આ વર્ષે રંગોના તહેવાર ધુળેટીમાં રંગ રસીયાઓ ‘સાફા’માં સજ્જ થઈ રામલીલાના રંગો સાથે રંગોત્સવને મનમુકીને માણશે. આગામી તા.૧૩મીએ ધુળેટીનો તહેવાર આવી રહ્યો છે. તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી હોય. રંગ રેસીયાઓએ ધીમી ગતિએ રંગોની ખરીદી શ‚ કરી છે. શહેરના સદર સહિતના વિસ્તારો અવનવા રંગોથી વિખરી ઉઠયા છે. બાળકથી લઈ બુઝુગો ધુળેટીના પર્વને હોંશેહોંશે મનાવે છે. પીચકારીના સંગાથે બાળકો અને મુઠ્ઠી ભરીને રંગોથી મોટેરાઓ ઉત્સાહભેર ઉજવતા હોય છે. અબીલ ગુલાલ અને કેસુડાના રંગોના છોળો સાથે બુરા ન માનો આજ હોલી હૈની ચીચયારો સાથે રંગોત્સવ મનાવે છે. થોડા સમયથી રસાયણિક રંગોનું સ્થાન હર્બલ રંગોએ લીધું છે. રાજકોટ સહિત સમગ્ર રાજયમાં એક લાખ કિલો જેટલો ગુલાલ ઉડતો હોવાનું તારણ છે. ત્યારે ઉત્સવપ્રેમીઓ રાજકોટવાસીઓ આ રંગોત્સવના પર્વને મનમુકીને માણે છે. આ તહેવારના ૧૧ દિવસ પૂર્વે જ રંગો, પીચકારીની ખરીદીના શ્રીગણેશ થઈ રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ રંગોમાં નવી રોનક આવી છે. આ વર્ષે ‘રામલીલા’ના રંગો માર્કેટમાં આવ્યા છે. આ વિશે મધુર સીઝન સ્ટોરના ભગતભાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફિલ્મ રામલીલાના જે કલરનો ઉપયોગ થયો હતો એ રંગોની છોળો આ ધુળેટીમાં ઉડશે. તપકીરમાંથી બનતા આ રંગો ૨૦૦ રૂપિયા કિલોએ વેચાય છે એ ઉપરાંત ગેરુ કલરનો વપરાશ વધુ હોય છે. રાજકોટમાં પ્રથમ વખત બાકે બિહારીના રંગો પણ આવ્યા છે. આ કલરનું મહત્વ એ છે કે વૈષ્ણવો વ્રજમાં જે હોલી રમે છે એ રંગોથી આ વખત રંગોત્સવ રમાશે. આમ વૃંદાવનમાં બાકે બિહારી સાથે રમાતા રંગોથી હવે શહેરીજનો રંગોત્સવ રમવાનો આનંદ મનાવશે. તેમજ આ વર્ષે જોધપુરના સાફાનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. મેવાડમાં રંગ રસીયાઓ સાફા પહેરીને ધુળેટીનું પર્વ ઉજવે છે. એવી જ રીતે આ વખતે સાફા અને આજ હોલી હૈ…ની પટ્ટીનું ધુમ વેચાણ થઈ રહ્યું છે. ગત વર્ષે સાફાથી ધુળેટી રમતા ખેલૈયાઓ નજરે પડયા હતા પણ આ વખતે આ સાફાએ ધુમ મચાવી છે. રૂ.૨૦૦ થી લઈને રૂ.૫૦૦ સુધીમાં સાફાનું વેચાણ થાય છે. જયારે આ જ હોલી હૈ..ની પટ્ટી ૫૦ વર્ષ પૂર્વે ‘નવરંગ’ ફિલ્મ જોવા મળી હતી. (તસવીર: શૈલેષ વાડોલિયા)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.