મનહર પ્લોટ જૈન સંઘમાં પૂ.નમ્રમુનિ મ.સા.ની પાવન પધરામણી: ચતુર્વિધ સંઘનું મિલન અને સંઘ ભાવવિભોર
રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. અને તેઓના પ્રથમ શિષ્ય સ્વાધ્યાયપ્રેમી પૂ.પિયુષમુનિ મ.સા.એવમ્ પૂ.મુકત લીલમ ગુરુણીના સુશિષ્યાઓ ડો.પૂ.ડોલરબાઈ મ., પૂ.પૂર્વિબાઈ, સુપૂર્વિબાઈની પ્રેરક ઉપસ્થિતિ અને બૃહ રાજકોટના સમસ્ત સંઘોના પ્રમુખો, જૈન શ્રેષ્ઠીઓ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહની સવિશેષ હાજરીમાં મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ શેઠ પૌષધશાળાના પાવન પ્રાંગણે શાસન અરૂણોદય પૂ.નમ્રગુરુદેવની પાવન પધરામણી થતા સકલ સંઘમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો. વિરાણી સ્કૂલ ચોકથી જ ૪૭૦ ભાવિક ભકતો સંઘશ્રેષ્ઠીઓ વિ.ની.અનુપમ ઉપસ્થિતિથી સ્વાગત ભાવયાત્રાનો પ્રારંભ થયો હતો. રસ્તામાં ઠેર-ઠેર સંઘ વતી મારૂદેવીમાતા, ઈન્દ્ર ઈન્દ્રાણી સંત-સતીજીઓના પાત્રમાં બહેનો તથા બાળકોએ તેમજ મહિલા મંડળના કળશધારી બહેનોએ રંગોળીના રંગોથી સાથીયા પુરી ઉષ્માભેર સદગુરુ ભગવંતોનું સ્વાગત કર્યું હતું.
આ તકે યુગદિવાકર દીક્ષા દાનેશ્ર્વરી પૂ.નમ્રમુનિ મ.સા.એ ફરમાવ્યું કે ઘર ફલેટ વ્યકિત સંઘ કે સંસ્થા ભલે નાની હોય પરંતુ તેઓનો પ્રેમ વિશાળ હોવો તે અગત્યનું છે. આ પ્રસંગે માતબર પ્રભાવનાને લાભ સંઘમાતા અનસુયાબેન મોદી પરિવાર, સ્વ.મધુકાન્તાબેન વિનયચંદ્ર ગોસલીયા, લાભુબેન હસમુખભાઈ શાહ પારસ ટ્રેકટર્સ, મહેન્દ્રભાઈ વી.મહેતા ડીઝલ ઓટો સેન્ટર, હેમાબેન ડોલરભાઈ કોઠારી, નિલાબેન શશીકાન્તભાઈ દોશી અને સંઘ સંચાલિત યુવા ગ્રુપે લીધો હતો. આ અવસરને સંઘ પ્રમુખ ડોલરભાઈ કોઠારી, ચંદ્રકાન્તભાઈ શેઠ, બકુલભાઈ મહેતા, મુકુંદભાઈ મહેતા, રજનીભાઈ મહેતા, જીતેન્દ્રભાઈ અજમેરા, મહિલા પાંખના ચંદ્રીકાબેન અને પ્રીતિબેન દફતરી, યુવા પાંખના રાજેન્દ્ર વોરા, જયેશ માટલીયા, તુષાર અદાણી, કાર્તિક કોઠારી, જયદત સંઘાણી, સચિનભાઈ સંઘવી, સમીર શાહે યાદગાર બનાવ્યો હતો.