પશ્ર્ચિમ આફ્રિકામાં દાયકાઓથી આતરવિગ્રહમાં બળી રહેલા નાઈઝરમાં મોટર-બાઈક પર સવાર બંદૂકધારીઓએ મચાવેલા તાંડવે દુનિયા આખીમાં હાહાકાર મચાવી દીધો છે. વિદ્રોહીઓના એક ટોળાએ આખા ગામને સ્મશાનઘાટમાં ફેરવી નાખ્યું હતું. મોટરસાયકલ પર ગામમાં ફરી વળેલા બંદૂકધારીઓએ 137 લોકોને ગોળીએ વિંધી નાખ્યા હતા.
સ્થાનિક સુત્રોએ જાહેર કરેલી વિગતોમાં નાઈઝરની આ ઘટના સામે આવી હતી. પશ્ર્ચિમ નાઈઝરમાં આવેલા ટાહોઆના ઈટાજેન અને બેકોરેટ ગામો અને કેટલીક અન્ય જગ્યાએ એકા-એક મોટર સાયકલ બંદૂકધારીઓનું ટોળુ ત્રાટક્યું હતું. ઓટોમેટીક રાયફલ અને એકે-47 જેવા ઘાતક હથિયારો સાથે ત્રાટકેલા હુમલાખોરોએ ગામડાઓમાં ફરી જે સામે મળે તેને ફિલ્મીઢબે ઠાર મારવાનું શરૂ કર્યું હતું અને લોહીયાળ હોળી ખેલી હતી. માલી સરહદ વિસ્તાર નજીક આવેલા આ ગામડાઓ પર ક્યાં જુથે મોતનો વરસાદ વરસાવ્યો છે તે અંગે કોઈપણ આતંકી સંગઠને હજુ સુધી જવાબદારી સ્વીકારી નથી. સરહદ નજીક આવેલા આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વર્ગ-વિગ્રહ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. બંદૂકધારીઓએ અલગ અલગ વિસ્તારોમાં ફરીને 3 કલાકમાં 137 લોકોને ઠાર કર્યા હતા જેમાં વૃદ્ધો, બાળકો અને મહિલાઓની ટકાવારી કેટલી છે તે હજુ સ્પષ્ટ થયું નથી. શસ્ત્ર હુમલાખોરના આ હુમલાઓની જાણ પ્રશાસનને થયા બાદ શરૂ થયેલી બચાવ રાહત કામગીરી અને તપાસમાં સત્તાવાર રીતે પ્રારંભીક તબક્કામાં 60 લોકોના મૃત્યુની પુષ્ટી કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે, અજાણ્યા બંદૂકધારીઓએ કરવામાં આવેલા આ હુમલામાં 137 લોકોના મોત છે. સતત 3 કલાક સુધી મોતનો આ ખેલ ચાલ્યો હતો. નાઈઝરની આ સામૂહિક નરસંહારની ઘટનાએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે.
પશ્ર્ચિમ નાઈઝર વિસ્તારમાં છેલ્લા કેટલાંક વર્ષોથી આતંકી ગતિવિધિઓ ચાલી રહી છે. ગયા અઠવાડિયે જ કેટલાંક શંકાસ્પદ બંદૂકધારીઓએ 66 લોકોની હત્યા કરી હતી. આ વિસ્તારમાં માત્ર સામાન્ય નાગરિકો પર જ નહીં સુરક્ષા દળોને પણ બંદૂકની ગોળીએ ઠાર કરવામાં આવી રહ્યાં છે. આ લખાય છે ત્યારે સૈન્ય અને સ્થાનિક સુરક્ષા દળોએ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. જો કે હજુ આ મુદ્દે કોઈ આરોપી ઝડપાયા નથી.