- શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેક સાગર સ્વામી એ અમિત શાહને હનુમાનજી મહારાજની ચાંદીની મૂર્તિ અર્પણ કરી હતી.
સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વના દરેક આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે લોકાર્પણ કર્યું હતું. જે બાદ ગૃહમંત્રી અમિત શાહે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી સમક્ષ શિશ ઝૂકાવ્યું હતું અને દાદાની વિશેષ શોડષોપચાર પૂજા કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હાલ ગુજરાતના પ્રવાસ પર છે. દરમિયાન તેમણે બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ સાળંગપુર (Salangpur) કષ્ટભંજન હનુમાનજી મંદિરના પ્રાંગણમાં 1100 રૂમના ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું (Gopalanand Swami Yatrik Bhawan) લોકાર્પણ કર્યું છે. કહેવાય રહ્યું છે કે, આ યાત્રિક ભવન આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલુ 7 સ્ટાર હોટેલને ટક્કર આપે તેવું યાત્રિક ભવન છે. ગૃહમંત્રી અમિત શાહની સાથે ભાજપના ઘણા નેતાઓ પણ ઉપસ્થિત હતા.
આ ઉપરાંત કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના ઘણા નેતાઓ હનુમાનજીના યજ્ઞમાં પણ સહભાગી થવા જઈ રહ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં હિંદુ શ્રદ્ધાળુઓ પણ યજ્ઞમાં સહભાગી થવાના છે.
નોંધવા જેવું છે કે, સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં ₹200 કરોડથી વધુના ખર્ચે સોલર સંચાલિત 1100 રૂમ સાથે ગુજરાતનું સૌથી વધુ રૂમવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થયું છે. તેની ડિઝાઇન હનુમાનજીના ખોળા જેવી કરવામાં આવી છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, સૌથી પહેલા આજે ગુજરાતના સૌ નાગરિકોને દીપાવલીની ખુબ ખુબ શુભકામનાઓ આપી મારી વાતની શરૂઆત કરું છું. હું સંસ્થાનો પણ ખૂબ આભાર માનું છું આમ તો તમે કાળી ચૌદસ એ આવો તો દાદાના દર્શન થાય બધા કષ્ટોનું હરણ થાય અને દીપાવલીના દિવસે આવો તો દાદાના ઐશ્વર્યનું તારા પુણ્ય મુજબ ફળ તમારા ખાતામાં જમા થાય. આજે કાળીચૌદસ, રૂપચૌદસ અને દિપાવલી એક જ દિવસે છે. તમે મને અહીં બોલાવી દાદાના આશીર્વાદ મારા સમગ્ર પરિવાર સાથે લેવાનો મોકો આપ્યો એટલે હું તમારો આભાર માનું છું.
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન એકદમ ગ્રીન કહી શકાય એવું છે.અહીં દૂર-દૂરથી પહોંચતા લોકો આ યાત્રિક ભવનમાં રોકાઈ નિર્વિઘ્ને દાદાના દર્શનનો લ્હાવો લઈ શકશે. દાદાના ખજાનામાં કમી નથી. આ વિશાળ યાત્રિક બે વર્ષમાં કામ પૂરું થયું છે. અહીં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દરેકના દુખ દૂર કરે છે. મારી વાત કરું તો મારા જીવનમાં જ્યારે મુશ્કેલી અને ચિંતા આવી ત્યારે દાદા સમક્ષ શિશ ઝૂકાવ્યું અને તે ચિંતા મુશ્કેલી દૂર થઈ છે. ગોપાળાનંદ સ્વામીના નામથી બનેલું આ યાત્રિક ભવન વર્ષો સુધી અહીં યુગ-યુગ સુધી લોકોને આશરો આપશે. આ કષ્ટભંજન દેવનું સ્થાન યુવાઓમાં પ્રેરણાનું સ્થાન બન્યું છે.
ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની વિશેષતા
સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદાના દર્શન લાખો ભક્તો ઊમટી રહ્યા છે. આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.