કચ્છડો બારે માસ….
નેનો ડીએપી ખાતર ક્ષેત્રે વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરશે: ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી થયા ભાવ વિભોર
નેનો ડી.એ.પી. થી જમીન સંરક્ષણ, ખાતરની આયાત ઘટશે, ખેડુતની આવક વધશે, કૃષિ ક્ષેત્રે દેશને આત્મ નિર્ભર બનાવવાનું વડાપ્રધાનનું સપનું થશે સાકાર: અમિત શાહ
કૃષિ પ્રધાન ભારતને ખેતીના સંપૂર્ણ આત્મ નિર્ભર બનાવવાના પ્રયાસોમાં સિમાચિન્હ બનનાર પ્રવાહી નેનો ખાતરનું સ્વપ્ન સાકાર કરતું નેનો ડી.એ.પી.નો વિશ્વનો પ્રથમ પ્લાન્ટ કચ્છમાં શરૂ થશે.કેન્દ્રીય ગૃહમંત્રી તથા સહકાર મંત્રી, અમિતભાઈ શાહે આજે ગાંધીધામ-કંડલામાં ઇફ્કો ખાતે 350 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા વિશ્વના પ્રથમ નેનો ડી.એ.પી. (પ્રવાહી) પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સહકારી ક્ષેત્રે જોડાયેલા ખેડૂતોને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાં સહકારના માધ્યમથી ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના નિર્ધાર સાથે વડાપ્રધાનશ્ર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય સાથે નવી હરિયાળી ક્રાંતિ શરૂ થઈ છે.
જ્યારે પેક્સના માધ્યમથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા આગામી પાંચ વર્ષમાં નવા 3 લાખ પેક્સ (પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી) બનાવવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો. ઈફકો પરિસરમાં નેનો ડી.એ.પી. (પ્રવાહી) પ્લાન્ટનો શિલાન્યાસ કર્યા બાદ કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારિતા મંત્રાલય બનાવ્યા પછી દેશના ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો જે લક્ષ્યાંક રાખ્યો છે, તેમાં આજે ઈફકો પણ આ પ્લાન્ટના માધ્યમથી જોડાયું છે.
ઈફકોના નવા પ્રવાહી ખાતરથી અનેકવિધ ફાયદા ખેડૂતો તથા ખેતિક્ષેત્રને થશે. તેનાથી ધરતી માતા સુરક્ષિત થશે, જમીનમાં કેમિકલ અને ઝેર નહીં ભળે, ખેડૂતો સામે આજે જમીનને ફળદ્રુપ રાખવાનો જે પડકાર છે, તેમાંથી મુક્તિ મળશે. નેનો ડી.એ.પી. જમીનમાં નથી ઉતરતું, માત્ર છોડમાં જ રહે છે. તેનાથી પાણી પણ પ્રદૂષિત નહીં થાય, ઉત્પાદન વધશે. વળી, તેનો ભાવ ઓછો હોવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે. તેનાથી કેન્દ્ર સરકાર પર સબસિડીનો બોજ ઘટશે, યુરિયા ખાતરની આયાત ઘટશે અને ભારતને કૃષિ તથા ખાતર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લક્ષ્ય છે, તેમાં મદદ મળશે.
આ સાથે આવનારા પાંચ વર્ષમાં 3 લાખ નવા પેક્સ રજિસ્ટર કરી કૃષિ ક્ષેત્રને મજબૂતીની નવી ઊંચાઈ આપવામાં આવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ સાથે પેક્સમાં કૃષિ પેદાશોને સ્ટોરેજની નવી સિસ્ટમ ઊભી કરવામાં આવશે. જેનાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચી જશે. જેનો સીધો ફાયદો કિસાનોનો થશે તેમ કેન્દ્રીય સહકાર મંત્રીશ્રી અમિત શાહે જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ રૂ. 350 કરોડના ખર્ચે ઇફ્કોના નિર્માણ થનાર પ્લાન્ટ અંગે વિગતે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી એક વર્ષમાં ત્રણ તબક્કામાં પ્રોડક્શન યુનિટ શરૂ થઈ જશે. આ યુનિટમાં 500 એમ.એલ.ની બે લાખ બોટલ પ્રતિદિન ઉત્પાદિત થશે. વર્ષે છ કરોડ નેનો ડી.એ.પી. બોટલના ઉત્પાદનથી છ કરોડ ડી.એ.પી ખાતરની બોરીઓની આયાત નિવારી શકાશે અને ખાતર ઉપર સરકાર દ્વારા અપાતી 10 હજાર કરોડની સબસિડીનો બોજ પણ ઘટશે. જો કે આ સબસિડીથી બચેલી રકમ આખરે ખેડૂતો માટે જ ઉપયોગમાં લેવાશે. આજે સહકારી ક્ષેત્ર ખાતર વેચાણમાં મજબૂત સ્તંભ બનીને ઊભો છે. નેનો ડી.એ.પી.ના ઉત્પાદનથી તે વધુ શક્તિશાળી બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.
ઈફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પ્રાસંગિક પ્રવચનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઇ શાહ દ્વારા ઇફકો સહિત સહકારી ક્ષેત્રને આપવામાં આવેલા સહયોગની સરાહના કરી હતી. ઇફકો દ્વારા ઉત્પાદિત થનાર નેનો ડી.એ.પી. થકી ભારતનું નામ સમગ્ર વિશ્વમાં ફર્ટિલાઇઝર ક્ષેત્રે રોશન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. સહકારથી સમૃદ્ધિ માત્ર સ્લોગન નથી પરંતુ તેને સાર્થક કરવા માટે સહકારી ક્ષેત્રમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા અથાગ પ્રયત્નોની તેમણે આ તકે વાત કરી હતી. ઇફકો દ્વારા ભૂકંપ, વાવાઝોડું કે કોરોના સહિત કુદરતી આફતો ઉપરાંત સામાજિક ક્ષેત્રે કરવામાં આવતી મદદનો પણ આ તકે ખાસ ઉલ્લેખ કરી ઇફકોની કામગીરી બિરદાવી હતી.
ગુજરાતના સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દેશની નવી હરિતક્રાંતિની દિશામાં નેનો પ્રવાહી ડી.એ.પી.નું ઉત્પાદનએ મોટું પગલું સહકારિતાના માધ્યમથી લેવાઈ રહ્યું છે. તેનાથી ખેડૂતોની સમૃદ્ધિ વધશે, જમીનને નુકસાન પહોંચતું અટકશે. તેમણે આવનારા દિવસોમાં કૃષિ ક્ષેત્રની નેનો ટેકનોલોજીની વિશ્વમાં નિકાસ કરીશું તેમજ ગુજરાત સહકારિતા ક્ષેત્રે દેશભરમાં મોડેલ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ઈફકોના મેનેજિંગ ડિરેક્ટરશ્રી ઉદય શંકર અવસ્થીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય,, માલતીબેન મહેશ્વરી, ઇફકો તેમજ સહકારી ક્ષેત્રના વિવિધ અગ્રણીઓ, ખેડૂતો, મહિલાઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પૂર્વે કંડલા એરપોર્ટ પધારેલા દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીઅમિત શાહનું વિવિધ અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉમળકાભેર પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ પારૂલબેન કારા, ધારાસભ્યો સર્વ માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા, કેશુભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ દવે, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, અગ્રણી દેવજીભાઈ વરચંદ, રેન્જ આઇ.જી. જે. આર. મોથાલિયા, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર, અંજાર પ્રાંત અધિકારી મેહુલભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓએ કેન્દ્રિય ગૃહમંત્રીને હર્ષભેર આવકાર્યા હતા.