લોકસભાની ચુંટણીની બાકીની પ્રક્રિયાઓને ટાંકણે, અને વડાપ્રધાનને જેલમાં ધકેલી દેવાના પડઘાઓ ઊઠયા છે તેના પ્રકાશમાં દેશનો સાર્વભૌમ નાગરીક એવો સવાલ ઉઠાવી રહ્યો છે કે, આખો દેશ હૈયા હોળીમાં ડૂબા ડૂબ છે એવા વાતાવરણમાં ‘હું કયાં છું અને મારી, મારાં સંતાનોની અને જે ધરતીએ મને જન્મ આપીને પાળ્યો પોષ્યો એની’ આવતીકાલ ‘કેવી હશે? કયાં હશું અમે બધાં ?’
મુકિત નાનેરું છે બાળ,
હળવે હિંચોવો એનાં પારણાં !
એવા હાલરડાંનો હેતભીનો ઘ્વનિ હજુ જેના કાનમાં ગુંજે છે ત્યાં હૈયા હોળીના ડૂસકાં હવે સાંભળી શકાતાં નથી.
૧૯૪૯ના નવેમ્બર મહિનાની ર૬મી તારીખે ભારતની બંધારણ સભાએ આપણા સંવિધાન ઉપર મહોર મારી અને ૧૯૫૦ની ર૬મી જાન્યુઆરીએ એ અમલમાં આવ્યું.
આ બંધારણની શરુઆત આ રીતે થાય છે.
‘અમે, ભારતના નાગરીકો’
આ બંધારણ ઘડી, સ્વીકારીને અમને અર્પણ કરીએ છીએ.
આ નાગરીકનું મહત્વ સર્વોચ્ચ અદાલતમાં ૧૯૭૩ના કેશવાનંદ ભારતી કેસમાં ઉજાગર થયેલુઁ, નાગરીકોને અધિકારો આપવા ઉ૫રાંત આ આમુખ દ્વારા સંવિધાન સભાનો હેતુ ભારતને સાર્વભૌમ, લોકતાંત્રિક, પ્રજાસત્તાક બનાવવાનો પણ હતો એવો એક મત એમાં રજુ થગેલો, એ વખતે કહેવાયેલું કે દેશ લોકતાંત્રિક છે કારણ કે સંવિધાનમાં લોકોની ઇચ્છાનું પ્રતિબિંબ છે.
વિચિત્રતા એ હતી કે લોકોની ઇચ્છાનું પ્રતિબિંબ પાડનાર સંવિધાન સભામાં બેઠેલા સભ્યો ઉપર પશ્ર્ચિમનો પ્રભાવ એટલો હતો કે સંવિધાન સભાઓ અંગ્રેજીમાં એક વિદેશી ભાષામાં જ બંધારણનો વિચાર કર્યા. દેશનો આત્મા એની પોતાની ભાષામાં જ વધુ સ્પષ્ટ રીતે પ્રગટ થઇ શકે એ વાત સ્વાતંત્ર્ય લડતના એ સેનાનીઓને પણ ત્યારે કદાચ બહુ યાદ ન આવી.
પરિણામે સંવિધાને દેશનું નામ જ ‘ઇન્ડિયા ધેટ ઇઝ ભારત‘ રાખી દીધું આ ઇન્ડિયામાં દેશનો આત્મા – એનું સ્વત્વ પડધાય છે ખરું ? ભારત ઘેટ ઇઝ હિંદુસ્તાન એમ કહેવું વધુ યથાર્થ નહોતું? એસ.ગુરુમૂર્તિ જેવા એક વિચારકે કર્ણાવતીની ચર્ચા સભામાં આ મુદ્દો રજુ કર્યો હતો. એ પહેલાં આજની લગભગ ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલા પં. દીનદયાલ ઉપાઘ્યાય જેવા વિચારકે નુકતેચીની કરતા કહેલું કે અંગ્રેજીમાં વિચારવાને કારણે આપણું સંવિધાન ભારતમાં જન્મેલા અંગ્રેજી શિશુની જેમ એંગ્લો ઇન્ડિયન બની રહ્યું છે, ભારતીય નહિ.
આજે વામદેવજી જેવા કોઇ સંત ભારતના મૂળભૂત સમાજની ભાવનાઓને સંવિધાનમાં આમે જ કરવાની વાત કરે ત્યારે હાય-તોબા મચાવીને એમને દેશદ્રોહી બંધારણ વિરોધીમાં ખપાવવાની બેહુદગી કરનારા એ ભૂલી જાય છે કે ૧૯૫૧ ના પહેલા સુધારાથી માંડીને આજ સુધીમાં એમણે વર્ષે સરેરાશ એકથી વધારે બંધારણીય સુધારા નથીકયાં ? અરે ! બંધારણના ૪૧માં સુધારા દ્વારા તો વડાપ્રધાન, સ્પીકર અને રાજયપાલોને દીવાની અને ફોજદારી કાયદાથી પર બનાવી દેવાયા ઇગ્લેન્ડમાં કહેવત હતી ‘એ કિંગ કેન ડુ નો રોંગ’ (રાજા ખોટું કરે જ નહિ) એટલે કે એના બધા ગુના માફ ! ૪૧માં સુધારામાં આ જ વૃત્તિનો પડઘો નહોતો? તમામ નાગરીકોને કાયદાની સમાનતા આપવાની સંવિધાનની ખાત્રીનું શું થયું?
શ્રીમતિ ઇંદિરા ગાંધીની ચુંટણીને પડકારાઇ, અલ્હાબાદ હાઇકોર્ટે એમની વિરુઘ્ધ ચુકાદો આપ્યો. ત્યારે ૧૯૭૫માં ૩૯મો બંધારણીય સુધારો થયો. એની પેટા કલમ-૧ નો સાર એ છે કે કોઇ વ્યકિત સાર્વભોમ અધિકાર છે. ગોલકનાથ કેસના ચૂકાદા પછી તો ખુદ શાસન વર્તુળો તરફથી અદાલતની અંદર અને બહાર બૂમરાણ મચેલી કે સંસદને ઇચ્છા મુજબ બંધારણ સુધારવા નહિ દેવાય તો લોકો લોહિયાળ ક્રાન્તિ દ્વારા બદલી નાખશે. આજે સ્વામી વામદેવ અને અન્ય સંતો ઉપર કાદવ ઉછાળનારા લોકો જ ત્યારે સત્તા વર્તુળમાં હતા અને ધમકીઓ ઉચ્ચારતા હતા કે નહિ ? આજે ખરેખર કોઇ ક્રાન્તિ આવી રહી હોય એવું લાગે છે ત્યારે એમના ટાંટિયા થરથર કંપવા માંડયા છે કે શું?
અમે, ભારતના નાગરીકો, જેમણે સંવિધાન પોતાની જાતને જ અર્પણ કર્યુ છે એવા સાર્વભૌમ નાગરીકોને આ ધરતીમાંથી પ્રસ્ફુટિત મૂલ્યોની સુવાસ આપણા બંધારણમાં હોય એવું કહેવાનો અધિકાર નથી એવું કહેનારા આ બદમિજાજી લોકો છે કોણ? બંધારણના નામે જ લોકશાહીનું શોષણ કરીને ચાલીસ ચાલીસ વર્ષથી સ્વાર્થની ખીચડી પકાવી રહેલા આ નમુનાઓ આજે દેશના સાર્વભૌમ નાગરીકને બંધારણની પવિત્રતાની દુહાઇ દેવા નીકળ્યા છે?
હિંદુ, રાષ્ટ્ર, હિંદુ સંકલ્પના મુજબના રાજય વગેરેની ચર્ચા કરવાની આ ઉપક્રમ નથી. એનો બચાવ કે ઇન્કાર કરવાનો પણ આ ઉપક્રમ નથી. આ લેખનો હેતુ તો દેશના સાર્વભૌમ નાગરીકની વિમારણા વ્યકત કરવાનો છે. આજે ૪૪માં પ્રજાસત્તાક દિવસે એની વિમાસણ છે, હું કયાં છું?હા, આ સાર્વભૌમ નાગરીક કયાં છે? એનું સત્વ કયાં છે? સંવિધાને એને આપેલી ખાત્રીઓ કયાં છે? અરે ! એના મૂળભૂત અધિકારો પણ કયાં છે? વાસ્તવમાં એ અધિકારો પણ કયાં છે? વાસ્તવમાં એ અધિકારોને અધિકાર રહેવા દેવાયા છે ખરા?
આપણા બંધારણમાં નવમું પરિશિષ્ટ છે. ૧૯૫૧ માં બંધારણમાં કલમ ૩૧ (એ) અને (બી) ઉમેરાઇ એમાં ૩૧ (એ) નો હેતુ તો જમીન સુધારાને લગતા કાયદાઓને કલમ ૧૪, ૧૯ કે ૩૧ નીચે પડકાર ન થાય એવો હતો. પણ કલમ ૩૧ (બી) કહે છે. કે બંધારણના નવામ પરિશિષ્ટ નીચેના કાયદાઓને મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે. એવા આધારે પડકારી ન શકાય. શરુઆતમાં એ પરિશિષ્ટ નીચે જમીન સુધારણને લગતા પોડા કાયદા જ હતા.
પરંતુ પાછળથી એમાં ૧૦૦ ઉપરાંત બીજા કાયદા પણ ઉમેરી દેવાયા. ૧૯૭૮માં એ સંખ્યા ૧૮૭ હતી. અને એમાં લોક પ્રતિનિધિત્વ ધારો, મીસા, કાનુન, (પ્રીવેન્શન ઓફ પબ્લીકેશન મેટર્સ એકટ) જેવા કાયદા પણ મૂકી દેવાયા છે. આ ત્રણે કાયદાનો સંબંધ અનુક્રમે ચૂંટણી સાથે વ્યકિતગત સ્વાતંત્ર્ય સાથે અને અભિવ્યકિત સ્વાતંત્ર્ય સાથે છે. આમ એક જ ઝાટકે ભારતના સાર્વભૌમ નાગરીકના ત્રણ મૂળભૂત અધિકારોને નામશેષ કરી દેવાયાં. એ બંધારણના પાના ઉપર જ રહી ગયા.
ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણ સભાની ચર્ચા દરમ્યાન કહેલું કે ૧૯૪૯ના નવેમ્બરમાં જે સંવિધાન લોકોએ પોતાને અર્પણ કર્યું છે એ સંતોષજનક રીતે કામ ન આપે તો ભવિષ્ય એવું કહેશે કે સંવિધાન નિષ્ફળ નથી ગયું, માણસ દુષ્ટ પુરવાર થયો છે.આ માણસ જ રાષ્ટ્ર, રાજય અને બંધારણનું કેન્દ્ર છે. માનવ ઘડતર જ પાયાની વાત છે. અને એ જ ભુલાઈ ગઈ છે. એકાત્મ માનવ દ્વારા એકાતમ શાસનની દિશામાં વિચારવાની ઘડી આવી પહોંચી છે.આખો દેશ અને તેની સવા અબજ જેટલી પ્રજા આ સવાલોના જવાબની રાહ જુએ છે. કોણ જવાબ આપશે?