યુનિવર્સિટીની ચાલુ તબક્કાની પરીક્ષા પૂર્ણ થયા બાદ આજની પરીક્ષા લેવાશે
શહેરમાં સોમવારે સાંજ પછી અચાનક તૂટી પડેલા ભારે વરસાદને પગલે જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાવાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અને હજુ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સોમવારે શહેરની સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ યુનિવર્સીટી દ્વારા લેવાનારી આજની તમામ પરીક્ષા પણ રદ કરવાનો નિર્ણય યુનિવર્સીટીએ લીધો છે.
શહેરના કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણથી લઇને કેડ સમા પાણી ભરાયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારમાં આવેલી સોસાયટીઓના ઘરમાં પાણી ભરાઇ ગયા હતા તો અનેક ફ્લેટોના પાર્કિંગમાં પણ પાણી ભરાતા ભારે મુશ્કેલી ઉભી થઇ હતી.
હજુ આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી અને સવાર સુધી શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ભરાયેલા પાણીને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા કલેકટરએ શહેરની તમામ શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે.
સૌરાષ્ટ યુનિવર્સીટીના કુલપતિ ડો.ગિરીશ ભીમાણીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરમાં ભારે વરસાદના કારણે આજની જે પરીક્ષા લેવાની હતી તે તમામ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. તમામ પેપર પૂર્ણ થયા બાદ છેલ્લે આ પરીક્ષા લેવામાં આવશે.