લાભપાંચમથી રાબેતા મુજબ કામગીરી શરૂ થશે
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દિવાળી નિમિતે આગામી તા.૧૩થી ૧૮ નવેમ્બર રજા પાડવામાં આવનાર છે. રજાના દિવસો દરમ્યાન યાર્ડનું તમામ કામકાજ સંપૂર્ણ પણે બંધ રહેશે.
દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે તમામ સમિતિઓ મંડળો, સંસ્થાઓમાં રજાની જાહેરાત થવા લાગી છે. ત્યારે રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-બેડીમા દિવાળી વેકેશન જાહેર કરી દેવાયું છે.
આ અંગે યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતુ કે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આગામી તહેવારોને અનુલક્ષીને તા.૧૩ નવે.થી ૧૮ નવે. સુધી રજા રહેશે. આ દિવસો દરમ્યાન યાર્ડનું કામકાજ સંપૂર્ણ પણે બંધ રહેશે. યાર્ડમાં થતી ખરીદ વેચાણ, હરરાજીની પ્રક્રિયા સદંતર બંધ રહેશે. રજા બાદ લાભપાંચમના શુભમૂહૂર્તે યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે જેની તમામ ખેડુતોએ નોંધ લેવી. તહેવારનાં દિવસો અગાઉ રજા જાહેર કરી દેવાતા ખેડુતો પોતાની અનુકુળતાએ જણસ વહેચવા આવી શકે. ખેડુતો દિવાળી વેકેશન બાદ રાબેતા મુજબ પોતાનો માલ વેચાણ અર્થે લાવી શકશે.
૨૭૦૦૦ મણ કપાસની આવક
આજે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ૨૭૦૦૦ મણ કપાસની આવક થવા પામી છે. કપાસના હાલ રૂા.૯૦૦ થી ૧૧૨૦ જેટલા ભાવ બોલાઈ રહ્યા છે.રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રોજ નવો જૂનોમળી સરેરાશ ૨૦૦૦૦ મણ જેવા કપાસની આવક થાય છે. ત્યારે આજરોજ રેકોર્ડ બ્રેક ૨૭૦૦૦ મણ કપાસની આવક થવા પામી છે. જેમાં ૨૦૦૦૦ મણ નવો તેમજ ૭૦૦૦ જેવો જૂનો કપાસ વેચાણ અર્થે આવ્યો છે. હાલ કપાસની બજાર સારી ખેડુતોને એક મણના ૯૦૦ થી ૧૧૨૫ સુધીના ભાવો ઉપજી રહ્યા છે. ધીમે ધીમે કપાસની આવકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.