જીતેન્દ્ર સાથે ગુજરાતની મુલાકાત લીધી હતી અને રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ સાથે ફિલ્મ નિહાળી હતી ત્યાર બાદ ગુજરાતમાં આ ફિલ્મને કરમુક્ત કરવામાં આવી હતી.