- આઠ માસ પૂર્વે તબીબ દંપતિના પુત્રના અપહરણનો પ્લાન ઘડવામાં આવ્યો હતો, પાંચની ધરપકડ: બે શખ્સોની શોધખોળ
- અપહરણમાં નિષ્ફળ રહ્યા બાદ લીંબડી જઇ ડમી નામે લીધેલા સીમ કાર્ડથી રૂા.80 લાખની ખંડણી મુંબઇ પહોંચતી કરવા ધમકી દીધી’તી
- એક માસથી રેકી કર્યા બાદ અપહરણના પ્રયાસ પૂર્વે એક કલાકે ઇક્કો કારમાં રેકી કયાં રસ્તે ભાગવાનો કાવત્રુ ઘડ્યાની કબૂલાત
- તરૂણના મોબાઇલમાં આવેલા નંબર અને સીસીટીવી ફુટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓને પકડવામાં મળી સફળતા
શહેરના નિર્મલા રોડ પર આવેલી નાગરિક સહકારી બેન્ક સોસાયટીમાં ગઇકાલ રાતે તબીબ દંપત્તીના એકના એક પુત્રનું ઇક્કો કારમાં અપહરણનો પ્રયાસ થયાનો ગુનો પોલીસમાં નોંધાતા મોબાઇલ નંબર અને સીસીટીવી ફુટેજની મદદથી અપહરણકારનું પગેરૂ દબાવી અપહરણના ગુનામાં સંડોવાયેલા પાંચ શખ્સોને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. પાંચેય શખ્સોની પૂછપરછ દરમિયાન રાજકોટના બે શખ્સોના ઇશારે તબીબ દંપત્તીના પુત્રનું અપહરણ કરી રૂા.80 લાખની ખંડણી પડાવવાનો આઠ માસ પહેલાં પ્લાન બનાવી એક માસ સુધી રેકી કરી અંજામ આપ્યાની અને અપહરણ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ લીંબડી જઇ ડમી નામે લીધેલા સીમ કાર્ડમાંથી બે વખત ડો.જીજ્ઞેશભાઇ સાથે મોબાઇલમાં વાત કરી ખંડણીની રકમ મુંબઇ પહોચાડવા ધમકાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નિર્મલા રોડ પર આવેલી નાગરિક સહકારી બેન્ક સોસાયટી શેરી નંબર 1માં રહેતા રોહિત જીજ્ઞેશભાઇ ખંઘેડીયા નામના 16 વર્ષના લોહાણા તરૂણનું ગતરાતે સવા દસેક વાગે ઇક્કો કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ નાગરિક સહકારી બેન્ક સોસાયટીમાં રોહિતના મકાન નજીક આવી મોબાઇલમાં વાત કરી પોતે બ્લુ ડાર્ટ કુરિયર સર્વિસમાંથી બોલુ છુ અને તમારૂ કુરિયર આવ્યું છે. પોતે તેના મકાન પાસે ઉભા હોવાનું જણાવ્યું હતું.
મોબાઇલમાં વાત કરી રોહિત કુરિયર લેવા માટે મકાનની નીચે ગયો ત્યારે તેના મકાન પાસે ઇક્કો કાર ઉભી હતી. તેમાંથી બે શખ્સો નીચે ઉતરી બળજબરીથી રોહિત ખંઘેડીયાને કારમાં બેસાડવા પ્રયાસ કર્યો હતો. અને એક શખ્સે કાર ચાલુ રાખી હતી. રોહિત ખંઘેડીયાએ તે દરમિયાન રોહિતે બુમાબુમ કરતા આજુબાજુના રહીશો એકઠા થઇ જતા ત્રણેય શખ્સો ઇક્કો કાર લઇ ભાગી ગયા હતા.
રૈયા ગામ પાસે પ્રીમયર સ્કૂલમાં ધોરણ 11માં સાયન્સમાં અભ્યાસ કરતા રોહિત ખંઘેડીયાના અપહરણના થયેલા પ્રયાસ અંગે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી.વી.બસીયા, ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. વાય.બી.જાડેજા, જે.વી.ધોળા, એએસઆઇ પ્રતાપસિંહ ઝાલા કિરતસિંહ ઝાલા, નગીનભાઇ ડાંગર અને સંજયભાઇ રૂપાપરા સહિતના સ્ટાફે પોલીસે ઇક્કો કારના સીસીટીવી ફુટેજ મળી આવતા પગેરૂ દબાવ્યું છે. બીજી તરફ રોહિતના મોબાઇલમાં આવેલા નંબરના આધારે ટેકનિકલ સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્રણેય અપહરણકાર નંબર પ્લેટ વિનાની ઇક્કો કાર લઇ નિર્મલા રોડ થઇ ભાગ્યાનું જણાતા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી કાર કંઇ તરફ પહોચી તે અંગે પોલીસ દ્વારા પગેરૂ દબાવી અપહરણના ગુનામાં સંડોવાયેલા રાજકોટના કેવલ રમેશભાઇ સંચાણીયા, પાટડીના સુશીયા ગામના સંજય કાંતીભાઇ ઠાકોર, પાટણ જિલ્લાના શંખેશ્ર્વર પાસેના ખંડીયા ગામના સુરેશ બચુજી ઠાકોર, સંજય મનજી ઠાકોર અને અમદાવાદ પાસેના માંડલના વરમોર ગામના ચિરાગ દેવાભાઇ ઠાકોર સંડોવણી બહાર આવતા પાંચેય શખ્સોને ઝડપી લીધા છે.
પાંચેય શખ્સોની પૂછપરછ દરમિયાન રોહિતના કાકા મુકેશભાઇ કોર્પોરેશનમાં ફરજ બજાવે છે તેઓના પરિચત કેવલ રમેશ સંચાણીયા અવાર નવાર રોહિતના ઘરે જતો હતો. લોહાણા દંપત્તી ડોકટર હોવાનું તેઓ પાસે મોટી સંપત્તી હોવાથી તેના પુત્ર રોહિતનું અપહરણ કરવામાં આવે તો મોટી રકમની ખંડણી મળી શકે તેમ હોવાનું પોતાના મિત્ર સંજય કાંતિ ઠાકોરને આઠેક માસ પહેલાં જણાવ્યું હતું. સંજય ઠાકોરે પોતાની સાથે રાજકોટ કોર્પોરેશનમાં એપ્રેન્ડીસ તરીકે વેરા વસુલાત વિભાગમાં ફરજ બજાવતા જયપાલસિંહ રાઠોડને વાત કરી અપહરણનો પ્લાન બનાવ્યો હતો.
રોહિતનું અપહરણ કરવા માટે નંબર પ્લેટ વિનાની ઇક્કો કાર લઇને જયપાલસિંહ રાઠોડ, સુરેન્દ્રસિંહ અને સુરેશ બચુજી ધામેચા આવ્યા હતા. સુરેશ બચુજી ઠાકોરે જ ઇક્કો કારની વ્યવસ્થા કરી હતી જ્યારે વરમોર ગામના ચિરાગ દેવા ઠાકોરે ડમી સીમ કાર્ડ બનાવી આપ્યા હતા. સાત શખ્સોએ અપહરણનો પ્લાન બનાવી ખંડણીની 50 ટકા રકમ કેવલ સંચાણીયા અને સંજય ડાભીએ રાખવાની બાકીની 50 ટકા રકમમાં પાંચ શખ્સોએ ભાગ પાડવાનું નક્કી કર્યા બાદ તા.14ની રાતે અપહરણના પ્રયાસની ઘટના પૂર્વે એક કલાકે રેકી કરી અપહરણનો પ્રયાસ કર્યાનું અને અપહરણમાં નિષ્ફળ રહેતા લીંબડી જઇ ખંડણીના રૂા.80 લાખ મુંબઇ આપી જવા ધમકી દીધાની પાંચેય શખ્સોએ કબુલાત આપી છે. પોલીસે અપહરણના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા જયપાલસિંહ અને સુરેશસિંહની શોધખોળ હાથધરી છે.