પાઈપલાઈન લીકેજની ૫૯૭, દુષિત પાણીની ૩૦૭, પાણી ન આવ્યું હોવાની ૨૨૭ ફરિયાદો નોંધાઈ: ૧૫૧ ફરિયાદ પેન્ડિંગ
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીનું લેવલ ઘટી જવાના કારણે સમગ્ર રાજયમાં ઉનાળામાં જળ કટોકટી સર્જાવાના એંધાણ વર્તાય રહ્યા છે ત્યારે રાજકોટમાં ઉનાળાના આરંભે જ પાણીની હોળી સર્જાય છે.
છેલ્લા એક માસમાં કોર્પોરેશનના કોલ સેન્ટરમાં પાણી વિતરણને લગતી ૧૪૮૦ જેટલી ફરિયાદો નોંધાઈ છે. જે પૈકી ૧૫૧ ફરિયાદો હજી આજની તારીખે પેન્ડીંગ જાણવા મળી રહી છે.
આ અંગે વિશ્ર્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત ૧લી ફેબ્રુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધીના ૨૬ દિવસોમાં કોર્પોરેશનના કોલ સેન્ટરમાં ડાયરેક પમ્પીંગ થતું હોવાની ૩૮ ફરિયાદ, ગેરકાયદે નળજોડાણ હોવાની ૬ ફરિયાદો, નિર્ધારીત સમય કરતા ઓછું પાણી આવ્યું હોવાની ૨૨ ફરિયાદ, ધીમા ફોર્સથી પાણી આવતું હોવાની ૧૯૭ ફરિયાદ, પાણી સંપૂર્ણપણે આવ્યું જ ન હોવાની ૨૨૭ ફરિયાદ, પાઈપલાઈન લીકેજ હોવાની ૫૯૭ ફરિયાદ, દુષિત પાણી વિતરણ થતું હોવાની ૩૦૭ ફરિયાદો, વાલ ચેમ્બર ડેમેજ હોવાની ૨૫ ફરિયાદ અને પાણીનો વાલ ૨૦ મિનિટથી વધુ ખુલ્લો રહી ગયો હોવાની ૬૧ સહિત છેલ્લા ૨૬ દિવસમાં પાણીને લગતી ૧૪૮૦ ફરિયાદો નોંધાઈ છે. જે પૈકી ૭૮૩ ફરિયાદો હલ કરી દેવામાં આવી છે. જયારે ૫૪૬ ફરિયાદોના નિરાકરણ માટેની કામગીરી ચાલી રહી છે. જયારે ૧૫૧ ફરિયાદો પેન્ડીંગ રાખવામાં આવી છે.