ડિફોલ્ટના કિસ્સામાં પઝેશન મામલે બેંક કરતા ઘર ખરીદનારને વધુ પ્રધાન્યતા આપવા સુપ્રિમનો આદેશ
અબતક, નવી દિલ્લી
ઘર ખરીદનારાઓના હકમાં સુપ્રીમ કોર્ટ એક ખૂબ મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, જો કોઈ રિયલ એસ્ટેટ કંપની લોનની ચુકવણીમાં ડિફોલ્ટ કરે છે અને ઘર ખરીદનારાઓને પઝેશન આપવામાં સક્ષમ ન હોય તો આવા કિસ્સાઓમાં ઘર ખરીદનારાઓને પ્રાધાન્યતા મળવી જોઈએ.સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો કોઈ રિયલ એસ્ટેટ કંપની ડિફોલ્ટર સાબિત થાય છે, તો ઘર ખરીદનારાઓને બેંકો કરતાં પ્રાથમિકતા મળવી જોઈએ. કોર્ટે કહ્યું કે, જો રિયલ એસ્ટેટ કંપની બેંક લોન ચૂકવવામાં સક્ષમ ન હોય અને ઘર ખરીદનારાઓને પઝેશન પણ ન આપી રહી હોય તો આવા મામલામાં ઘર ખરીદનારાઓએ ધ્યાન આપવું જોઈએ.
કોર્ટના આ નિર્ણયથી લાખો ઘર ખરીદનારાઓને રાહત મળી છે. સરકારે ઘર ખરીદનારાઓને નાદારી અને નાદારી કોડમાં લેણદારોની સમિતિનો એક ભાગ બનાવ્યો છે. લેણદારોની સમિતિ ડિફોલ્ટ કંપનીના ભાવિ અંગે નિર્ણય લે છે. જો કે, લિક્વિડેશનની બાબતમાં તેમને હજુ પ્રાધાન્ય આપવામાં આવ્યું ન હતું. જેના કારણે બિલ્ડર ડિફોલ્ટ થતાં બધુ લૂંટાઈ ગયું હતું. કોર્ટના નિર્ણય બાદ હવે ઘર ખરીદનારાઓને લિક્વિડેશનમાં પણ પ્રાધાન્યતા મળી છે.
જસ્ટિસ એમ.આર. શાહ અને બી.વી. નાગરત્નની બેન્ચ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની અપીલ પર સુનાવણી કરી રહી હતી. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે, જો કોઈ રિયલ એસ્ટેટ કંપની ડિફોલ્ટ કરે છે અને બેંક સુરક્ષિત લેણદાર તરીકે તે મિલકતનો કબજો લે છે, તો બિલ્ડર અથવા પ્રમોટર રેરાને ફરિયાદ કરી શકે છે. હાઈકોર્ટના આ નિર્ણય સામે યુનિયન બેંકે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેને ફગાવી દેવામાં આવ્યો હતો.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે, બેંકો રેરા કાયદાના દાયરામાં આવતી નથી, કારણ કે તેઓ તેના પ્રમોટર્સ નથી. આવી સ્થિતિમાં જો બેંક પોતાની રીતે લોનની વસૂલાત કરે છે, તો રેરાને દખલ કરવાનો અધિકાર નથી. જ્યારે રિયલ એસ્ટેટ કંપની સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરી શકતી નથી અને લોનની ચુકવણીમાં પણ ડિફોલ્ટ થાય છે ત્યારે ઘર ખરીદનારાઓ અને બેંકો વચ્ચે હંમેશા સંઘર્ષ થાય છે. આવી ઘટનાઓ પછી બેંક અને ઘર ખરીદનારા બંને કોર્ટનો આશરો લે છે.બેંકની વાત કરીએ તો તેની પાસે લોન રિકવરી માટે ઘણા સાધનો છે. આમાં આઈબીસી એટલે કે નાદારી અધિનિયમ અને સરફેસી (ફાઇનાન્સિયલ એસેટ્સનું સિક્યોરિટાઇઝેશન એન્ડ રિ-ક્ધસ્ટ્રક્શન એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ) જેવા કાયદાનો સમાવેશ થાય છે. રાજસ્થાન હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, જો કોઈ બેંક પ્રમોટરના ડિફોલ્ટ પર કોઈ પ્રોજેક્ટનો કબજો લે છે, તો પ્રમોટર તેના વિશે રેરાને ફરિયાદ કરી શકે છે.