હોળીમાં ચણા નાખવાનું ભુલી જતા પત્નીની હત્યા, દારૂ પીવાના પૈસા ન આપતા સગા ભાઇને રહેસી નાખ્યો, પુત્રીને હેરાન કરતા પુત્રનું માતાએ ઢીમ ઢાળી દીધુ અને જુની અદાવતના કારણે યુવકને ચાર શખ્સોએ વેતરી નાખ્યો
સૌરાષ્ટ્રમાં આકરા તાપ સાથે ઉનાળાની શરૂઆત થતા ક્ષણીક ગુસ્સામાં લોહીના સંબંધો ભુલી હત્યા કરી નાખવાની ચાર ઘટના સામે આવી છે. હોળી-ધૂળેટીનો તહેવાર રંગોથી રંગાવાના બદલે લોહીથી રંગાઇ ગયો હોય તેમ રાજકોટના ત્રંબા ગામે પતિએ પત્નીનું, જેતપુરમાં સગા ભાઇનું, રાજુલાના ખેરા ગામે જનેતાએ પોતાના પુત્રની અને દાઢામાં જૂની અદાવતના કારણે હત્યા થયાનું પોલીસમાં નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ છોટા ઉદેપુરના કવાંટ ગામના આદિવાસી દંપત્તી વચ્ચે થયેલા ઝઘડામાં મનકર નાનજી રાઠવાએ તેની પત્ની ઇલમાની હત્યા કર્યાની ખેતર માલિક ધર્મેશ કરશનભાઇ ટીંબળીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
છેલ્લા એકાદ વર્ષથી ધર્મેશભાઇ ટીંબળીયાની વાડીએ મજુરી કામ કરતા મનકર રાઠવા અને તેની પત્ની ઇલમાએ ખેતરે હોળી કરી હતી ત્યારે હોળીમાં ચણા નાખવાનું મનકર રાઠવા ભુલી જતા પત્ની ઇલમાએ ઝઘડો કરતા મનકર રાઠવાએ પોતાની પત્ની ઇલમાને લોખંડની કોશ માથામાં મારી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. આજી ડેમ પોલીસ મથકના પી.આઇ. વી.જે.ચાવડા સહિતના સ્ટાફે પત્નીની હત્યાના ગુનામાં મનકર રાઠવાની ધરપકડ કરી તપાસ હાથધરી છે.
જેતપુરના બરફના કારખાના નજીક બાપુની વાડી વિસ્તારમાં ફુલની દુકાન ધરાવતા હારૂનભાઇ કાસમભાઇને તેના સગા મોટા ભાઇ સિંકદર કાસમે કાતર મારી હત્યા કર્યાની કાસમભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સિંકદરને દારૂ પીવા માટે નાના ભાઇ હારૂન પાસે પૈસા માગતા દારૂ માટે પૈસા આપવાની ના કહેતા ઉશ્કેરાયેલા સિંકદરે ફુલની દુકાનમાં રહેલી કાતરથી પોતાના જ સગા નાના ભાઇ હારૂનને ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેતપુર પોલીસે કાસમભાઇની ફરિયાદ પરથી સિંકદર સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
રાજુલા તાલુકાના ખેરા ગામે રહેતા સવજીભાઇ નાનજીભાઇ નામના 26 વર્ષના કોળી યુવાનને તેની માતા દુધીબેન અને પાડોશી મુન્ના વશરામ બારૈયાએ લાકડાના ધોકા મારી હત્યા કર્યાની સવજીભાઇની પત્ની પાર્વતીબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મૃતક સવજી પોતાની બહેન મંદબુધ્ધીની હોવાથી સવજી અને તેની પત્ની પાર્વતી હેરાન કરી ત્રાસ દેતા હોવાથી માતા દુધીબેને પોતાના પુત્ર સવજીને ઠપકો દઇ બહેનને હેરાન ન કરવા સમજાવ્યો ત્યારે તે ઉશ્કેરાયો હતો અને માતા દુધીબેન સાથે ઝઘડો કરતા માતા દુધીબેન અને પાડોશમાં રહેતા મુન્ના વશરામ બારૈયાએ લાકડાના ધોકા મારી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
મહુવા તાલુકાના દયાળ ગામના પ્રતાપભાઇ ધનાભાઇ શિયાળ નામના 28 વર્ષના યુવાનને જુની અદાવતના કારણે વિક્રમ ઉર્ફે મેકડોલ ધીરૂ ચૌહાણ, ધીરૂ કલા ચૌહાણ, પુરીબેન ધીરૂ ચૌહાણ અને કલા ધીરૂ ચૌહાણ નામના શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની વિક્રમ ધનાભાઇ શિયાળે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વિક્રમ શિયાળ અને વિક્રમ ઉર્ફે મેકડોલ વચ્ચે છ માસ પહેલાં ઝઘડો થયો હોવાથી બંને વચ્ચે ચાલતી અદાવતના કારણે મહિલા સહિત ચારે એક સંપ કરી છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.