કોરોનાની ત્રીજી લહેર પૂર્વે રાજ્યના તમામ નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાના લક્ષ્યાંક સામે સરકાર કામગીરી કરી રહી છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા પર્યાપ્ત માત્રામાં વેક્સિનના ડોઝની ફાળવણી કરવામાં આવતી નથી. જેના કારણે વેક્સિનેશનની કામગીરી પર વ્યાપક અસરો પડી રહી છે. દરમિયાન આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એવી સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે, હવેથી ગુજરાતમાં દર બુધવારે અને રવિવારે વેક્સિનેશનની કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે.
દર બુધવારે રાજ્ય સરકાર દ્વારા મમતા દિવસ અંતર્ગત શુન્યથી લઈ 2 વર્ષ સુધીના બાળક, ધાત્રી માત્રા અને સગર્ભા મહિલાઓને અલગ અલગ પ્રકારની વેક્સિન આપવામાં આવે છે. જેના કારણે ગત સપ્તાહથી બુધવારે કોરોનાની વેક્સિન આપવાનું બંધ કરવામાં આવ્યું છે.
આજે પણ રાજ્યભરમાં વેક્સિનેશનની કામગીરી સંપૂર્ણપણે બંધ છે. ગત સપ્તાહે સળંગ ત્રણ દિવસ સુધી રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું. આજે બપોરે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા એવી સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે કે, હવેથી રાજ્યમાં દર બુધવારે અને રવિવારના રોજ કોરોના વેક્સિનેશનની કામગીરી બંધ રાખવામાં આવશે. જો કે, આની પાછળ તેઓએ કોઈ સત્તાવાર કારણ આપ્યું નથી.
સપ્તાહમાં માત્ર 5 દિવસ વેક્સિનેશન ચાલુ રહેશે તેવું જણાવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પર્યાપ્ત માત્રામાં વેક્સિનના ડોઝ ફાળવવામાં આવતા ન હોવાના કારણે વેક્સિનેશનની કામગીરી પર અસર પડી રહી છે. હવેથી દર બુધવારે અને રવિવારના રોજ વેક્સિનેશન બંધ રાખવાની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી છે.